Zagmag

આપણા સ્વાતંત્ર્ય નાયકો : વસંતકુમાર વિશ્વાસ

By GS Team
11 Sep 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : વસંતકુમાર વિશ્વાસ
  • ભયંકર અવાજ સાથે વિસ્ફોટ થયો. ચારેબાજુ ધુમાડાનાં ગોટા ઊડવા માંડયા. વાઈસરોય મૂર્છિત થઈને પડી ગયો. અંગરક્ષક મરાયો. લોકોમાં ભાગદોડ મચી ગઈ. આ દોડધામમાં વસંતકુમાર ક્યાં પલાયાન થઈ ગયો તેની કોઈને ખબર ન રહી.

દિલ્હીમાં વાઈસરોય હાર્ડિંગ પર તથા લાહોરમાં લોરેન્સ ગાર્ડનમાં બોમ્બ વિસ્ફોટ કરીને બંગભૂમિના આ ક્રાંતિકારીએ બ્રિટિશ સરકારના દાંત ખાટા કરી દીધેલા. એમને ક્રાંતિની દીક્ષા આપનારા હતા રાસબિહારી બોઝ. ૨૩ ડિસેમ્બર ૧૯૧૨નો એ દિવસ, હજારો ઘોડાઓ, હાથીઓ તોપો અને બંદૂકધારી સૈનિકથી સજ્જ વાઈસરોયની સવારી રાજધાની દિલ્હીમાંથી પસાર થઈ રહી હતી. દિલ્હી હજુ રાજધાની બન્યું જ હતું. સવારી એની મસ્તીમાં પસાર થઈ રહી હતી. ચાંદનીચોકના પંજાબ નેશનલ બેંકની છત ઉપર એક યુવક આ સવારીનું સ્વાગત કરવા રાહ જોઈને ઊભો હતો. એમણે ઓળખવો મુશ્કેલ હતો. કારણ કે એ છત પર ઊભેલી બુરખાધારી મુસ્લિમ મહિલાની વચ્ચે તે પણ બુરખો ઓઢીને ઊભો હતો. અંગ-સૌષ્ઠવ, સ્વર-સંચાલન તથા હાવભાવ એવા તો રાખ્યા કે કોઈ સ્ત્રીને ગંધ પણ ન ગઈ કે અહીં તેમની વચ્ચે એક પુરુષ ઊભો છે. એ યુવક હતો વસંતકુમાર, સરઘસ બેંકનાં મકાન પાસે પહોંચ્યું. વાઈસરોય હાર્ડિંગ હાથી પર રત્નજડિત આસન પર સવાર હતો. આગળ તેની પત્ની હતી. તેનાથી આગળ મહાવત હતો. સૌથી પાછળ હતો અંગરક્ષક. બાજુમાં ઊભેલી મહિલાઓ શ્રીમતી હાર્ડિંગના ગળામાંની મોતીની આકર્ષક માળા જોવામાં પડી કે વસંતકુમારે બોમ્બની પીન ખેંચીને એને લાટસાહેબ પર ફેંક્યો. ભયંકર અવાજ સાથે વિસ્ફોટ થયો. ચારેબાજુ ધુમાડાનાં ગોટા ઊડવા માંડયા. વાઈસરોય મૂર્છિત થઈને પડી ગયો. અંગરક્ષક મરાયો. લોકોમાં ભાગદોડ મચી ગઈ. આ દોડધામમાં વસંતકુમાર ક્યાં પલાયાન થઈ ગયો તેની કોઈને ખબર ન રહી. મહિલાઓ વચ્ચે આ આરોપી છુપાયેલો હશે એવી કોઈને શંકા પણ ન ગઈ.
વસંતકુમારે હવે દિલ્હી છોડી બંગાળની વાટ પકડી. પિતાનું શ્રાદ્ધ કરી નાદિયા જિલ્લાના પોતાના ગામ પરાગયા પહોંચ્યો. સરકાર વિસ્ફોટકારીઓને શોધવા આકાશ-પાતાળ એક કરી રહી હતી ત્યાં એને વધુ એક લપડાક પડી. ૧૭મે, ૧૯૧૩ના રોજ લાહોરના લોરેન્સ ગાર્ડનમાં મહેફિલ માણતા અંગ્રજો ૫૨ બોમ્બ ફેંકાયો. જેમાં એક નોકર મરાયો. ઉશ્કેરાયેલી સરકારે હવે તેની જાસૂસી જાળ વિસ્તારી. જેમાં ૨૬ ફેબ્રુઆરી, ૧૯૧૪નાં રોજ વસંતકુમાર તેમના વતનના ગામેથી ઝડપાઈ ગયો. દિલ્હીની અદાલતમાં તેની સામે રાજદ્રોહ અનેં બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ યુદ્ધ છેડવાનો કેસ ચલાવવામાં આવ્યો. હત્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. આઠ મહિનામાં જ ચુકાદો આવી ગયો. મૃત્યુદંડ !૧૧મે, ૧૯૧૫ના રોજ અંબાલાની જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો ! ત્યારે તેની ઉંમર ત્રેવીસ વર્ષ પણ નહોતી.

  • જિતેન્દ્ર પટેલ