આપણા સ્વાતંત્ર્ય નાયકો : રામરખાં

જે અંગ્રેજ કમાન્ડરે ભારતીય સુબેદારને માર્યોહતો તેને એક ભારતીય સૈનિકે ગોળીએથી ઠાર કર્યો. તેનું પણ કોર્ટ માર્શલ થયું અને ગોળીએ દેવાયો. ભારતીય સૈનિકોમાં આ વિદ્રોહ જાગ્યો કેમ એની બ્રિટિશ સરકારે સઘન તપાસ કરી.
અમેરિકા સ્થિત ગદર પાર્ટીનાં સૈનિક રામરખાં પંજાબનાં હોશિયારપુરના વતની હતા. પાર્ટી દ્વારા પૂર્વના દેશોમાં અંગ્રેજ શાસન વિરૂદ્ધ વિદ્રોહ ભડકાવવા તેમને બર્મા મોકલવામાં આવ્યા હતા. તેમની સાથે ત્રણ સાથીદારો અમરસિંહ, અલીઅહમદ અને મુજતબા હુસૈન પણ હતા. ગદર પાર્ટી પૂર્વના દેશોમાં હથિયાર અને સાહિત્ય મોકલીને ત્યાંની સેનાના ભારતીય સૈનિકોમાં વિદ્રોહ ભડકાવવા સતત પ્રયત્નશીલ હતી. આ અગાઉ તેના દ્વારા સોહનલાલ પાઠકને મોકલવામાં આવેલા. પરંતુ હથિયાર સાથે ઝડપાઈ જતા તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવેલા. સોહનલાલનું બલિદાન પાર્ટીના સૈનિકો માટે પ્રેરણારૂપ બની રહ્યું. પહેલાં તેઓએ બકરીઇદનાં દિવસે વિદ્રોહ ભડકાવવાનું નક્કી કર્યું. પરંતુ ત્યાં સુધીમાં હથિયારની તૈયારી ન થઈ શકી.
અંતે ડિસેમ્બરમાં અંગ્રેજોના તહેવાર નાતાલ પર પસંદગી ઢોળવામાં આવી. વિદ્રોહ માટે અંગ્રેજ સેનાના ભારતીય સૂબેદારને મનાવી લેવામાં આવ્યા. ફોજને બર્માની બહાર લડવા માટે મોકલવાની આજ્ઞા કરવામાં આવે તો તેને માનવી નહિ એમ નક્કી કરવામાં આવ્યું. એવું જ થયું. એક દિવસ ફોજને બર્માની બહાર મોકલવાનું કહેવામાં આવ્યું કે સુબેદારે ત્યાં જવાની ચોખ્ખી ના પાડી દીધી. સુબેદારનું કોર્ટ માર્શલ થયું અને ગોળીથી તેમને ઉડાવી દેવામાં આવ્યા. મોટી સંખ્યામાં ત્યારે ગોરા સૈનિકો હાજર હોવાથી વિદ્રોહ ન થઈ શક્યો. ગોળી ખાઈને મરતાં મરતાં સુબેદાર એટલું બોલતા ગયા. 'મારો કોઈ હિન્દુસ્તાની ભાઈ મારા મોતનો બદલો લે.' બીજે જ દિવસે સુબેદારના મોતનો બદલો લેવાઈ ગયો. જે અંગ્રેજ કમાન્ડરે ભારતીય સુબેદારને માર્યોહતો તેને એક ભારતીય સૈનિકે ગોળીએથી ઠાર કર્યો. તેનું પણ કોર્ટ માર્શલ થયું અને ગોળીએ દેવાયો. ભારતીય સૈનિકોમાં આ વિદ્રોહ જાગ્યો કેમ એની બ્રિટિશ સરકારે સઘન તપાસ કરી. પગેરું ગદર પાર્ટીનાં ક્રાંતિકારીઓ સુધી નીકળ્યું. રામરખાં, અલી અહમદ, અમરસિંહ અને મુજતબા હુસૈનની ધરપકડ કરવામાં આવી. માંડલે પૂરક ષડયંત્ર કેસ ચલાવી ચારેયને આજીવન કાળાપાણીની સજા સંભળાવવામાં આવી. જેમાં રામરખાંને માંડલેથી આંદામાનની જેલમાં મોકલી આપવામાં આવ્યા. રામરખાં શરીરે ખડતલ હતા. જેલનું કામ તેઓ બધા પહેલાં કરી લેતા. જેલમાં તેમના સાથીઓ ઉપર થઈ રહેલાં અત્યાચાર તેમનાથી સહન ન થયો. જેલના અધિકારીઓના અમાનવીય વ્યવહાર સામે તેઓ ઉપવાસ ઉપર ઊતર્યા. ઉપવાસ લાંબા ચાલ્યા. ભૂખ્યા પેટે પણ તેમને જેલની તનતોડ મજૂરી કરવી પડતી. પરિણામે એક દિવસ તેમને લોહીની જારદોર ઉલટી થઈ. જેલની અંદર જ આ ક્રાંતિકારીનું મોત નીપજી ગયું.
- જિતેન્દ્ર પટેલ









