જંગલમાં મિત્રતાનો વરસાદ

નદીઓ અને નાળાં પાણીથી ભરાઈ ગયાં. ચીકુ વરસાદમાં રમતો રમતો જંગલના એક ખૂણે પહોંચી ગયો. તેણે જોયું કે નાની મીનુ ચકલી પાણીમાં ફસાઈ ગઈ હતી. ચીકુ તરત જ દોડયો અને બોલ્યો, 'ડરતી નહીં, હું તારી મદદ કરીશ.'
ચિરાગ એચ. શર્મા 'ચિરંજીવ'
એ ક સુંદર જંગલમાં વરસાદની સિઝન શરૂ થઈ હતી. કાળા વાદળો આકાશમાં છવાઈ ગયા હતા અને ઠંડો પવન વહેતો હતો. અકળાવી મુક્તા ઉનાળાની ગરમીથી રાહત મળતા સૌ જંગલના પ્રાણીઓ ખૂબ આનંદ અને ઉત્સાહમાં આવી ગયા હતાં. જંગલના બધાં પ્રાણીઓ વરસાદનો આનંદ માણતાં હતાં. તે જંગલમાં ચીકુ નામનો નાનો સસલો રહેતો હતો. તેને વરસાદમાં કૂદાકૂદી કરવી બહુ ગમતી. એક દિવસ ભારે વરસાદ પડવા લાગ્યો. નદીઓ અને નાળાં પાણીથી ભરાઈ ગયા. ચીકુ વરસાદમાં રમતો રમતો જંગલના એક ખૂણે પહોંચી ગયો. તેણે જોયું કે નાની મીનુ ચકલી પાણીમાં ફસાઈ ગઈ હતી. ચીકુ તરત જ દોડયો અને બોલ્યો, 'ડરતી નહીં, હું તારી મદદ કરીશ.'
ચીકુએ નજીકમાં પડેલી મોટી ડાળી લાવી અને ચકલીને બહાર કાઢી. મીનુ ચકલી ખુશ થઈ ગઈ અને બોલી,
'આભાર મિત્ર!'
થોડા સમય પછી વરસાદ વધુ જોરથી વરસવા લાગ્યો. હવે ચીકુ પોતે જ કાદવમાં ફસાઈ ગયો. તેણે મદદ માટે બૂમ પાડી. મીનુ ચકલીએ તે સાંભળી અને તે મોન્ટુ વાંદરા અને ગજુ હાથીને બોલાવી લાવી. મોન્ટુ વાંદરો, ગજુ હાથી અને મીનુ ચકલી ત્યાં આવ્યાં.
હાથી ગજુએ પોતાની લાંબી સૂંઢથી ચીકુ સસલાને બહાર ખેંચી લીધો. બધા મિત્રો હસવા લાગ્યા.
ચકલી બોલી, 'જેમ તે મારી મદદ કરી, એમ આજે અમે તારી મદદ કરી.'
તે દિવસથી જંગલનાં બધાં પ્રાણીઓ એકબીજાની મદદ કરવા લાગ્યાં. વરસાદની સિઝન તેમના માટે ખુશી અને મિત્રતાનો સંદેશ લઈને આવી. સૌ પ્રાણીઓ ખૂબ ખુશ થઈ આનંદથી ગાવા લાગ્યાં-
'વરસાદ આવ્યો, વરસાદ આવ્યો… મિત્રતાની મોસમ લાવ્યો.'
સાચ્ચે, મિત્રતા અને મદદ કરવાની ભાવના હંમેશા ખુશી અને આનંદ લાવે છે.




