વનમાં ઓપરેશન વિજય

'મારા સાથીઓ, દુશ્મનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. અનેક વાર માર ખાઈને ભાગવા છતાં દુશ્મનો સુધરતા નથી. જરૂર પડે તો નવાં અસ્ત્ર-શસ્ત્ર ખરીદો, વધુ સૈનિકોની ભરતી કરો અને બોર્ડર પર પહોંચી જાઓ. આપણી પ્રજા દુખી દુખી થઈ રહી છે, તે હવે ના ચાલે…'
ભારતી પ્રવીણચંદ્ર શાહ
સાતપુડા પર્વતની લાંબી હારમાળા, અને આ લાંબી હારમાળાની લીલીછમ સુંદર તળેટી હતી. તળેટી પાસેથી રેણુ નદી વહેતી હતી. નદીના નીરનો ખળખળ ધ્વનિ તળેટીને ભરી દેતો. આ તળેટીમાં અનેક નાના-મોટાં જંગલો હતાં. દરેક જંગલનો રાજા તેના નેતૃત્વ હેઠળના જંગલમાં રાજ કરે. પ્રત્યેક જંગલના કાયદા-કાનૂન અલગ હતા. લગભગ બધા જંગલમાં વન્યપશુઓ હળીમળીને રહેતા. બધા એકબીજાના સુખ-દુખના ભાગીદાર બનતા અને મદદ કરતા હતા.
અહીંના જુદા જુદા વનમાં, અલકનંદા વન તેની આગવી પ્રતિભા માટે જાણીતું હતું. અહીંના વિકાસ, સહકાર અને ભાઈચારાની બધે ચર્ચા થતી હતી. અલકનંદા વનના રાજા નરસિંહરાજ સિંહ સમગ્ર વનનો વહીવટ તકેદારીપૂર્વક કરતા હતા. નરસિંહરાજ સિંહની આગવી પ્રતિભા ઊડીને આંખે વળગે તેવી હતી. તેમના અંગત સલાહકાર અને મુખ્યમંત્રી અમુરાજ શિયાળ હંમેશાં નરસિંહરાજની પડખે જ હોય. સમગ્ર વનના બધા સમાચાર તે નરસિંહરાજને પહોંચાડતા હતા. અમુરાજ શિયાળના સૂચન મુજબ નરસિંહરાજ સિંહ વનના વહીવટમાં સુધારા-વધારા કરતા હતા, તેમજ મંત્રી-મંડળની બેઠક બોલાવી ચર્ચાવિચારણા કરતા હતા. નરસિંહરાજ સિંહનું મંત્રીમંડળ પણ ધગશપૂર્વક કામ કરતું હતું. દરેક મંત્રીને સોંપવામાં આવતું કામ કુનેહપૂર્વક કરવું પડતું હતું.
રાજા નરસિંહરાજના ન્યાયતંત્રની બધે ચર્ચા થતી. દરેકને યોગ્ય ન્યાય મળે, કોઈ બેગુનાહને સજા ના થાય તેનું ધ્યાન રાખવામાં આવતું, તથા ગુનેગારને સખત સજા કરવામાં આવતી. સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશ યોગરાજસિંહની કીત ચારેબાજુ ફેલાયેલી હતી. અલકનંદા વનના વન્યપશુનાં બચ્ચાંઓના શિક્ષણ માટે શાળાઓ ખોલવામાં આવી હતી. શિક્ષણની સાથે સાથે વન્યપશુનાં બચ્ચાઓને ઇતર પ્રવૃત્તિ માટે પણ પૂરતી સુવિધા આપવામાં આવી હતી. ગરીબો અને બીમારો માટે દવાખાના, હોસ્પિટલ ખોલવામાં આવ્યા હતાં, તથા ગરીબો માટે રેશનની સગવડ પણ કરવામાં આવી હતી. આવા સુંદર કાર્યોને કારણે અલકનંદા વન પ્રગતિના પંથે આગળ વધી રહ્યું હતું.
સાતપુડાની તળેટીમાં પકીતા નામનું એક નાનું વન હતું. પકીતા વનના રાજામાં રાજ્ય ચલાવવાની કોઈ આવડત ન હતી. વળી તે ખૂબ ઘમંડી હતો. રાજાના સલાહકાર અને મંત્રીઓ મોજમસ્તીમાં જ મસ્ત રહેતા હતા. કોઈને પણ પ્રજાના સુખદુ-ખની ચિંતા ન હતી. મોંઘવારીએ તો માઝા મૂકી હતી. પ્રજાને શાંતિથી ખાવા-પીવાની પૂરી સગવડ પણ મળતી ન હતી. બેરોજગારી ખૂબ વધી હતી. પ્રજા ખૂબ જ પરેશાન હતી. પ્રજાનો વિકાસ રૃંધાયેલો હતો. પ્રજાને ફરિયાદ કરવાનો પણ હક ન હતો, અને ભૂલેચૂકે કોઈ ફરિયાદ લઈને જાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવતો.
અલકનંદા વનના મંત્રીમંડળમાં અમુરાજ શિયાળ, રાયણ રીંછ, વીજુ વાઘ, વાલમ વરુ, જગ્ગુ જિરાફ, હસુ હરણી અને હેમરાજ હાથી જેવા કાબેલ મંત્રીઓ હતાં. આ બધા મંત્રીઓ અવારનવાર પ્રજાની વચ્ચે છૂપા વેશે જઈને તેમના સુખ-દુખ જાણવા પ્રયત્ન કરતાં. બીજી બાજુ, પકીતા વનના મંત્રીઓને માત્ર ખાવા-પીવામાં અને એશઆરામમાં જ રસ હતો. નવરાશ પડે એટલે તેઓ અલકનંદા વનની સરહદ પર જઈને અટકચાળા અને નાના-મોટા છમકલાં કરીને ત્યાં વસતી પ્રજાને પરેશાન કરતા. તેઓ યેનકેન પ્રકારે અલકનંદા વનમાં ઘૂસી જતા અને નાનાં, સુંદર વનબચ્ચાં ઉપાડી જતા, અને જો કોઈ સામે થાય તો તેને ઢાળી દેતા હતા.
પકીતા વનની આવી ક્ર હરકતોથી થાકીને અલકનંદા વનની સરહદના બધાએ વનરાજ નરસિંહરાજ સિંહને ફરિયાદ પહોંચાડી. બસ… નરસિંહરાજનો ક્રોધ તો સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે તત્કાળ દરબાર ભરવાની જાહેરાત કરી. દરબારમાં અમુરાજ શિયાળ, વીજુ વાઘ, રાયણ રીંછ, વાલમ વરુ, જગ્ગુ જિરાફ, હસુ હરણ, હેમરાજ હાથી તથા અન્ય અધિકારીઓ હાજર થઈ ગયા. વનસૈન્યના મંત્રી રિદ્ધુસિંહ અને સૈન્યના વડાઓ પણ આવી ગયા. લાંબી ચર્ચા-વિચારણા બાદ વનરાજ નરસિંહરાજ સિંહ બોલ્યા, 'મારા સાથીઓ, દુશ્મનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. અનેકવાર માર ખાઈને ભાગવા છતાં દુશ્મનો સુધરતા નથી. જરૂર પડે તો નવાં અ-શ ખરીદો, વધુ સૈનિકોની ભરતી કરો અને બોર્ડર પર પહોંચી જાઓ. આપણી પ્રજા દુખી દુખી થઈ રહી છે, તે હવે ના ચાલે… પૂરી તૈયારી સાથે કૂચ કરી દો અને દુશ્મનોને ભોંયભેગા કરો.. જાઓ, ફતેહ કરો!'
'જી હજૂર, અમે યુદ્ધની તૈયારી શરૂ કરી દઈશું.' અમુરાજ શિયાળ બોલ્યું.
'નામદાર, અમારા આ યુદ્ધના મિશનનું નામ…?'લશ્કરના વડા બોલ્યા.
'ઓપરેશન વિજય… વંદે માતરમ્!' વનરાજ નરસિંહરાજ સિંહ બોલ્યા.
સૈન્યના વડા અને અધિકારીઓ ઝપાટાભેર તૈયારીમાં લાગી ગયા. વિદેશી વનમાંથી નવાં ભારે અ-શ મંગાવવામાં આવ્યા અને નવા સૈનિકોની ભરતી કરવામાં આવી. તક મળતાં જ તેમણે પકીતા વન પર હલ્લો બોલ કરી દીધો! અલકનંદા વનના બહાદુર વન્યપશુના લશ્કરે નવાં અ-શનો અને પોતાની પૂરી શક્તિ તથા આવડતનો ઉપયોગ કર્યાે. દુશ્મનો ટપોટપ મરવા લાગ્યા અને જે ઘાયલ થયા તે ભાગવા લાગ્યા. દુશ્મનના કેટલાય સૈનિકો હથિયાર મૂકીને ભાગવા લાગ્યા. પકીતા વનના અણઘડ રાજા, મંત્રીઓ અને અધિકારીઓ ગભરાઈને બંકરમાં સંતાવા લાગ્યા, તેમણે પ્રજાને બેસહારા છોડી દીધી. નરસિંહરાજના બહાદુર સિપાઈઓએ પકીતા વનને ખેદાનમેદાન કરી નાખ્યું અને વિજયપતાકા લહેરાવી વતન તરફ પાછા વળ્યા. તેમણે દુશ્મન સૈન્યને એવો પાઠ ભણાવ્યો કે તેઓ બીજીવાર અલકનંદા વન તરફ નજર પણ નહીં નાખે.
અલકનંદા વનમાં વિજય પ્રાપ્ત કરીને પાછી ફરેલી સેનાનું વનની પ્રજાએ ભવ્ય સ્વાગત કર્યું. રાવણનો પરાજય કરીને શ્રી રામજી અયોધ્યા પાછા વળ્યા ત્યારે જે ખુશીનો માહોલ છવાયો હતો, તેવો જ માહોલ અલકનંદા વનમાં છવાઈ ગયો.
બહાદુર સિપાઈઓનાં સન્માન માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત વન્યપશુઓ માટે ભોજનનો પ્રબંધ કરવામાં આવ્યો. સિપાઈઓને અને અધિકારીઓને યોગ્યતા અનુસાર સુવર્ણચંદ્રક તથા રજતચંદ્રકો એનાયત કરવામાં આવ્યા. જે વન્યપશુઓ યુદ્ધમાં શહીદ થયાં હતાં, તેમને મરણોત્તર ચંદ્રક પ્રદાન કરવામાં આવ્યા અને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ. અલકનંદા વનના વનરાજ નરસિંહરાજ સિંહે બધાના સહકાર બદલ આભાર માન્યો. ચારેબાજુ ખુશીનો માહોલ છવાયો અને પછી બધાં ભોજન કરીને વિખરાયાં.









