છગનકાકાની છત્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

'અરે ચંપૂ, માણસને બે પગ હોય છે એટલે એ બે પગે ચાલે અને હાથ વડે છત્રી પકડે. વાંદરો તો ચાર પગે ચાલે! જો આગળના બે હાથે છત્રી પકડે તો ચાલવું શી રીતે? અને ચાર પગે ચાલે તો છત્રી ક્યાંથી પકડવી?'
ભાવના હેમંતકુમાર વકીલના
એ ક સુંદર અને હરિયાળું જંગલ હતું. આ જંગલનું નામ હતું રસધામ. જંગલમાં ઊંચા-ઊંચા વૃક્ષો, રંગબેરંગી ફૂલો, લહેરાતી વહેતી નદીઓ અને જાતજાતના પશુ-પક્ષીઓ આનંદથી રહેતાં હતાં. જંગલથી થોડે દૂર વૃક્ષોની છાયા નીચે છગનકાકાનું નાનું સરખું ફાર્મ હાઉસ આવેલું હતું. આ ફાર્મ હાઉસમાં છગનકાકા વૃક્ષો નીચે ખાટલો ઢાળી, આકાશ તરફ નજર કરી શાંતિથી સૂઈ જતા. દિવસે વાદળો સાથે વાતો કરતા અને રાત્રે તારાઓના મંડપ નીચે અવનવાં સપનાં જોતા. છગનકાકાના આ ફાર્મ હાઉસમાં અનેક ફળઝાડ હતાં, જેમાં દાડમનું એક સુંદર ઝાડ પણ હતું. આ વૃક્ષ ઉપર ઘણાં બધાં દાડમ બેસતાં. લાલચટક દાડમ જોઈ છગનકાકા ખૂબ ખુશ થતા.
ફાર્મ હાઉસને અડીને આવેલા જંગલમાં ચંપૂ વાંદરો અને લખી વાંદરી રહેતાં હતાં. બંને જણાં ખૂબ ચતુર અને નટખટ હતાં. ચંપૂ વાંદરાને નવી-નવી વસ્તુઓ જોવાનો અને તેની સાથે રમત કરવાનો ભારે શોખ, અને લખી વાંદરી પણ ખૂબ ચંચળ! બંને મળીને જંગલમાં ખૂબ તોફાન કરતાં. વર્ષો પહેલાં છગનકાકાના ફાર્મ હાઉસમાં દાડમનો સ્વાદ માણતાં-માણતાં ક્યારેક તેમણે માર પણ ખાધો હતો અને ઊભી પૂંછડીએ ભાગવું પડયું હતું. પરંતુ એક વડીલ ગટુ વાંદરાએ ચંપૂને શિખામણ આપતાં કહ્યું હતું, 'ચંપૂ, તું ખૂબ હોશિયાર છે અને લખીને તારા માટે ખૂબ લાગણી છે. આમ ઝાડની એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદાકૂદ કરવાનું બંધ કરી બંને જણાં આનંદથી પોતાનો સંસાર વસાવો.' ચંપૂ વાંદરો અને લખી વાંદરીએ લગ્ન કરી લીધાં. થોડા સમય સુધી પોતાના દીકરા ચિમ્પૂ વાંદરાને સાચવવામાં સમય વીત્યો, પણ હવે લખી વાંદરી ફરી પોતાના બચ્ચા સાથે તોફાન કરતાં-કરતાં વધુ ચંચળ બની ગઈ હતી.
ચંપૂ વાંદરો અને લખી વાંદરી ફાર્મ હાઉસના દાડમના વૃક્ષ પર જ્યારે દાડમ બેસે ત્યારે અચૂક ખાવા પહોંચી જતાં. દાડમ ખાઈને તેનાં છોતરાં છગનકાકા પર ફેંકતાં. છગનકાકા ચીડાઈને પોતાની લાલ રંગની સુંદર છત્રી લઈ બંને વાંદરાઓને ભગાડવા ઊભા થતા. છગનકાકાને ચીડાયેલા જોઈ લખી ખૂબ રાજી થતી.
એક દિવસ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયાં અને વીજળીના કડાકા-ભડાકા થવા લાગ્યા. થોડી જ વારમાં સરરર કરતો મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. જંગલનાં બધાં પ્રાણીઓ પોતપોતાનાં દર, બખોલ કે ગુફામાં ભરાઈ ગયાં. પણ ચંપૂ વાંદરો મોટા વડલાની ડાળ પર બેસીને છગનકાકાના ફાર્મ હાઉસ તરફ એકીટશે જોઈ રહ્યો હતો.
ત્યાં જ એણે રસ્તા પર એક રમુજી દ્રશ્ય જોયું. છગનકાકા પોતાની લાલ રંગની છત્રી ખોલીને વરસાદમાં મસ્ત બની, છત્રી એક હાથમાં પકડીને ચાલી રહ્યા હતા. વરસાદનાં ટીપાં છત્રી પર પડે એટલે ટપ-ટપ અવાજ આવે. છગનકાકા તો છત્રી ગોળ-ગોળ ફેરવતા જાય, મલકાતા જાય અને વરસાદની મજા માણતા જાય. આ બધું જોઈ ચંપૂ ખુશ-ખુશ થઈ ગયો. એણે લખીને કહ્યું, 'વાહ લખી, જો તો ખરા! આ છગનકાકા કેવા વટથી છત્રી લઈને ચાલે છે! વરસાદનું એક પણ ટીપું એમના શરીર પર નથી પડતું. મને પણ એમની જેમ છત્રી લઈને વરસાદમાં ફરવાનું મન થાય છે. જો મારી પાસે એક છત્રી હોય, તો હું પણ જંગલના રાજાની જેમ છત્રી ઓઢીને ફરી શકું!'
ચંપૂની વાત સાંભળી લખી ખડખડાટ હસી પડી, 'અરે ચંપૂ, માણસને બે પગ હોય છે એટલે એ બે પગે ચાલે અને હાથ વડે છત્રી પકડે. વાંદરો તો ચાર પગે ચાલે! જો આગળના બે હાથે છત્રી પકડે તો ચાલવું શી રીતે? અને ચાર પગે ચાલે તો છત્રી ક્યાંથી પકડવી?'
ચંપૂને લખીની વાત સાચી લાગી. તેણે બે પગ પર ઊભા રહેવાનો પ્રયત્ન કર્યાે, પણ ધબ દઈને નીચે પડયો. મોંમાં દાંડી પકડીને છત્રી રાખવાનો વિચાર કર્યાે, પણ એ મેળ ન પડયો. ચંપૂ ઉદાસ થઈ ગયો.
ત્યાં પાસેની ડાળ પર કાઉ-કાઉ કાગડો બેઠો હતો. કાગડો બહુ બુદ્ધિશાળી હતો. તેણે થોડીવાર વિચારીને કહ્યું, 'અરે ચંપૂભાઈ, આમાં ચિંતા શેની? માણસ પાસે હાથ છે તો એ હાથેથી છત્રી પકડે, પણ તમારી પાસે તો કુદરતની આપેલી લાંબી અને મજબૂત પૂંછડી છે!'
ચંપૂની આંખો ચમકી ઊઠી, 'પૂંછડી? પણ પૂંછડીથી છત્રી કેમ પકડાય?'
કાગડાએ સમજાવ્યું, 'તમે પૂંછડી વડે ઝાડની ડાળીઓ કેમ પકડો છો? બસ, એ જ રીતે છત્રીની દાંડી સાથે તમારી પૂંછડી વીંટાળી દો! પૂંછડી છત્રીને ઊંચે અધ્ધર પકડી રાખશે અને તમારા ચારેય પગ મુક્ત રહેશે. તમે નિરાંતે ચાર પગે ચાલી શકશો અને છત્રી તમારી પીઠ પર તંબુની જેમ છવાયેલી રહેશે.'
ચંપૂ તો ખુશ થઈ નાચી ઊઠયો, 'વાહ કાગડાભાઈ વાહ! તમે તો અદભુત ઉપાય બતાવ્યો!'
તેણે જોયું કે છગનકાકા ફાર્મ હાઉસમાં આવી, પેલી લાલ છત્રી સુકાવા મૂકી અંદરના ઓરડામાં ગયા હતા. તક જોઈ ચંપૂએ કૂદકો માર્યો અને છગનકાકાની છત્રી ઉપાડી લાવ્યો. લખી પણ ચંપૂની આ ચતુરાઈ જોઈ ખુશ થઈ ગઈ.
કાગડાની સલાહ મુજબ ચંપૂએ પોતાની લાંબી પૂંછડી છત્રીની દાંડી સાથે મજબૂતીથી વીંટાળી દીધી. છત્રી પીઠ પર સરસ રીતે ખૂલી ગઈ. ચંપૂ હવે ચારે પગે ચાલવા લાગ્યો અને ઉપર લાલ છત્રી છવાયેલી રહી.
ચંપૂ ખુશ થતો વરસાદમાં લટાર મારવા નીકળ્યો. પણ ત્યાં જ પવનનો જોરદાર સપાટો આવ્યો! સરરર કરતો વાયરો ફૂંકાયો અને પૂંછડીમાં પકડેલી છત્રી પવનના જોરે ઊંધી વળી ગઈ! વાંદરો ચાર પગે ચાલવા જાય ત્યાં છત્રી પવનમાં ખેંચાય, એટલે ચંપૂ પણ હવામાં ઊંચો થાય! જંગલનાં બીજાં પ્રાણીઓ-શિયાળ, હરણ, સસલાં આ બધું જોઈ ખડખડાટ હસવા લાગ્યાં. બધાંને ટોળે વળેલાં જોઈ ચંપૂ ગભરાયો. તેણે પૂંછડીમાંથી છત્રી છોડાવવા પ્રયત્ન કર્યાે, પણ ગાંઠ ફસાઈ ગઈ હતી. પવનના એક જોરદાર ઝોંકા સાથે છત્રી ઊડી અને સાથે ચંપૂ વાંદરો પણ હવામાં અધ્ધર થયો!
ગભરાયેલો ચંપૂ બૂમો પાડવા લાગ્યો, 'બચાવો! બચાવો! આ છત્રી મને ઉડાવીને લઈ જાય છે!'
કાગડાએ તરત જ પોતાની ચાંચ વડે છત્રીના કાપડમાં કાણું પાડી દીધું અને પૂંછડીમાંથી દાંડી સરકાવી લીધી. છત્રી પવનમાં ઊડી ગઈ અને ચંપૂ નીચે નરમ ઘાસ પર સુરક્ષિત પડયો. છગનકાકાની છત્રી ઊડીને દૂર ઝાડની ડાળીમાં ભરાઈ ગઈ હતી. પવન એટલો જોરદાર હતો કે કાપડ ફાટી જવાથી છત્રી ઊંધી વળી ગઈ અને બિલકુલ કાગડા જેવી દેખાવા લાગી! એ જોઈ કાઉ-કાઉ કાગડો બોલ્યો, 'જો ચંપૂભાઈ, તમારી લાલ છત્રી તો હવે કાગડો બની ગઈ!'
છગનકાકાની છત્રી ઊડી ગઈ, પણ હવે વરસાદનાં ઠંડાં-મીઠાં ટીપાં ચંપૂના શરીર પર પડયાં ત્યારે તેને સમજાયું કે માણસો છત્રી ઓઢીને વરસાદનો અસલ આનંદ ગુમાવી બેસે છે! વરસાદમાં તો ભીંજાવવાની જ ખરી મજા છે. પાણીનાં ટીપાં જ્યારે જમીન અને પાંદડાં પર પડતાં ત્યારે 'છપાક છમ છમ' અવાજ આવતો હતો.
ચંપૂનો ડર અને ઉદાસી ગાયબ થઈ ગયાં. એ ખુશીથી નાચવા લાગ્યો. લખી પણ ખાબોચિયામાં છપાક-છપાક કૂદવા લાગી. કાગડાભાઈ પણ ડાળ પરથી નીચે આવી પાંખો ફફડાવી નાચવા લાગ્યા. બધાં સાથે મળીને ગાવા લાગ્યાંથ
'છગનકાકાની છત્રી ગઈ,
વરસાદમાં એ કાગડો થઈ ગઈ!
ચંપૂ વાંદરો વરસાદે ન્હાય,
પલભરમાં ચિંતા શમી ગઈ!
ટપ-ટપ ટપકે પાણીનાં ટીપાં,
કાગડો બોલે કાઉં-કાઉં-કાઉં!
વરસાદમાં ન્હાવાની કેવી મજા,
છપાક છમ છમ, છપાક છમ!'
આ ગીતો સાંભળી જંગલનાં બીજાં પ્રાણીઓ પણ બહાર આવી ગયાં. નાનું સસલું ટપક-ટપક કરતું આવ્યું, મધુર કોયલ ટહુકા કરવા લાગી અને હરણનું બચ્ચું ફાળ ભરવા લાગ્યું. સૌએ છત્રીનો વિચાર છોડી વરસતા વરસાદમાં મન મૂકીને છબછબિયાં કર્યાં. આજે ચંપૂને સમજાઈ ગયું કે માણસોની આંધળી નકલ કરવામાં કોઈ અર્થ નથી. કુદરતે દરેક જીવને અલગ બનાવ્યો છેત માનવી માટે છત્રી ભલે જરૂરી હોય, પણ વનનાં પશુ-પંખીઓ માટે તો વરસાદનો સીધો સ્પર્શ જ સાચો આનંદ છે.
થોડીવાર પછી છગનકાકા ઓરડામાંથી બહાર આવ્યા. પોતાની પ્રિય લાલ છત્રી ઝાડ પર ઊંધી લટકેલી જોઈ લાકડી વડે નીચે ઉતારી. ઝાડ પર બેઠેલા ચંપૂને જોઈ તેઓ આખો મામલો પામી ગયા. ગુસ્સો તો આવ્યો, પણ છત્રી રિપેર કરાવવાનો વિચાર કરી તેઓ ઘરમાં ચાલ્યા ગયા.
આમ, છગનકાકાની લાલ છત્રી આખરે કાગડો બની ગઈ!




