Zagmag

પાર્થની ચંદ્રસફર

By GS Team
18 Sep 20263 mins read
TukuTouch Logo
10 વર્ષના જિજ્ઞાસુ પાર્થને તેના વિજ્ઞાન શિક્ષકે ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવા પ્રોત્સાહન આપ્યું. રાત્રે પાર્થની છત પર એક ચમકતું રોકેટ ઉતર્યું, જેમાં બેસીને તેણે રોબોટ્સ સાથે ચંદ્રની મુસાફરી કરી. ચંદ્ર પર ઓછું ગુરુત્વાકર્ષણ અનુભવી, પાર્થે ખીણો અને ખડકો જોયા. તેની પગલાંની છાપ ચંદ્ર પર કાયમ રહેશે કારણ કે ત્યાં હવા કે પાણી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાર્થની ચંદ્રસફર
  • ડોક્ટર બિરેન પટેલ
  • 'જો તું આવી જ રુચિથી વિજ્ઞાન વિષયક અવનવી વાતો શીખીશ અને રસપૂર્વક અભ્યાસ કરતો રહીશ, તો જરૂર ભવિષ્યમાં એક મોટો વૈજ્ઞાનિક બની શકીશ.'
    પાર્થ પાર્થ દસ વર્ષનો ખૂબ જ જિજ્ઞાસુ છોકરો હતો. એને આકાશના તારા અને ગ્રહો જોવા બહુ ગમતા. રોજ રાત્રે છત પર બેસીને એક દૂરબીન વડે ચંદ્રને જોતો અને મનોમન બોલતો, 'આકાશ કેટલું મોટું છે! શું હું ક્યારેય અવકાશયાત્રા કરી શકીશ?'
    એક દિવસ તેની સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. પાર્થે સૂર્યમંડળની રચનાનું રંગીન માડલ બનાવ્યું. એણે મિત્રોને સમજાવ્યું કે, 'પૃથ્વી પોતાની ધરી પર ૨૪ કલાકમાં એક આંટો પૂરો કરે છે, એટલે દિવસ અને રાત થાય છે… અને પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર લગાવીને ૩૬૫ દિવસમાં એક વર્ષ પૂરું કરે છે.'
    બધા મિત્રો આશ્ચર્યથી બોલી ઊઠયા, 'વાહ પાર્થ! તું તો કેવી સુંદર માહિતી આપી રહ્યો છે! એક સાચા વૈજ્ઞાનિકની માફક વાત કરે છે!'
    તેમની આ વાત વિજ્ઞાન શિક્ષક સાંભળી રહ્યા હતા. શિક્ષકે તેને પ્રોત્સાહન આપતાં કહ્યું, 'પાર્થ, તારી જિજ્ઞાસા જોઈને હું કહી શકું કે જો તું આવી જ રુચિથી વિજ્ઞાન વિષયક અવનવી વાતો શીખીશ અને રસપૂર્વક અભ્યાસ કરતો રહીશ, તો જરૂર ભવિષ્યમાં એક મોટો વૈજ્ઞાનિક બની શકીશ.'
    તે રાત્રે પાર્થ છત પર સૂતો હતો. અચાનક એક ચમકતું રૉકેટ આકાશમાંથી નીચે ઊતર્યું અને છત પર આવીને સ્થિર થયું. તેની આજુબાજુ નાના નાના રોબોટ આવીને ઊભા રહ્યા. બધા રોબોટની આંખો દીવા જેવી ઝગમગતી હતી.
    એક રોબોટ બોલ્યો, 'કેમ છો, પાર્થભાઈ! હું તમને અમારા અવકાશયાનમાં બેસાડી અવકાશયાત્રા કરાવી શકું છું. શું તમે અમારી સાથે તારાઓની મુસાફરીએ આવશો?'
    પાર્થ હર્ષ અને આશ્ચર્ય સાથે બોલ્યો, 'હા! આ તો મારા સૌભાગ્યની વાત છે. આ ઘટના તો મારા સપના કરતાં પણ વધુ રોમાંચક છે!'
    પાર્થ રૉકેટમાં સવાર થયો. ગગનભેદી અવાજ સાથે રૉકેટ આકાશ ભણી ઊડવા લાગ્યું. થોડી વારમાં અવકાશયાન પૃથ્વીનું વાતાવરણ વટાવી અવકાશમાં તરવા લાગ્યું. પાર્થે બારીમાંથી બહાર જોયું, તો પૃથ્વી એક નાના રમકડાના દડા જેવી દેખાતી હતી.
    જોતજોતામાં અવકાશયાન ચંદ્રની સપાટી પર ઊતર્યું. સાથે આવેલા રોબોટમાંથી મોટા રોબોટે કહ્યું, 'પાર્થ, યાદ રાખજે! આ ચંદ્ર છે. આ પૃથ્વી નથી કે નથી આપણું ઘર. એટલે ખૂબ સાચવવું પડશે, કારણ કે અહીં ડગ માંડવાં એ મોટું સાહસ છે.'
    પાર્થ અને રોબોટ બંને સાવચેતીપૂર્વક ચંદ્રની ધરતી પર ઊતર્યા. પાર્થે જ્યારે ચંદ્રની જમીન પર પગ મૂક્યો, ત્યારે તેને લાગ્યું કે તેનું શરીર એકદમ હલકુંફૂલક થઈ ગયું છે. ચાલતાં ચાલતાં તે જમીન પરથી હવામાં ઊડી રહ્યો હોય તેવો અહેસાસ થતો હતો.
    રોબોટ બોલ્યો, 'અરે વાહ! તું તો સુપરહીરો જેવો ઊંચો કૂદકો મારી રહ્યો
    છે ને!'
    પાર્થ હસીને બોલ્યો, 'કેમ રોબોટભાઈ, આવું કેમ થાય છે?'
    રોબોટે સમજાવતાં કહ્યું, 'અહીં ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં છ ગણું ઓછું છે, એટલે તું સહેલાઈથી ઊંચો કૂદી શકે છે અને વજન પણ સાવ હલકું લાગે છે.'
    પાર્થ અને રોબોટ ચંદ્રની સપાટી પર ઘણું ફર્યા. તેમણે ખીણો, વિશાળ ખડકો અને ચંદ્રના નિર્જન વાતાવરણનો પ્રત્યક્ષ અનુભવ કર્યાે. ત્યાં જ અવકાશયાન તેમની પાસે આવીને ઊભું રહ્યું. અંદર રહેલા બીજા રોબોટે કહ્યું, 'ચાલો, આપણો સમય પૂરો થયો છે. હવે આપણે અહીંથી પાછા વળવું પડશે.'
    પાર્થ અને રોબોટ બંને અવકાશયાનમાં આવીને બેઠા. બારીમાંથી જોતાં જ પાર્થની નજર જમીન પર પડેલી પોતાની પગલાંની છાપ પર પડી.
    પાર્થ બોલ્યો, 'આ છાપ?'
    રોબોટ હસ્યો અને બોલ્યો, 'આ છાપ ચંદ્ર પર કાયમ માટે અંકિત રહેશે.'
    પાર્થ આશ્ચર્યથી બોલ્યો, 'એ કેવી રીતે શક્ય બને?'
    રોબોટે સમજાવતાં કહ્યું, 'પાર્થ, ચંદ્ર પર હવા નથી કે નથી પાણી. એટલે આ પગલાં વર્ષો સુધી આમ જ અકબંધ રહેશે, કારણ કે તેને ભૂંસી શકે તેવું કોઈ વાતાવરણ અહીં મોજૂદ નથી.'
    પાર્થ આનંદ અને ઉત્સાહ સાથે ચંદ્રસફરની અદ્ભુત સ્મૃતિઓમાં સરી પડયો. થોડા સમય પછી યાન પૃથ્વી તરફ પાછું ફર્યું અને સીધું પાર્થના ઘરની અગાસી પર આવીને ઊતર્યું. પાર્થ યાનમાંથી ઊતરીને અગાસી પર આવ્યો અને રોબોટને 'આવજો' કહેવા હાથ ઊંચો કરવા જતો હતો, ત્યાં જ અવકાશયાન પલકવારમાં અદૃશ્ય થઈ ગયું.
    પાર્થે મીઠા સ્મિત સાથે ચમકતા આકાશ તરફ જોયું અને મનોમન બોલી ઊઠયો, 'મારી આ સપના જેવી ચંદ્રસફર હું જિંદગીભર ક્યારેય નહીં ભૂલી શકું!'