વાહન સંગ્રામ

- નંદી ભાગ્યો ઊભો થઈને દડબડ દડબડ દોડે, મૂષક એના કાનમાં જુઓ સૂ-સૂ સૂસકારા છોડે…
- નંદીને હવે પડી રહેવાનું પાલવે તેમ ન હતું
- ઉંદર અને નંદી વચ્ચે દ્વન્દ્વ યુદ્ધ જામ્યું
- હરીશ નાયક
ગણપતિનું વાહન ઉંદર.
ગણપતિના પિતાજી શિવજી.
શિવજીનું વાહન નંદી.
શિવજી ભોળા. દુનિયા સાથે કંઈ બહુ લેવાદેવા નહિ. મોટે ભાગે તપ જ કરતા હોય. હરવાફરવાનું ઓછું.
એથી નંદીને ય એવી આદત પડી ગયેલી. પડી રહે, બેસી રહે, 'વળી ઝોકેય ચઢે. ભગવાન શિવજીની આંખ બંધ હોય તો નંદીની શા માટે ઉઘાડી હોવી
જોઈએ ?
તમે જોજો કે શિવજીના મંદિર બહાર તેમનો નંદી પોઠિયો બેઠેલો જ હોય છે.
હવે ઉંદરભાઈને આ ગમે નહિ. ગણપતિ ગમે તે ક રતા હોય ત્યારે મૂષકરાજની પ્રવૃત્તિ પણ ચાલુ જ. કંઈક ખાંખાંખોળાં કરે, કંઈક આમતેમ ઘૂમે, કંઈક શોધખોળ કરે !
ગણપતિએ તેને છૂટ આપી હતી કે - 'હું કામમાં હોઉં ત્યારે તારે જે કરવું હોય તે કરજે.'
આ મૂષકરાજ બીજું શું કરે ?
નંદી પોઠિયાને છેડે. તેને જગાડે. તેને ઉઠાડે, તેને બેઠા કરે. તેને દોડાવેય ખરા.
બે દેવનાં બે વાહનની આવી દોડાદોડી ચાલ્યા કરે. પણ જે પડી રહે છે તેમને તો આળસ ચઢે જ છે. તેમનાથી ઝટ ઊભા થવાય નહિ, ઝટ દોડાય નહિ.
નંદીએ ભગવાન શિવને ફરિયાદ કરી. પણ ભગવાન શિવ એટલે શિવ. ફરિયાદ સાંભળે નહિ. સાંભળે તો ઉપાય કરે નહિ, વળી સાંભળતાં સાંભળતાં ધ્યાનમાં ખોવાઈ જાય. તેમનો તો એક જ મૌનબોધ હતો - 'ફરિયાદ વગરનું જીવન જીવતાં શીખો.'
છેવટે નંદીએ નક્કી કર્યું કે ઉપાય આપણે જ કરવો પડશે. જે થવાનું હોય તે થાય, તેણે એ ઉંદરડાને સીધા કરી નાખવાનું નક્કી કર્યું.
ઉંદર આવે એ માટે તે તૈયાર જ રહે. પગ પાસે આવે તો પગ પછાડે. પેટ હેઠળ આવે તો પેટ દબાવી દે. પૂંછડીની આજુબાજુ મૂષક ફરકે તો પૂંછડી જોરથી પટકી દે. શિંગડાં તરફ નજર પડે તો શિંગડાં ઉછાળી દે.
પરિણામ કંઈ જ નહિ. ઉંદરડો હતો કે મચ્છર ! હાથમાં જ આવતો ન હતો. એવો સરકી જતો કે જાણે શિવજીનો નાગ જોઈ લો.
બીજો કોઈ ઉપાય રહ્યો નહિ ત્યારે ઊભા થવું જ પડયું. હવે જો ઉંદરડો આવે તો એની પાછળ પડું. એને ભગાડું. એને કચડું. એને ચગદી નાખું.
હવે દોડ શરૂ થઈ. ઉંદર આવ્યો નથી કે દોડ શરૂ થઈ જ સમજો.
ઉંદરડો દોડમાંય તોફાની સાબિત થયો. આગળ આગળ એવો દોડે કે જાણે કર્ણનો ઘોડો દોડયો !
ક્યારેક વળી છુપાઈ જાય !
નંદીભાઈ ઠેઠ આગળ નીકળી ગયો હોય ત્યારે પાછળથી બોલે - 'ચૂં-ચૂં.' એટલે કે - 'હું અહીં છું.'
આગળ વધી ગયેલા નંદીને પાછળ ફરતાં ય વાર લાગે.
ચકરાવો લઈને પાછળ પડે એટલે મૂષકને નવી રમત સૂઝે. તે નંદીને ગોળગોળ ફેરવે.
નંદીને હવે પડી રહેવાનું પાલવે તેમ ન હતું. તેને ઊભા થવું પડતું, ઊછળવું પડતું, દોડવું પડતું.
તેણે વિચાર્યું કે એક વખત એ ઉંદરડો ઉઘાડા મેદાનમાં આવી જાય, પછી એની મઝા છે.
એ લાગ નંદીને મળી ગયો.
ઉઘાડું લાંબું મેદાન. હવે બચ્ચાજી બચીને ક્યાં જવાના છે ?
ચાલી દોડ.
ઉંદર આગળ આગળ.
નંદી પાછળ પાછળ.
જોનારાઓ જોઈ જોઈને હસે કે જુઓ દેવોનાં વાહનોની દોડ ચાલી. પિતા-પુત્રનાં વાહનિયાં દોડયાં.
જોનારામાં શિવજીના ગણ હતા.
ગણપતિના ભક્તો હતા.
લાંબું મેદાન. ઝડપી દોડ. ઘડીમાં ઉંદરડો પગમાં આવ્યો જ સમજો. ઘડીમાં નંદીના હાકોટા-છાકોટા.
નંદી દાવ વિચારે છે. લાગ મળે કે ઉંદરડાને પગમાં પોંદું. શિંગડે ઉછાળું. ગેડીદડાની જેમ ઉંદર-દડાને ઊંચે ઉછાળું.
યુક્તિ કોની હતી તે ખબર નથી. ઉંદરની જ હશે ! લાંબું મેદાન લાંબી દોડ બાદ પૂરું થયું. પહાડી પ્રદેશ હતો. પહાડો શરૂ થયા. એક વખત ઉંદર એક નાના દરમાં પેસી ગયો. પહાડ એટલે પાષાણ. કાળમીંઢ પાષાણ. નંદી ઉછળી ઉછળીને આવતો હતો. રોકાવું શક્ય ન હતું. દોડનારથી ધસી જ જવાય છે. ધસી ગયો નંદી.
ધડામ્મ કરતું માથું અથડાયું પહાડ સાથે. માથામાં વાગ્યું. અરે શિંગડાં ય ટકરાયાં. પહાડ અને શિંગડાં.
શિંગડાં એટલે હાડકાં.
હાડકાં ભાગે, કંઈ પહાડ ભાંગે ?
એક શિંગડું વધુ અથડાયું હતું. એ શિંગડાનો રંગ બદલાઈ ગયો.
બંને શિંગડાં જુદા જુદા રંગના.
ઓહ-વૉય, આહ-ઊંહ, એંહ-વેંહ કરતાં નંદીજી પાછા પધાર્યા. લંગડાતા અને ખોડંગાતા. 'રરર કરીને શિવજીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. શિવજીને બતાવવું હતું કે - 'જુઓ તમારા સુપુત્રના ચેલાનાં કારસ્તાન. જોઈ લો મારાં હાડકાં, ટાંટિયા, શિંગડાંની કેવી દશા કરી છે તે !'
શિવજી શેના જુએ !
પાર્વતીજી એક બાજુ હસતાં હતાં. મનોમન ખુશ થતાં હતાં - 'માળો પડી રહેતો હતો. હવે જરા ચંચળ બનશે ખરો. ભગવાન અને એનો પોઠિયો. બંને સરખા. પડયા એટલે પડયા. ઉંદરડાએ જે કર્યું તે બરાબર જ કર્યું. જીવનમાં ચંચળતા તો હોવી જ જોઈએને ! અને શિંગડાંના માત્ર રંગ જ બદલાય ? ગણપતિને બધા એકદંત દેવ કહે છે તો નંદીને બે સાબૂત શિંગડાં શું કામ ?'
હારેલો યોદ્ધો ફુરરર ફુરરર કરે તેમ નંદી ધૂળ ઉડાડતો હતો. જોરજોરથી શ્વાસ લઈ, હવાની ધમણ ચલાવી, નાકથી ચાક અને છૂક બોલાવી ગરજતો હતો-
'બીજી વખત વાત…
નહિ છોડું ઉંદરડા !
તને નહિ છોડું.
બીજી વખત વાત…'




