Zagmag

ત્રિરંગાનું માન

By GS Team
14 Aug 20263 mins read
ત્રિરંગાનું માન
  • 'કોઈ વિદ્યાર્થીનો ઝંડો હરીફાઈ દરમિયાન નીચે પડી ગયો હતો અને ધૂળમાં ગંદો થઈ રહ્યો હતો.
    એના પર મારી નજર પડતાં મેં સાયકલ પરથી નીચે ઊતરીને તેને સાફ કરી મારા ગજવામાં મૂકી દીધો. હમણાં જ પ્રિન્સિપાલ સાહેબે કહ્યું હતું કે આ ત્રિરંગો તો ભારતની શાન છે, એની ઈજ્જત ક્યારેય માટીમાં ન મળવી જોઈએ.'
  • રોહિત ખીમચંદ કાપડિયા

બિટુ અને કીટુ બંને જોડિયાં ભાઈ-બહેન. બંને મમ્મી-પપ્પાને ખૂબ વહાલાં. બંને સાથે રમે, સાથે જમે, સાથે ભણે અને સાથે તોફાન પણ કરે. કોઈ વાર એકબીજાની કિટ્ટા પાડે પણ બીજી જ મિનિટે બુચ્ચા કરી લે!
પંદરમી ઓગસ્ટે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ હતો અને પછી વિવિધ હરીફાઈઓનું આયોજન હતું. કીટુ અને બિટુ બંને ખૂબ જ ખુશ હતાં. શાળાના યુનિફોર્મમાં સુંદર રીતે તૈયાર થઈને બંને સમયસર શાળાએ પહોંચી ગયાં. શાળાના દરવાજેથી જ સહુને ભારતની શાન ગણાતા તિરંગાને યુનિફોર્મ ઉપર પિનથી ભેરવી દઈ આગળ જવા દેવામાં આવતાં હતાં. સહુ કોઈ 'જય હિંદ'નો નારો લગાવી આગળ વધતાં હતાં. સહુએ શાળાના વિશાળ મેદાનમાં ધ્વજવંદન કર્યું અને રાષ્ટ્રગીત ગાઈને ત્રિરંગાને સલામી આપી. પ્રિન્સિપાલ સાહેબે નાનકડું પ્રવચન આપ્યું અને પછી વિવિધ હરીફાઈઓ શરૂ થઈ.
કીટુ અને બિટુએ અલગ અલગ હરીફાઈમાં ભાગ લીધો હતો. દોડવાની હરીફાઈમાં કીટુ પહેલા નંબરે આવી હતી. સાયકલિંગની હરીફાઈ શરૂ થઈ અને બધા જ સ્પર્ધકો ઉત્સાહપૂર્વક પેડલ મારતાં સાયકલ દોડાવવા લાગ્યા. બિટુ પ્રથમ બે રાઉન્ડમાં સહુથી આગળ હતો. ત્રીજો રાઉન્ડ શરૂ થયો. કીટુ જોર જોરથી તાળી પાડી બિટુનો ઉત્સાહ વધારી રહી હતી. બિટુ જ હરીફાઈમાં પહેલો આવશે એ નક્કી હતું. નિશ્ચિત લક્ષ્યાંકથી બિટુ થોડોક જ દૂર હતો, ત્યાં જ બિટુએ સાયકલ ઊભી રાખી ને નીચે ઊતર્યો. નીચે ઊતરીને કંઈક કર્યું અને પાછો સાયકલ પર બેસી ઝડપથી પેડલ મારી સાયકલ ચલાવવા લાગ્યો. એટલા સમયમાં તો એની બરાબર પાછળ રહેલો છોકરો આગળ નીકળી ગયો અને પ્રથમ આવી ગયો. બિટુ બીજા નંબરે આવ્યો.
હરીફાઈ પૂરી થયા પછી બિટુ જ્યારે ઈનામ લેવા મંચ પર ગયો તો શિક્ષકે પૂછયું, 'તું પ્રથમ આવવાની અણી પર હતો ત્યારે જ કેમ સાયકલ પરથી નીચે ઊતર્યો? શું પગમાં તને કંઈ વાગ્યું હતું?'
બિટુએ કહ્યું, 'ના, મને કંઈ વાગ્યું ન હતું. કોઈ વિદ્યાર્થીનો ઝંડો હરીફાઈ દરમિયાન નીચે પડી ગયો હતો અને ધૂળમાં ગંદો થઈ રહ્યો હતો. એના પર મારી નજર પડતાં મેં સાયકલ પરથી નીચે ઊતરીને તેને સાફ કરી મારા ગજવામાં મૂકી દીધો. હમણાં જ પ્રિન્સિપાલ સાહેબે કહ્યું હતું કે આ ત્રિરંગો તો ભારતની શાન છે, એની ઈજ્જત ક્યારેય માટીમાં ન મળવી જોઈએ.'
આટલું સાંભળતાં જ સહુએ બિટુને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીએ પોતાની મરજીથી અને ખુશીથી પોતાનું ઈનામ બિટુને આપવાની ઇચ્છા વ્યક્ત કરી, પણ બિટુએ ના પાડી દીધી. ત્યાં તો જે વિદ્યાર્થીનો ઝંડો નીચે પડી ગયો હતો તે આગળ આવ્યો અને બિટુ પાસેથી પેલો ઝંડો લઈને ભાવથી આંખે લગાડી ગજવામાં મૂકી દીધો. શિક્ષકે ભારતના ભાવિ ઘડવૈયાઓનું ખમીર જોઈને તેમને શાબાશી આપી. બિટુ અને પેલા બીજા છોકરા બંનેને પ્રથમ ઈનામ આપ્યું.
કીટુ અને બિટુ બંનેએ એકમેકને અભિનંદન આપ્યા. કીટુએ બિટુને ભેટતાં કહ્યું, 'તિરંગો ભારતની શાન છે અને મારો ભાઈલુ મારી જાન છે!'
'જય હિંદ'ના નારાથી મેદાન ગાજી ઊઠયું.