છગનકાકાની છત્રી

- છગનકાકા કોઈ સંજોગોમાં પોતાની પ્રિય છત્રીથી છૂટા પડવા માગતા ન હતા
- 'અરે કાકા! એમાં ચિંતા કરવા જેવું કંઇ જ નથી. છત્રી જો બસમાં જ રહી ગઈ હશે તો કંડકટર ડેપો પર જમા કરાવી દેશે.'
- 'તમારી પ્રિય છત્રી ક્યાં ગઈ?'
- સારી વસ્તુ મેળવવા જતાં પ્યારી વસ્તુ ગુમાવવી પડે
- હરીશ નાયક
છગનકાકાને તેમની પોતાની છત્રી બેહદ પ્રિય હતી. જેટલો તેમનો કોટ વહાલો હતો, ટોપી વહાલી હતી, અરે ટોપી હેઠળની ચોટલી વહાલી હતી, એટલી જ તેમને છત્રી વહાલી હતી.
એ છત્રીએ કંઇ કેટલીયે વર્ષગાંઠો ઉજવી હશે, છત્રીની ઉંમર છત્રી પરના થીંગડાઓ ઉપરથી કળી શકાય તેમ ન હતી. ખરેખર છત્રી છગનકાકા જેટલી જ જૂની થઇ હતી. જ્યારે દોઢ રૂપિયાની છત્રી મળતી હતી, ત્યારે કાકાએ તે લીધી હતી. હવે તો છત્રીના ભાવ એવા આસમાને પહોંચી ગયા હતા કે લોકો પલળતાં જવું જ પડે કરવા લાગ્યા હતાં.
જ્યારે કાકા એ છત્રીને વિદાય કરવાનું વિચારતા ત્યારે એક વખત નવી છત્રીનો ભાવ પૂછી લેતાં. ભાવ સાંભળતાં જ તેમની ટોપલી હેઠળની ચોટલી નારદ મુનિની જેમ ઊભી થઇ જતી અને તેઓ સીધા જઈ છત્રી પર એક થીંગડું વધારે મરાવી દેતાં.
આ છત્રી ખાતર કાકાએ ઘણાં સંઘર્ષો વેઠયા હતા. કાકીને જ આ છત્રી ગમતી ન હતી. તેમણે દશ વખત પ્રતિજ્ઞા લીધી હતી - 'કાં આ છત્રી નહિં કાં હું નહિ.'
કાકા કાકીને જવા દેવા તૈયાર હતા, પણ છત્રીને નહિ.
એક વખત કાકાએ છત્રી ખાતર પ્રાણ જોખમમાં મૂક્યા હતા. એવું બન્યું કે અમદાવાદનો વરસાદ સુરત અને મુંબઇનો બની બેઠો. જોરદાર ઝાપટું આવ્યું અને સાથે જ સૂસવાટા મારતો પવન આવ્યો. કાકાના હાથમાંથી છત્રી સડસડાટ કરતી ઊડી ગઈ. પહેલાં છત્રીએ પતંગની જેમ સહેલ માણી, પછી સામેથી આવતાં એક સ્કૂટર સવારના મોઢા પર ઢંકાઈ ગઈ. 'મારી છત્રી-મારી છત્રી' કરાતં કાકા તો છત્રી પાછળ ધસમસતાં જ હતાં. આ બાજુ સ્કૂટરવાળાની આંખ પર છત્રીનો અંધાર પિછોડો ઢંકાઈ ગયો.
કાકા સ્કૂટર સાથે બરાબર ટકરાયા. તેમને વાગ્યું પણ ખરું. સ્કૂટરવાળાએ પણ છગનકાકાને બરાબર ખબકાવ્યા. છતાં કાકાને છત્રી બચી ગયાનો આનંદ હતો. એ આનંદ આગળ તેમને પોતાના માન અપમાનની પણ પરવા ન હતી. આવી જીગરજાનની સાથીદાર છત્રીને લઇને કાકા આજે નીકળ્યા ત્યારે વરસાદ તેમની સાથે રમત રમવા લાગ્યો. કાકા છત્રી ઉઘાડતાં ત્યારે વરસાદ બંધ પડી જતો અને કાકા જેવી છત્રી બંધ કરતાં કે વરસાદ ચાલુ થઇ જતો. એ ઉઘાડ બંધમાં તેમનું ભેજું પણ ઉઘાડ બંધ કરતું થઇ ગયું. તેઓ એક બસમાં બેઠા. ત્યાંથી તેમને બીજી બસ પકડવાની હતી. પછી ત્રીજી બસની સવારી માણી. કામ પતાવી રાતના સમયે તેઓ સીધા ઘેર આવ્યા. ઘરે તેઓ લાંબા રૂટની સીધી બસમાં આવ્યા.
ઘર જવા માટે એ બસમાંથી ઉતરી નેળિયામાં દાખલ થયાં કે તરત જ વરસાદ તૂટી પડયો. તેમણે છત્રી ઉઘાડવા હાથ ઉંચો કર્યો. પણ અરે! છત્રી જ ક્યાં હતી? બસ જઇ ચૂકી હતી. અને વરસાદે તડી ધૂમ શરૂ કરી. પલળ્યા સિવાય છૂટકો ક્યાં હતો?
કાકીએ તેમની આ દશા જોઈ પૂછ્યું - 'તમારી પ્રિય છત્રી ક્યાં ગઈ?'
'કોણ જાણે' કાકાએ કહ્યું - પણ તું એ ચિંતા પછી કર. પહેલાં ગરમ ગરમ ચા કર. નહિ તો આ… આ આક છીં!' કાકાને જોરદાર છીંક આવી.
આ રીતે પણ છત્રી ગઇ એટલે કાકીને રાહત થઈ. તેઓ બોલી ઉઠયા - 'જવા જેવી જ હતી.' પણ કાકાને ઉંઘ ન આવી.
સવારે બસ કંપનીના ભચેચે વાત જાણી તો તેઓ કહે - 'અરે કાકા! એમાં ચિંતા કરવા જેવું કંઇ જ નથી. છત્રી જો બસમાં જ રહી ગઈ હશે તો કંડકટર ડેપો પર જમા કરાવી દેશે. એવી બધી વસ્તુ ડેપો પર ભેગી થાય છે. જઇને તપાસ કરજો એટલે તમારી પ્યારી વસ્તુ તમને મળી જશે.'
ભચેચે તો ઇશારતથી બીજી વાત પણ કહી - 'કાકા! શું કહું તમને, ક્યારેક લોકો ખોવાયેલી વસ્તુઓ પાછી લેવા જ નથી આવતાં. નવી ને નવી છત્રીઓ પણ એમની એમ પડી રહે છે. તમને જૂની ન ગમે તો એકાદ નવી મેળવી લેજો. જરા નિશાનીઓ
બરાબર રાખજો.'
કાકાને આ વાત ગમી કે નહિ તેની ખબર નથી, પણ કાકાએ તો તેમની સામે જોયું જ.
કાકા ડીપો પર પહોંચ્યા. 'મારી છત્રી રહી ગઈ હશે?' કાકાએ પૂછ્યું. ત્યાં ઘણી છત્રી હતી. કારકુને પૂછ્યું - 'નિશાની આપો!'
છત્રીઓ જોઈ શકાય તેવી હતી. કાકાનું કાળજું ઘડીભર ધડક્યું, પોતાની છત્રીની તમામ નિશાનીઓ તેમને ખબર હતી! 'ત્રણ જગ્યાએથી બદલાયેલો ડાંડો, ૩૭ થીંગડા જુદી જુદી જાતનાં સળિયા. અંદરની બાજુ ટાફેટામાંથી ભૂંસાઈ ગયેલો ફે, અને તેમને પોતાનું કાકીએ રંગબેરંગી દોરાથી ગૂંથેલું નામ.'
પણ સામે એક નવી નકોર છત્રી તેમને લલચાવતી હતી. એ છત્રીને જોતાં જ એનું વર્ણન થઇ શકે તેમ હતું. કાકાએ કહી દીધું - 'પ્લાસ્ટીકનો હોકી જેવો હાથો, તદ્દન નવી, દોરી નીચે ગઇ બળેવનું ફુમતું, ઉપર નામ…'
'આજ ને?' કારકુને તો કહી પણ દીધું.
ધડકતાં હૈયે કાકા બોલી ઊઠયા 'હા' જો કે તેમના મોઢામાંથી અડધી જ 'હા' નીકળી હતી. રજીસ્ટરમાં નામ ઠામ વગેરે લખતાં તો કાકાને વરસાદના દિવસોમાંય પરસેવો છૂટયો. સહી કરવા જતા હતા ત્યારે તેમની નજર તેમની પોતાની છત્રી ઉપર પડી. જાત જાતની છત્રીઓમાં તે ફેંકાયેલી હાલતમાં ખોસાયેલી હતી. કાકાને ઠપકો આપતી હતી.
કાકા ઝડપથી નવી છત્રી લઇ ચાલ્યા. કાકી તો એ છત્રી જોઈ બહુ જ રાજી થયા. જૂની છત્રી ગયેલી. જાણી બોલી ઊઠયાં - 'ચાલો પનોતી ગઈ!'
બીજે દિવસે કાકા દફતરે ગયા, તેમને દાખલ થતાં જોઈ જાડા સુલોચનાબેન તેમને જોઈ રહ્યાં. કાકા નવાઈ પામ્યા. તેમને થયું કે આ બહેન આજે આમ કેમ જુએ છે. સુલોચનાબેન તેમની સાથે જ કામ કરતા હતા, તેમણે કહ્યું - 'કાકા જરા છત્રી જોવા દેશો કે?'
કાકાએ છત્રી આપી. કહો કે આપવી પડી. ફેરવી ફેરવી જોયા બાદ સુલોચનાબહેન બોલી ઉઠયાં - 'અરે! આ તો મારા ભાઈની છે. જુઓ આ હોકી આકારનો હાથો, આ મેં બળેવને દિવસે એને બાંધેલી રક્ષા. અને આ રહ્યું મારા ભાઈનું નામ સી…કે…'
સુલોચના બહેને તો ગમ્મતની વાત કરી. તેઓ કહે - 'મારા ભાઈને હાથે રાખડી બાંધવાનું ગમતું નથી. તે કહે બહેન! છત્રીને જ બાંધ એટલે છત્રીનું રક્ષણ થશે. છત્રી પણ નજર લાગે તેવી જ છે. મેં એમ જ કર્યું અને જુઓ એનું રક્ષણ થયું કે નહિ? થેન્ક યુ કાકા!'
કાકા રાજી થયા?
અરે વાત ન પૂછો. તેઓ હવે નિયમિત રૂપે ડેપોના દર્શને જાય છે. પોતાની છત્રીને નિહાળે છે.
નિ-ાસા નાંખે છે. તેમની છત્રી તેઓ મેળવી શકે તેમ નથી કેમ કે એક વખત તો છત્રી મેળવી ગયા છે. સહી સિક્કા કરી ગયા છે.
તેમની દશા પણ હવે તેમની છત્રી જેવી જ ઢીલી ઢીલી અને થીંગડાવાળી છે. તેમની છત્રી તેમને ઠપકો આપીને કહે છે - 'કાકા, સારી વસ્તુ મેળવવા જતાં પ્યારી વસ્તુ ગુમાવવી પડે છે સમજ્યાં?'









