Zagmag

સૂંઢળા ફાંદળા રૂપાળા... ગણેશજી !

By GS Team
12 Sep 20264 mins read
સૂંઢળા ફાંદળા રૂપાળા... ગણેશજી !
  • કિરીટ ગોસ્વામી

ગણેશ ચતુર્થી નજીક આવી રહી હતી. મહોલ્લામાં બધાએ આ વખતે અનોખી રીતે ગણેશ મહોત્સવ ઊજવવાનું નક્કી કર્યું. એ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.
ચોકમાં બધા છોકરાઓ ગણેશપૂજન માટે એક સરસ ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ જોઈને નાનકડા ગટુને પણ ડાન્સમાં ભાગ લેવાનું મન થયું. એ તો તરત બધા છોકરાઓ જ્યાં પ્રેક્ટિસ કરતા હતા ત્યાં દોડી ગયો અને હરખભેર કહેવા લાગ્યો, 'મારે પણ આ ડાન્સમાં ભાગ લેવો છે. મારે પણ ગણેશજીની સામે ડાન્સ કરવો છે!'
આ સાંભળીને બધા છોકરાઓ હસી પડયા. ગટુ તો નવાઈભેર બધાની સામે જોવા લાગ્યો. તેણે પૂછયું, 'કેમ બધાય આમ હસો છો?'એ સાંભળીને ફરી બધા હા.. હા.. કરતા હસ્યા! ગટુને ન સમજાયું કે આ બધા કેમ હસે છે?
ટોળીમાંથી જેકીએ આગળ આવીને કહ્યું, 'ગટુ, તું અને ડાન્સ? તારી ફાંદ તો જો! મટકી છે, મટકી! ડાન્સ કરવા આવીશ તો આ મટકી ફૂટી જશે!' બીજા એક છોકરાએ કહ્યું, 'હા! તું હજી તો બચ્ચું કહેવાય! ડાન્સ કરવો એ તારું કામ નહીં! ને આ કોઈ જેવો-તેવો ડાન્સ નથી! ગણપતિ મહોત્સવના પૂજન વખતનો ડાન્સ છે! એમાં તારા જેવાંનું કામ નહીં! જા, દૂર ભાગ, ફાંદાળા!'
હા.. હા.. હા.. કરતા બધાય છોકરાઓ મોટેથી હસી પડયા અને પછી બોલવા લાગ્યા-
'ફાંદાળા રે ફાંદાળા! ગટુ ગરબડ-ગોટાળા!'
આ સાંભળીને ગટુને ખૂબ લાગી આવ્યું. આંખોમાં આંસુ સાથે એ તો ત્યાંથી દોડતો સીધો જ ઘરમાં આવી ગયો અને રૂમમાં પુરાઈને બેસી ગયો. સાંજ સુધી તે હીબકાં ભરતો રહ્યો. સાંજે દાદીમાએ તેને પૂજા માટે બોલાવ્યો એટલે આંસુ લૂછીને તે દાદીમા પાસે ગયો અને એમની સાથે પૂજામાં બેઠો. સામે પૂજાઘરમાં ગણેશજીની મૂત હતી. મનમાં હજીય પેલા છોકરાઓએ તેની મજાક કરી હતી એ જ વાત ઘૂમરાતી હતી! આંખો બંધ થતી હતી અને ખૂલી જતી હતી. ફરી આંસુ આવતાં તે માંડ રોકી શક્યો.
ગટુ મનોમન વિચારવા લાગ્યો, 'આ ગણેશજીને ફોન લગાવીને આ વાત કહી દઈએ તો? પણ એ તો બહુ બિઝી હોય! ફોન ક્યાંથી ઉપાડે? તો… તો મેસેજ કરી દઉં તો! હા, મેસેજ તો જરૂર વાંચતા જ હશે!'
રાત્રે સૂતાં પહેલાં ગટુએ ફોન હાથમાં લીધો અને નોટપેડમાં મેસેજ ટાઈપ કરવા લાગ્યો- 'વ્હાલા ગણેશજી! તમે આવો છો એની ખુશી ખૂબ છે! ને બધાની સાથે મારે પણ તમારા પૂજન વખતે ડાન્સ કરવો છે! મને સરસ ડાન્સ આવડે છે! પણ તમે જોયું ને? આજે બધા છોકરાઓએ મારી કેવી મજાક કરી! શું મારી ફાંદ મોટી છે એટલે આમ કરાય?'
થાકેલા ગટુને ઊંઘ આવી ગઈ.
બે દિવસ નીકળી ગયા. ગણેશ ચતુર્થીનો દિવસ આવી ગયો. ચોકમાં ગણેશજીની મૂત પણ બેસાડાઈ ગઈ, ને પ્રથમ પૂજનની ઘડી પણ આવી ગઈ! બધા લોકો પેલા છોકરાઓનો ડાન્સ જોવા આતુર હતા. … પણ સમય થયો તોય એકેય છોકરો હાજર ન થયો!
કોઈએ પૂછયું, 'પેલા ડાન્સર છોકરાઓ કેમ દેખાતા નથી? શું ડાન્સ કેન્સલ થયો છે?'
ત્યાં તો મંજુમાસીએ કહ્યું, 'વાત એમ છે કે, ડાન્સ માટે બધા છોકરાઓ કાનજીભાઈની રૂમ પર આજે સવારે તૈયાર થવા ગયા, ત્યાં તો એમના બધાયના ડ્રેસ ઉંદરોએ કાપી નાખ્યા હતા!'
'ઓહો! ભારે કરી! તો બીજાં કપડાં ન મળે?' રૂપાબેને પૂછયું. ના, બજારમાં તપાસ કરી પણ તહેવારને લીધે ક્યાંયથી આવાં કપડાં મળતાં નથી!' મંજુમાસીએ કપાળે હાથ દેતાં કહ્યું.
ભગાભાઈ કહે, 'તો એ સિવાયનાં બીજાં કોઈ સાદાં કપડાં ન ચાલે?'
એક છોકરો કહે, 'મોંઘા ભાવના ડ્રેસ બુક કરાવ્યા ને રાતે જ અહીં લાવ્યા, પણ આ ઉંદરોએ…'
'તો હવે? મુહૂર્ત જાય છે! પૂજન તો ચાલુ કરો!' બધાએ એક અવાજે કહ્યું.
મંજુમાસી બોલ્યાં, 'હા, હા, ડાન્સને મૂકો તડકે!'
'હા.. હા.. એમ જ કરો! ડાન્સ કેન્સલ! બીજું શું!' બધાં એટલું બોલ્યાં ત્યાં દાદીમા વચ્ચે આવતાં કહેવા લાગ્યાં, 'અરે ભાઈ! પૂજન પણ થશે અને ડાન્સ પણ થશે!'
'એ કેવી રીતે? કોણ ડાન્સ કરશે?' બધાએ એક અવાજે પૂછયું. દાદીમા બોલ્યાં, 'આપણો ગટુ! ગટુ કરશે ડાન્સ!'
'ખરેખર?' મંજુમાસીએ પૂછયું.
'હા, હું હમણાં જ ગટુને તૈયાર કરીને આવી! એ આવતો જ હશે! પૂજનની શરૂઆત કરો!' દાદીમાએ કહ્યું.
'એ આ આવ્યો ગટુ!' ટીંકુએ કહ્યું.
જરીવાળાં સુંદર કપડાંમાં શોભતો ગટુ ચોક વચ્ચે આવીને ઊભો રહી ગયો. મંત્રોચ્ચાર શરૂ થયા. ઢોલ પર દાંડી પડી અને ગટુ મન મૂકીને હરખભેર ડાન્સ કરવા લાગ્યો!
સામે બિરાજમાન ગણેશજી સાથે જેવી ગટુ આંખો મેળવતો, કે તરત ગણેશજી જાણે તેને કહી રહ્યા હતા- 'તારો મેસેજ મને મળી ગયો હતો હોં! ને એનો જવાબ પણ તને મળી ગયો ને!'
બધાંય ગાઈ રહ્યાં હતાં-
'સૂંઢાળા રે સૂંઢાળા, ગણેશજી સૂંઢાળા!
ફાંદાળા રે ફાંદાળા, લાગે કેવા રૂપાળા!'
ગટુનો હરખ સમાતો નહોતો! સાચે જ, તે આજે ડાન્સ કરતો ખૂબ સુંદર અને રૂપાળો લાગતો હતો!