Zagmag

શાલ વેચો ઊંઘ ખરીદો

By GS Team
3 Jul 20262 mins read
શાલ વેચો ઊંઘ ખરીદો

કબીરા સોયા ખાટ પે, સુખ કી નીંદર લેત
એણે શાલના બદલામાં તમને આપ્યું શું?
હરીશ નાયક

સંત કબીર વણાટકામ કરતા હતા.
ઘરની શાળ પર બેસીને સરસ મજાનું વણાટકામ કરતા રહે.
એકવાર એમણે એક સુંદર શાલ તૈયાર કરી.
એમાં ખૂબ મહેનત પડી. ઘણા દિવસો લાગ્યા.
કામ કરતી વખતે કબીર હંમેશા ભજન ગાતા. કપડાની કોઈ કિંમત પૂછતું તો તેઓ મજાકમાં કહેતા, 'આ કાપડની કિંમત પંદર ભજન છે… આ કાપડની કિંમત પચીસ ભજન છે.'
પણ શાલની કિંમત તો તેમને રોકડા એકસો ને પંદર ભજન જેટલી પડી હતી.
તેમને હતું કે એ શાલ તરત વેચાઈ જશે. એની કિંમત પણ સારી ઊપજશે.
બીજે દિવસે સવારના કબીર બજારમાં બેઠા. સૂરજ ચઢ્યો, બપોર થઈ. બપોર વધારે તપી. સાંજ થઈ. સૂરજ ઢળવા લાગ્યો. તો પણ કોઈ ઘરાક
આવ્યો નહિ.
અંતમાં સાંજના તેઓ જવા લાગ્યા.
ત્યારે બે ઘરાક એકસાથે આવ્યા. એક હતો અમીર માણસ. તે શાલના એકસો પંદર રૂપિયા આપવા તૈયાર હતો.
બીજો હતો ગરીબ ભિખારી. તે કહેતો હતો - 'ટાઢે મરું છું ભાઈ ! કંઈ પહેરવા - ઓઢવાનું હોય તો આપજો!'
કબીરે એ શાલ એ ભિખારીને જ આપી દીધી.
પેલો અમીર કહે - 'અરે ! હું રોકડી કિંમત ચૂકવું છું તે ખોટો અને શાલ તમે ભિખારીને ફોગટમાં આપી દીધી?'
હસીને કબીર કહે - 'ભાઈ ! ઘરાક ઘરાકમાં ફેર છે. તમે ખરીદો છો તે શોખને ખાતર ખરીદો છો અને એ બિચારો જરૂરિયાત માટે ખરીદે છે. તમને તો આજે હું નહિ આપીશ તો કાલે બીજેથી પણ શાલ મળી રહેશે. અરે, હું બે ચાર દિવસમાં બીજી શાલ તૈયાર કરી આપીશ. પણ આ બિચારાને તે વળી કોણ શાલ આપશે?'
પેલા અમીરે પૂછ્યું - 'પણ એણે શાલના બદલામાં તમને આપ્યું શું?'
કબીર કહે - 'ઊંઘ, નિરાંતની ઊંઘ. જો મેં તમે શાલ આપી હોત તો હું આખી રાત રૂપિયા ગણતો રહેત, પણ ઊંઘત નહિ. એ જ વિચાર આવ્યા કરત કે પેલો ભિખારી ટાઢે કેવો થથરી રહ્યો હશે ? પણ આજે હું મારા ખાટ ઉપર પડતાંની સાથે જ ઊંઘી જઈશ. કેમ કે એની ચિંતા મને નહિ થાય. એ પણ નિરાંતે ઊંઘતો હશે અને હું પણ નિરાંતે ઊંઘતો હોઈશ અને આપ તો ઊંઘતા જ હશો !'
પેલા અમીરે કબીરને એવી જ બીજી શાલનો ઓર્ડર આપી દીધો અને પછી તો એ સત-શાલમાં તે પણ નિરાંતે ઊંઘવા લાગ્યો.