Zagmag

આપણા સ્વાતંત્ર્ય નાયકો : લાલા હરદયાળ

By GS Team
28 Aug 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : લાલા હરદયાળ
  • તેઓ સમુદ્ર માર્ગે ભારત આવવા નીકળ્યા. પરંતુ માર્સેલ્સ બંદરેથી પકડાઈ ગયા. હવે વતન જવું શક્ય નથી એમ માની તેમણે બ્રિટનમાં આજીવિકા રળી ગુજરાન ચલાવવા માંડયું. સશસ્ત્ર ક્રાંતિના આ માણસ ભગવાન બુદ્ધના અહિંસાના સિદ્ધાંતથી ખૂબ પ્રભાવિત હતા.

ગદર પાર્ટીનાં સ્થાપક લાલા હરદયાળ દિલ્હીના વતની હતા. પ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં અને ઉચ્ચ શિક્ષણ લાહોરમાંથી લઈ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયેલા. અહીં તેમને ઈન્ડિયા હાઉસના સ્થાપક શ્યામજી કૃષ્ણવર્માનો ભેટો થયો. શ્યામજીએ એમની અંદર સ્વદેશી ભાવનાની ચિનગારી એવી તો પ્રગટાવી કે અંગ્રેજી ડીગ્રી પરથી તેમનું મન ઊઠી ગયું. સરકારની શિષ્યવૃત્તિ પાછી ઠેલી. અંગ્રેજી મેસમાં જમવાનું પણ બંધ કર્યું. તેઓ જ્યારે લંડનથી પાછા ફર્યા ત્યારે દેશમાં સ્વતંત્રતાના આંદોલનને જોર પકડયું હતું. તેઓ પણ તેમાં કૂદી પડયા. સરકારે પંજાબ કેસરી લાલા લજપતરાયની ધરપકડ કરી બર્માની જેલમાં ધકેલી દીધા. ધરપકડથી બચવા હરદયાળ પાછા લંડન આવતા રહ્યા. પણ અહીંયે જોખમ ઊભું થતાં, પેરિસ ગયા. થોડો સમય પેરિસમાં રહ્યા, પરંતુ અહીંનું ખર્ચાળ જીવન તેમને ન પરવડતાં ત્યાંથી અમેરિકા ગયા. અહીં મજૂરી કરતાં ભારતીઓને સંગઠિત કરી ગદર પાર્ટીની સ્થાપના કરી. પોતે કેલીફોર્નિયાની યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા. ગદર પત્ર પણ શરૂ કર્યું. પરંતુ હરદયાળને અમેરિકા પણ સંઘરી ના શક્યું. તેમનાં ભાષણમાં રાજદ્રોહની ગંધ આવતા વોરંટ કાઢયું. ધરપકડથી બચવા તેઓ સ્વિટ્ઝર્લેન્ડ ભણી નાઠા. છૂપાવેશે ત્યાં છ મહિના રહ્યા. ત્યાંથી જર્મનીનો સહકાર મેળવવા જર્મની ગયા. શરૂઆતમાં જર્મનીએ ભારતની બાબતે રસ લીધો. પણ પછી તેનું વલણ નરમ પડયું. તેના નેતા સાથે ખટરાગ વધતા હરદયાળે જર્મની પણ છોડવું પડયું. હવે ક્યાં જવું? પછીનાં સાત વર્ષમાં તેમણે કેટલાંય દેશો ખૂંદયા. આખરે ત્યાંથી સ્વીડન પહોંચ્યા. દુનિયાભરની રઝળપાટ કરીને તેમને વતન જોવાની ઈચ્છા થઈ. નામ બદલી તેઓ સમુદ્ર માર્ગે ભારત આવવા નીકળ્યા. પરંતુ માર્સેલ્સ બંદરેથી પકડાઈ ગયા. પાછા લંડન જવું પડયું. હવે વતન જવું શક્ય નથી એમ માની તેમણે બ્રિટનમાં આજીવિકા રળી ગુજરાન ચલાવવા માંડયું. આશ્ચર્યની વાત એ છે કે સશસ્ત્ર ક્રાંતિના આ માણસ ભગવાન બુદ્ધના અહિંસાના સિદ્ધાંતથી ખૂબ પ્રભાવિત હતા. ભગવાન બુદ્ધના સિદ્ધાંતો અંગે પુસ્તક લખી પીએચ.ડી. કર્યું. લંડન યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યા. ૧૯૩૮માં યુનિવર્સિટી તરફથી અમેરિકામાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા તેમને મોકલવામાં આવ્યા. ત્યાં તેમનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું. દેશમાં સરકારે તેમની પ્રવેશબંધી હટાવી લેવાની જાહેરાત કરી ત્યારે દેશની જનતાને તેમના મૃત્યુના સમાચાર સાંભળવા મળ્યા. એમને ઝેર અપાયાની પણ શંકા સેવાતી રહી. માતૃભૂમિની મુક્તિ ઝંખતાં આ ક્રાંતિકારીને માતૃભૂમિમાં છેલ્લા શ્વાસ લેવાનુંય સૌભાગ્ય ન સાંપડયું.

  • જિતેન્દ્ર પટેલ