ત્રિપુરાનો ભવ્ય રાજમહેલ ઉજ્જયન્તા પેલેસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ત્રિપુરાની રાજધાની અગરતલામાં આવેલો ઉજ્જયન્તા પેલેસ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે. ત્રિપુરાના મહારાજા રાધા કિશોરે ૮૦૦ એકર વિસ્તારમાં બંધાવેલો આ ભવ્ય રાજમહેલ છે. મહેલના સંકુલમાં લક્ષ્મીનારાયણ, કાલી, ઉમા મહેશ્વરી અને જગન્નાથના ભવ્ય મંદિરો છે. ૧૯૭૨-૭૩ દરમિયાન રાજમહેલનો ઉપયોગ વિધાનસભા માટે થતો હતો. અહી એક મ્યુઝિયમ છે. જેમાં સ્થાનિક કલા કારીગરી, હસ્ત ઉદ્યોગની વસ્તુઓ તેમજ પ્રાચીન નમૂના પ્રદર્શિત કરાયા છે. મૂળ રાજમહેલ ઇ.સ. ૧૮૬૨માં બંધાયેલો પરંતુ ૧૮૯૭નાં ભૂંકપમાં નાશ પામ્યો હતો.
મુખ્ય રાજમહેલમાં જાહેર સભાગૃહ રાજાનો દરબાર હોલ, લાયબ્રેરી અને સ્વાગત કક્ષ છે. રાજમહેલ બે માળનો છે. મહેલને ત્રણ શિખર છે. સૌથી ઊંચુ શિખર ૨૬ મીટર ઊંચુ છે. મુખ્ય દરવાજા સામે સંગીત સાથેનો મ્યુઝિકલ ફુવારો છે. મહેલની ફરતે મુઘલ ગાર્ડન જેવો બગીચો છે. મહેલની બાજુમાં કૃત્રિમ તળાવ બંધાવેલું છે. જેમાં સુશોભિત પૂલો અને ફુવારા છે. ભરપૂર કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા આ મહેલમાં રાત્રે રોશની કરવામાં આવે છે. ત્રિપુરા જતા પ્રવાસીઓ આ મહેલની મુલાકાત લે છે.
દક્ષિણ એશિયાની ડૂબકીમાર જળબિલાડી
આપણા ઘરમાં રહેતી બિલાડીને પાણીમાં ભિંજાવું ગમે નહીં. તરવાની તો વાત જ ક્યાં રહી. પરંતુ બિલાડી પણ જાતજાતની હોય છે. ઘણી બિલાડીઓ પાણીમાં તરી પણ શકે અને કેટલીક તો તળાવ કે નદીના પાણીમાં ડૂબકી મારી માછલીનો શિકાર પણ કરે.
ભારત તેમજ દક્ષિણ એશિયાના પાકિસ્તાન, મ્યાંમાર, શ્રીલંકા તેમજ ઇન્ડોનેશિયામાં જળબિલાડી જોવા મળે છે. ૨૦થી ૪૦ ઇંચ સુધી લાંબી અને લગભગ ૨૪ ઈંચ ઊંચી આ બિલાડી ભૂખરી રૃંવાટી પર કાળા ટપકાવાળું શરીર ધરાવે છે. તેના પગના આંગળા પાતળા પડદાથી જોડાયેલા હોવાથી તે પાણીમાં તરી શકે છે અને કાદવ કીચડમાં ચાલી શકે છે. હિમાલયની તળેટીના જંગલોમાં તે વધુ જોવા મળે છે.
જળબિલાડીનો મુખ્ય ખોરાક માછલી છે તે પાણીમાં ઊંડે સુધી ડૂબકી મારી મોં વડે માછલા પકડી લે છે. જળબિલાડી તળાવ કે નદીના કિનારે જમીનમાં બખોલ બનાવીને રહે છે. જળબિલાડી સ્વભાવે આક્રમક છે.
જમ્મુ અને કાશ્મીરનું પાનગોંગ ત્સો લેક
ભારતની કાશ્મીર સરહદે એક એવું અજાયબ તળાવ આવેલું છે. પાનગોંગનો અર્થ વિશાળ લંબગોળ તળાવ એવો થાય છે. લગભગ ૭૦૦ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ ભારત ઉપરાંત તિબેટ અને ચીનનાં વિસ્તારોને પણ આવરી લે છે. ૫ કિલોમીટર પહોંળુ અને ૧૩૪ કિલોમીટર લાંબું આ તળાવ શિયાળામાં જામીને બરફની વિશાળ પાટ બની જાય છે. ભારત અને ચીન સરહદની લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ આ તળાવની વચ્ચેથી પસાર થાય છે.
હિમાલયની પર્વતમાળામાં ૧૪૨૭૦ ફૂટની ઊંચાઈએ આવેલા આ તળાવની આસપાસ વનસ્પતિ બહુ ઓછી છે. તળાવમાં માછલી કે અન્ય જળચરોની વસતી નથી. ઉનાળામાં આ તળાવમાં યાયાવરી પક્ષીઓ જોવા મળે છે. લદાખના લેહથી આ તળાવ પર જઈ શકાય છે.
લોકપ્રિય ફ્લેવર પાઈનેપલ
આઇસ્ક્રીમ, જ્યૂસ, ચોકલેટ વિગેરેમાં પાઈનેપલ ફલેવર લોકપ્રિય છે. પાઈનેપલનું ફળ પણ વિશિષ્ટ આકાર અને દેખાવનું છે. તેને આપણે અનાનસ તરીકે પણ ઓળખીએ છીએ.
અનાનસ બ્રાઝિલ અને પારાગ્વેની વનસ્પતિ છે પરંતુ હવે વિશ્વભરમાં તેની ખેતી થાય છે. અનાનસનો છોડ બેથી ચાર ફૂટ ઊંચો હોય છે. ચક્રાકાર ઊગેલા લાંબા પાનની વચ્ચે અનાનસનું ફળ બેસે છે. અનાનસના પાન લીલા હોય છે પણ પાકે ત્યારે પીળા થઈ જાય છે. અનાનસનું ફળ લીલું હોય છે તે પાકે ત્યારે પણ લીલું જ રહે છે. અનાનસનું ફળ અર્ધો ફૂટ લંબાઈના લંબગોળ આકારનું હોય છે. તેની છાલ ચોરસ ખાનાની ચોક્કસ પેટર્નની બનેલી હોય છે. છાલ ઉતારવાથી પીળા રંગનો ગર્ભ દેખાય છે. તેમાં ચક્રાકાર ગોઠવાયેલા બીજની આસપાસ પીળો માવો હોય છે. અનાનસ સ્વાદમાં ખાટું લાગે છે. તેની ઘણી જાત છે. હિલો, કોના સુગરલોલ, નાતાલ કિવન, રેડ સ્પેનિશ, વગેરે જાણીતી જાત પણ વિકસાવાઈ છે.
જાણીને નવાઈ લાગે પણ મોટા કદના ખરબચડી છાલવાળા અનાનસને સમારવા માટે ખાસ પ્રકારનું પાઈનેપલ કટર પણ વિકસ્યું છે. ઓસ્ટ્રેલિયાના કિવન્સલેન્ડ ખાતે ૧૬ મીટર ઊંચુ પાઈનેપલનું શિલ્પ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 'બિગ પાઈનેપલ' તરીકે ઓળખાતા આ શિલ્પ સ્થાને દર વર્ષે ફેસ્ટીવલ પણ યોજાય છે.









