Health

હવે ડાયાબિટીસ આપોઆપ કન્ટ્રોલ થશે, ઇન્સ્યુલિન કે દવા લેવાની જરૂર નહીં પડે, સુગર બાળતા USB-સાઇઝના ઇમ્પ્લાન્ટની શોધ

By GS Team
24 Oct 20263 mins read
TukuTouch Logo
સ્વિટ્ઝર્લૅન્ડની ETH ઝુરિચના વૈજ્ઞાનિકો, જેમાં ભારતીય સંશોધકો પણ સામેલ છે, તેમણે ડાયાબિટીસ માટે એક ક્રાંતિકારી ECHO ઇમ્પ્લાન્ટ વિકસાવ્યું છે. આ નાનું ડિવાઇસ ત્વચા નીચે મુકવાથી વધારાની સુગરને દવાઓ વિના જ બાળી નાખે છે. 'સાયન્સ' મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આ સંશોધન મુજબ, ઉંદરો પરના પરીક્ષણો સફળ રહ્યા છે અને ભવિષ્યમાં ડાયાબિટીસના દર્દીઓને આજીવન દવાઓમાંથી મુક્તિ મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ડાયાબિટીસ આપોઆપ કન્ટ્રોલ થશે, ઇન્સ્યુલિન કે દવા લેવાની જરૂર નહીં પડે, સુગર બાળતા USB-સાઇઝના ઇમ્પ્લાન્ટની શોધ
AI તસવીર

ECHO Diabetes Implant ETH Zurich: ડાયાબિટીસના દર્દીઓએ આખી જિંદગી દવાઓ કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડતા હોય છે. પણ આ ક્ષેત્રમાં હવે એક એવું સંશોધન થયું છે, જે આ બંને ઉપાયોને ભૂતકાળ બનાવી દે. શોધ થઈ છે એક એવા નાનકડા ડિવાઇસની જેને ત્વચાની નીચે મૂકવાથી વધારાની સુગર આપમેળે દૂર થઈ જાય! 22 ઑક્ટોબર 2026ના રોજ વિશ્વ વિખ્યાત 'સાયન્સ' મેગેઝિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સ્વિટ્ઝર્લૅન્ડની ETH ઝુરિચના સંશોધકોએ, જેમાં ભારતીય વૈજ્ઞાનિકો ડૉ. દેબાસિસ મૈતી અને ડૉ. પ્રીતમ ગુહા રે પણ સામેલ છે, એક એવું ઇમ્પ્લાન્ટ વિકસાવ્યું છે જે દવાઓ વિના જ બ્લડ સુગરને બાળી નાખે છે અને 'ડાયાબેસિટી' (ડાયાબિટીસ + સ્થૂળતા) સામે લડવામાં મદદ કરે છે. ચાલો, આ ક્રાંતિકારી શોધને વિગતવાર સમજીએ.

ECHO ડિવાઇસ શું છે?

આ ડિવાઇસનું નામ ECHO (Electrocatalytic Closed-loop Health Optimization) રાખવામાં આવ્યું છે. તે એક નાની સપાટ, લંબચોરસ સબ-ડર્મલ ચિપ છે. આ ચિપમાં ગ્રેફાઇટની પાતળી પટ્ટીનો ઉપયોગ થયો છે, જેના પર પ્લેટિનમથી સુશોભિત સોનાના નાના કણો (નેનોક્લસ્ટર્સ) જડેલા હોય છે. માઇક્રોસ્કોપમાં જોતાં આખી રચના 'ડેઝર્ટ રોઝ' (રણના ગુલાબ) જેવી આકર્ષક દેખાય છે. આ ડિવાઇસમાં કોઈ જૈવિક કોષો કે એન્ઝાઇમ્સ નથી હોતા, માત્ર મેટલ અને ઇલેક્ટ્રોનિક્સ હોય છે, જે તેને લાંબા સમય સુધી સુરક્ષિત અને ટકાઉ બનાવે છે.

ડિવાઇસ કેવી રીતે કામ કરે છે?

  • ગ્લુકોઝનું રૂપાંતરણ: જ્યારે લોહીમાં સુગર(ગ્લુકોઝ)નું સ્તર નક્કી કરેલી મર્યાદા (થ્રેશોલ્ડ) વટાવી જાય છે, ત્યારે આ ડિવાઇસ માત્ર 0.75 વોલ્ટનો નાનો ઈલેક્ટ્રિક કરંટ પસાર કરે છે. આ કરંટ વધારાના ગ્લુકોઝને 'ગ્લુકોનેટ' નામના તત્વમાં ફેરવી (ઓક્સિડાઇઝ કરી) નાખે છે.
  • શરીરમાંથી નિકાલ: આ ગ્લુકોનેટ કિડની દ્વારા સરળતાથી ફિલ્ટર થઈ જાય છે અને પેશાબ વાટે શરીરની બહાર નીકળી જાય છે.
  • ઓટોમેટિક કંટ્રોલ (ક્લોઝ્ડ-લૂપ સિસ્ટમ): આ ડિવાઇસ સ્માર્ટફોન અને સતત ગ્લુકોઝ મોનિટરિંગ (CGM) સેન્સર સાથે વાયરલેસ રીતે જોડાયેલું રહે છે. સુગર વધે ત્યારે તે આપમેળે ચાલુ થાય છે અને સ્તર સામાન્ય થતાં જ બંધ થઈ જાય છે. આ ટૅક્નોલૉજી 'હાઇપોગ્લાયકેમિઆ' (બ્લડ સુગર ખતરનાક રીતે ઘટી જવી) ની સમસ્યાને અટકાવે છે.

ડાયાબિટીસ અને સ્થૂળતા (Diabesity) પર બેવડી અસર

આજે વિશ્વમાં 2.5 અબજથી વધુ લોકો 'ડાયાબેસિટી'(ડાયાબિટીસ+ઓબેસિટી)થી પીડાય છે, અને તેના પાછળ વાર્ષિક 3 ટ્રિલિયન ડૉલરનો જંગી ખર્ચ થાય છે.

  • ECHO ડિવાઇસ ગ્લુકોઝ ઘટાડવાની સાથે શરીરના મેટાબોલિઝમને બદલી નાખે છે. લોહીમાંથી સુગર દૂર થતાં, શરીર ઊર્જા મેળવવા માટે સંગ્રહિત ચરબી બાળવા લાગે છે. આનાથી ફ્રી ફેટી એસિડ્સ અને કીટોન્સ વધે છે, અને શરીરનું વજન તેમજ ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટે છે.
  • સૌથી સારી વાત એ છે કે આ પ્રક્રિયામાં લોહીનું pH લેવલ 7.35ની નીચે જતું નથી, એટલે કે 'કીટોએસિડોસિસ' નામની કોઈ જીવલેણ સ્થિતિ ઊભી થતી નથી.

ઉંદરો પર સફળ પરીક્ષણ થયા

ડાયાબિટીસ ધરાવતા ઉંદરો પરના પરીક્ષણોમાં આ ડિવાઇસે માત્ર 90 મિનિટમાં બ્લડ સુગર ઘટાડીને કંટ્રોલમાં લાવી દીધું હતું. 6 અઠવાડિયા સુધી ચાલેલા પરીક્ષણોમાં તેણે કોઈ પણ આડઅસર વિના ઉંદરોનું વજન ઘટાડ્યું હતું.

માનવ હસ્તક્ષેપ વિના કામ કર્યું

સતત ગ્લુકોઝ મોનિટર સાથે જોડાયેલું આ ડિવાઇસ કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના 12 દિવસ સુધી સતત કામ કરતું રહ્યું. વધુમાં, ત્વચાની અંદર 3 મહિના રહ્યા પછી પણ આ ઇમ્પ્લાન્ટ સક્રિય જોવા મળ્યું હતું અને તેનાથી કોઈ ડાઘ કે ઇન્ફેક્શન પણ નહોતું થયું.

માનવ પરીક્ષણ બાકી છે

માણસના શરીરમાં લગભગ 5 લિટર લોહી હોય છે, જેને ધ્યાનમાં રાખીને સંશોધકોએ લેબમાં 5 લિટર પ્રવાહી સાથે સફળતાપૂર્વક પ્રયોગ કર્યો હતો. પ્રોફેસર માર્ટિન ફુસેનેગર અને ડૉ. મૈતી જણાવે છે કે, ક્લિનિકલ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં આ ડિવાઇસને વધુ નાનું બનાવવા અને તેને વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ સાથે જોડવા પર કામ ચાલી રહ્યું છે. જો આ ટેક્નોલોજી મનુષ્યો માટે પણ એટલી જ સફળ સાબિત થશે, તો દર્દીઓએ કદાચ વર્ષમાં માત્ર એકવાર નાનો ચીરો પાડીને આ ઇમ્પ્લાન્ટ મુકાવવું પડશે, અને તેઓ જીવનભર ડાયાબિટીસની દવાઓમાંથી મુક્ત થઈ શકશે.