Zagmag

આપણા સ્વાતંત્ર્ય નાયકો : રોશનલાલ મહેરા

By GS Team
31 Jul 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : રોશનલાલ મહેરા
  • જોકે રોશનનલાલે તેમાં ભાગ ન લીધો. પાર્ટીએ ક્રાંતિકારીઓને છોડાવવા જેલમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું નક્કી થયું. એના માટે બોમ્બ બનાવવામાં આવ્યા.

મદ્રાસના દરિયાકિનારે બોમ્બ પરીક્ષણ કરતાં શહાદતને વરેલા રોશનલાલ મેહરા પંજાબના અમૃતસરનાં વતની હતા. તેમના પિતા કાપડના વેપારી હતા. રાષ્ટ્રભક્તિનું શિક્ષણ તેમને મા તરફથી મળેલું. ઉત્તર ભારતના પ્રસિદ્ધ ક્રાંતિકારી શંભૂનાથ આઝાદનાં સંપર્કમાં આવતા સત્તર વર્ષની ઉંમરે રોશનલાલ ક્રાંતિકારી બનેલા. પછીથી તેઓ બોમ્બ બનાવતા પણ શીખ્યા. બોમ્બ પરીક્ષણ માટે સ્થળની વિચારણા ચાલી તો તેમમે કોતવાલીનું સૂચન કર્યું. આ કોતવાલીમાં ક્રાંતિકારીઓ પર અત્યાચાર ગુજારવામાં આવતોહતો. એક રાતે ક્રાંતિકારીઓએ કોતવાલી પર બોમ્બ વિસ્ફોટ કર્યો. કોતવાલી ધરાશાયી થઇ ગઈ.
પોલીસે આકાશ-પાતાળ એક કર્યા પણ અપરાધીને પકડી ન શકી. આ સફળતા પછી ક્રાંતિકારીઓનો ઉત્સાહ વધ્યો. દક્ષિણ ભારતમાં પાર્ટીનાં કાર્યનો વિસ્તાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પરંતુ એટલે દૂર જઇને કાર્ય કરવા માટે નાણાં ક્યાંથી લાવવા ? બીજાને ત્યાં ધાડ પાડવા જવાને બદલે રોશનલાલે ઘરમાંથી પાંચ હજાર રૂપિયાની ચોરી કરી. એમના પિતા પાસે અઢળક નાણાં હતાં. લાહોરનાં ક્રાંતિકારી પત્ર રામવિલાસ શર્માને ત્યાં આ રકમ રાખી. 'અમને જરૂર પડે ત્યારે તમે મદ્રાસ આ પૈસા મોકલાવજો.' આટલું કહી ક્રાંતિકારી પાર્ટી મદ્રાસ તરફ ચાલી નીકળી. તેમાં સભ્યો હતા શંભુનાથ આઝાદ, રોશનલાલ મહેરા, ગોવિંદરામ વર્મા, ખુશીરામ મહેતા, હીરાલાલ ઠક્કર, ઇન્દ્રસિંહ મુનિ વગેરે. મદ્રાસ આવીને તેમણે રામપુરમ્ ક્ષેત્રમાં મકાન ભાડે રાખ્યું. ક્રાંતિકારી પાર્ટીના મદ્રાસ આવ્યા પછી પોલીસે લાહોરમાં રામવિલાસ શર્માનાં ઘર પર છાપો માર્યો. પેલા પાંચ હજાર રૂપિયા તેમાં ગયા. મદ્રાસમાં ક્રાંતિકારી પાર્ટી સંકટમાં આવી ગઈ. હવે રૂપિયા ક્યાંથી લાવવા ? કરકસરના ભાગરૂપે રામપુરમ ક્ષેત્રનું મકાન ખાલી કરીને બીજું નાનું મકાન રાખવામાં આવ્યું. એક બેંક પર ધાડ પણ પાડવામાં આવી. જો કે રોશનનલાલે તેમાં ભાગ ન લીધો. પાર્ટીએ ક્રાંતિકારીઓને છોડાવવા જેલમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું નક્કી થયું. એના માટે બોમ્બ બનાવવામાં આવ્યા.
આ બોમ્બનું પરીક્ષણ કરવા ૧ મે, ૧૯૩૩ના રોજ પાર્ટીના સભ્યો મદ્રાસના દરિયા કાંઠે આવ્યા. મોડી રાત હતી. સાથીદારો શંભુનાથ, ગોવિંદ વર્મા અને ઇન્દ્રસિંહને રોકતાં રોશનલાલે કહ્યું, 'પહેલાં મને એકલાને પરીક્ષણ કરવા દો.' આટલું કહી તેઓ દરિયાકાંઠે પથ્થરની દીવાલ હતી એ બાજુ દોડી ગયા. દોડતા રોશનલાલ અંધારામાં એક પથ્થરની શિલા પરથી ગબડયા. તેમના હાથમાં રહેલો બોમ્બ પથ્થર સાથે અથડાયો ને જોરદાર વિસ્ફોટ થયો. દૂર ઊભેલા મિત્રોએ માન્યું કે વિસ્ફોટ રોશનલાલે કર્યો છે. વિસ્ફોટ સફળ થયાની ખુશીમાં રોશનલાલના આવવાની રાહ જોતા રહ્યા. પરંતુ ખાસી વારે રોશનલાલ પાછા ન ફર્યા એટલે ફાળભર્યા સાથીદારો તે સ્થળે આવ્યા. એમની આંખો ફાટી ગઈ. ત્યાં રોશનલાલનો લોહીલુહાણ દેહ પડયો હતો. એક હાથ ધડથી છૂટો પડી ગયો હતો.

  • જિતેન્દ્ર પટેલ