Zagmag

ખિસકોલીનું ઘર

By GS Team
14 Aug 20263 mins read
ખિસકોલીનું ઘર
  • 'આ પેલી પાજી ખિસકોલીનું જ પરાક્રમ છે. આ પિન્ટુડાએ તેને બહુ ટેવ પાડી છે, આ એનું પરિણામ છે! કાલે હું એ ખિસકોલી અને તેના બચ્ચાને પકડીને દૂર ખેતરના શેઢે મૂકી આવીશ, પછી આવું કદી બનશે નહીં.'
  • ભૂપેન્દ્ર ત્રિવેદી 'સ્વયંભૂ'

પાંચ વર્ષનો પિન્ટુ નટખટ અને રમતિયાળ હતો. પગ વાળીને બેસે નહીં, આખા ઘરમાં ધમાચકડી મચાવે! તેથી તેને નર્સરીમાં મૂકેલો. આથી તેની ગેરહાજરીમાં તેની મમ્મી ત્રણ કલાક શાંતિથી ઘરનાં કામ પૂરાં કરી શકતી. પિન્ટુ નર્સરીમાંથી ઘરે આવ્યા બાદ ત્યાં તેના શિક્ષકે શીખવેલાં જોડકણાં અને બાળગીતો ગણગણતો-
'મારે આંગણે ચકીબાઈ આવી, ચીં…ચીં…ચીં… કરે,
ભોળું કબૂતર ઘૂ…ઘૂ…ઘૂ… કરે,
આંબાની ડાળેથી કોયલ
કુહૂ…કુહૂ…કુહૂ… કરે..
બિલાડીનું મ્યાંઉ..મ્યાઉં સાંભળી,
ખિસકોલી તો ઝટપટ ઝાડ ઉપર ચઢી જાય.'
પિન્ટુ સવારમાં પક્ષીઓને ચણ નાખતો અને માટીના કુંડામાં ચોખ્ખું પાણી ભરતો. પક્ષીઓના કલરવ વચ્ચે આંગણે આવી દોડાદોડી કરતી ખિસકોલી સાથે તેને અનોખી દોસ્તી થઈ ગઈ હતી. તે હથેળીમાં કૂણા મકાઈના દાણા, ફણગાવેલા મગ કે બાજરીના દાણા રાખીને ખિસકોલીને બોલાવતો, ત્યારે ખિસકોલી અને તેનું બચ્ચું દોડી આવીને ગભરાયા વગર ટપ ટપ મોંમાં દાણા મૂકવા લાગતાં. આ જોઈને પિન્ટુ ખૂબ હરખાતો અને તેના રૂ જેવા નરમ શરીર ઉપર ધીમે-ધીમે હાથ ફેરવતો.
ઉનાળાની મોસમ પૂરી થઈ હતી તો પણ હજુ ગરમી પૂરેપૂરી ગઈ ન હતી. તેથી રવિવારે બપોરે પિન્ટુના પપ્પાએ એ.સી. શરૂ કર્યું. ઘણીવાર થઈ છતાં રૂમમાં ઠંડક ઓછી વર્તાઈ, કૂલિંગ ધીમું હતું. આથી પંખો શરૂ કરવો પડયો અને સાંજે સવસ સેન્ટરમાં ઓનલાઈન કમ્પ્લેઈન લખાવી.
બીજે દિવસે મિકેનિક આવ્યો. રૂમમાં સ્વિચ બોર્ડ સહિત એ.સી. મશીનના દરેક પાર્ટ્સ ચકાસ્યા, પણ કોઈ ફોલ્ટ ન જણાયો. અંતે રૂમ બહારની દીવાલે લગાવેલું ફેન બોક્સ ખોલી, ચકાસીને તેણે ફોલ્ટ શોધ્યો અને રિપેરિંગ કરી એ.સી. મશીન શરૂ કર્યું.
પિન્ટુની મમ્મીએ ફોલ્ટનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે, 'ઉંદર કે કોઈ પક્ષી દ્વારા તૂટેલી જાળીમાંથી અંદર પ્રવેશીને વાયર કાપી નાખવામાં આવ્યો હતો, તેથી એ.સી. બરાબર કૂલિંગ આપતું ન હતું. નવી જાળી નાખી છે, તેથી હવે કોઈ વાંધો નથી.' તેણે બોક્સમાંથી રૂ અને કપડાના ગાભાની ઝીણી કતરણ વગેરે કાઢી નીચે ફેંક્યાં હતાં તે બતાવ્યાં.
સાંજે પિન્ટુના પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે બધી વાત જાણીને તેમણે ગુસ્સામાં આવીને કહ્યું, 'આ પેલી પાજી ખિસકોલીનું જ પરાક્રમ છે. આ પિન્ટુડાએ તેને બહુ ટેવ પાડી છે, આ એનું પરિણામ છે! કાલે હું એ ખિસકોલી અને તેના બચ્ચાને પકડીને દૂર ખેતરના શેઢે મૂકી આવીશ, પછી આવું કદી બનશે નહીં.'
'ના પપ્પા! એવું ન કરશો. એ બિચારી ખેતરમાં એકલી મૂંઝાઈને મરી જશે, મને તેની સાથે રમવું બહુ ગમે છે.' પિન્ટુએ કાલાવાલા કરતાં કહ્યું.
'એમાં ખિસકોલીનો વાંક નથી. પાજી તો પેલી બિલાડી છે! ઘણીવાર તે ઝાડ ઉપર ચઢીને ખિસકોલીના માળામાંથી તેનાં બચ્ચાં ખાઈ જતી હતી. વળી, વરસાદ અને તોફાનને કારણે માળો ભીંજાઈને તૂટી જતો હતો, તેથી ખિસકોલીએ સલામત આશરો શોધવા આ બોક્સને પોતાનું ઘર બનાવ્યું હશે. હવે નવી જાળી નાખી છે, તેથી તે અંદર જઈ શકશે નહીં. તમે તેના આશરા માટે બિલાડી ન પહોંચી શકે તેમ ઊંચે કોઈ બોક્સ લગાવી દેજો, જેથી તેને ત્યાં તેના માળા જેવી જગ્યા મળી રહેશે.' મમતામયી પિન્ટુની મમ્મીએ નવો ઉપાય બતાવ્યો.
'હા, તારી વાત સાચી છે. આપણે અગાઉ ઉંદરોના ત્રાસથી બચવા પાંજરું લાવેલા, તે માળિયેથી ઉતારી, તેના બાકોરામાં ફિટ કરેલું સ્પ્રિંગવાળું પતરું કાઢી, તે પાંજરાને ફેન બોક્સની બાજુમાં ગટરની પાઈપ પાસે લગાવી દઈશું. તેથી ખિસકોલી પાઈપ મારફત ઉપર ચઢી, પાંજરાની અંદર માળો કરી સલામત રહેશે. બિલાડી પણ ત્યાં પહોંચી શકશે નહીં.'
તેઓએ માળિયેથી પાંજરું ઉતારી, સ્પ્રિંગવાળું પતરું કાઢી, તેની ત્રણ બાજુ સફેદ કાગળ ચોંટાડયો. ત્યારબાદ એક કારીગરને બોલાવી, ખિસકોલી માટે બનાવેલું નવું ઘર બહારની દીવાલે ઊંચે ફેન બોક્સ પાસે લગાવ્યું. આઠેક દિવસ ફેન બોક્સ ફરતે આંટા મારી, અંદર જવાનો રસ્તો ન મળતાં, અંતે ખિસકોલીએ પાઈપની પાસેના નવા ઘરમાં આશરો લીધો. ખિસકોલીને નવું ઘર મળ્યું અને એ.સી. મશીન પણ ઠંડક આપતું રહ્યું. આ જાણીને પિન્ટુ અને તેની મમ્મી બહુ ખુશ થયાં. પિન્ટુ અને ખિસકોલીની દોસ્તી અકબંધ રહી.