Zagmag

બટાકા રાજા

By GS Team
24 Jul 20262 mins read
બટાકા રાજા
  • 'રાજા નીકળે છતાં તારું ધ્યાન નહોતું? તું સજાને જ લાયક છે!' એમ બોલી તે ટમેટા પર જોરથી કૂદ્યા. ટમેટાના રામ રમી ગયા!
  • પ્રકાશ કુબાવત

એક હતા બટાકાભાઈ. કદમાં મોટા મોટા! ટમેટાભાઈ તેની પાસે લાગે નાના નાના. બટાકાભાઈ બધાં શાકભાજીને કહેતા, 'હું તમારો રાજા છું. મારા વિના તમે બધાં અધૂરાં છો. રોજ તમારે મને સલામ ભરવાની!' એમ બોલી તેઓ ગાવા લાગતા-
'શાકભાજીનો હું છું રાજા,
રહું હંમેશાં તરોતાજા!
સલામ ભરો મને, પ્રજા,
નહીંતર થશે તમને સજા!'
બધાં શાકભાજી બટાકા રાજાને રોજ સલામ ભરતાં. એક દિવસ ટમેટાભાઈ વિચારમાં ડૂબેલા હતા. તેમને પોતાના પુત્રના લગ્નની ચિંતા હતી. બટાકારાજા ટમેટા પાસેથી નીકળ્યા ત્યારે તેનું ધ્યાન નહોતું.
બટાકારાજા ક્રોધે ભરાયા. ટમેટાએ કહ્યું, 'મને માફ કરો, મારું ધ્યાન નહોતું.'
'રાજા નીકળે છતાં તારું ધ્યાન નહોતું? તું સજાને જ લાયક છે!' એમ બોલી તે ટમેટા પર જોરથી કૂદ્યા. ટમેટાના રામ રમી ગયા!
થોડા દિવસ પછી કારેલાભાઈ સામે મળ્યા. કારેલાભાઈ તેમને સલામ ભરવા ગયા, ત્યાં તો બટાકારાજા બોલ્યા, 'જા, જલ્દીથી રસ્તામાંથી ખસી જા! મારે તારી સલામ પણ નથી જોઈતી. કેવી કડવી વાસ આવે છે! તારે મારી આડે ઊતરવું જ નહીં, રસ્તો બદલી નાખવો!'
કારેલું ઝડપથી ત્યાંથી ચાલ્યું ગયું.
એક વખત લીલી ચોળી અને પપૈયું વાતો કરતાં કરતાં ચાલ્યાં જતાં હતાં. બટાકારાજાની સવારી ત્યાંથી પસાર થઈ, પણ તેઓ અજાણ હતાં. બટાકારાજાથી આ સહન ન થયું. બંનેને ખૂબ વઢયા. માથે પડીને લીલી ચોળીનો આગળનો ભાગ સાપની ફેણની જેમ છૂંદી નાખ્યો. પાકેલા પપૈયા ઉપર પણ બે-ત્રણ વખત જોરથી કૂદ્યા. પપૈયાના ટુકડે-ટુકડા
થઈ ગયા!
બટાકારાજાની જોહુકમીથી બધાં શાકભાજી ત્રાસી ગયાં હતાં.
શિયાળાની એક સવારે બટાકા રાજા સૂરજનો કુમળો તડકો લઈ રહ્યા હતા. તેમનું ધ્યાન આકાશ તરફ જ હતું. ત્યાં પશાભાઈ ગૌરી ગાય લઈને નીકળ્યા. ગૌરી ગાયનું ધ્યાન બટાકા રાજા પર પડયું. તેના મુખમાં પાણી આવી ગયું. બટાકા રાજાને તે
ખાઈ ગઈ!
બધાં શાકભાજી આ જોઈને ખૂબ રાજી થઈ ગયાં.