એક હાથની તાળી

- 'જીમી આ તું શું કરે છે? આપણે સામે કિનારે છીએ. સ્ટેપી ટાપુ પર છીએ. અખાત ઓળંગી સામે ન્યૂયોર્ક જવાનું છે. સમય થઈ ગયો છે. જો હોડી ઊપડી જશે તો બીજું વાહન નહિ મળે. ટીવીવાળા રાહ જોતા હશે…!'
- બે હાથથી ચઢિયાતી છે, એક હાથની તાળી
- તાલ અનેરો, ધ્વનિ અનેરો, એક હાથની તાળી
- હરીશ નાયક
એક હાથે ટાલ પડે, કંઈ તાળી પડે?
અને જો પડે તો કેવી પડે! તેની જ આ સાચી વાત છે.
અમેરિકાનો એક હાસ્ય કલાકાર થઈ ગયો. નામ તેનું જીમી ડયુરાન્ટ. આપણે તેને જીમી જ કહીશું.
જીમીનું નાક મોટું હતું. એ નાકને લઈને જ લોકો વધુ હસતાં. જીમી કહેતો - 'નાક રાખનારો એટલે કે આટલું લાંબુ નાક રાખનારો હું એક માત્ર કલાકાર છું.' અને લોકો હસી દેતાં.
જીમી સેવાભાવી હતો. હસાવતો ખૂબ, પણ સેવા એનો ધ્યેય.
તેના મિત્રનું નામ સુલિવાન. આપણે તેને સુલિ કહીશું. સુલિ આમ તો પત્રકાર હતો. જીમીના કાર્યક્રમોનું આયોજન સુલિ જ કરતો.
એક એવા જ કાર્યક્રમ વખતે સમય થઈ ગયો. તેઓ ન્યુયોર્ક અખાતની એક હોસ્પિટલમાં હતા. યુદ્ધ ચાલુ હતું. હોસ્પિટલમાં ઘવાયેલા દર્દીઓ હતા. કેટલાક જવાનો લાંબા સમયથી ત્યાં રહેતા હતા. તેમનો ઉપચાર ચાલતો હતો.
જીમી આ ઘાયલ સૈનિકોને જ હસાવતો હતો. સૈનિકો એટલા બધા રાજી હતા કે પોતાનાં દુખ દર્દ ભુલી ગયા હતા.
કાર્યક્રમ લાંબો ચાલ્યો પણ સૈનિકો ધરાતા જ ન હતા. કંઈક આઈટેમો તેઓ ફરીફરીને સાંભળવા માગતા. અને જીમી તેમને સંતોષ આપતો જ.
જ્યારે સુલિવાનની ધીરજ રહી નહિ ત્યારે તે કહે - 'જીમી! આ પછીનો આપણો બીજો કાર્યક્રમ છે. ટીવી પર જીવંત કાર્યક્ર છે. સમય થઈ ગયો છે. આપણે હોડીમાં બેસીને સામે પાર જવાનું છે. જો હોડી ચૂકી જઈશું તો મુશ્કેલી થશે!'
પોતાનું મોટું નાક હલાવી હા કહેતાં જીમી કહે - 'જઈએ દોસ્ત, તરત જઈએ.'
એટલામાં સૈનિકોએ છેલ્લી રચના ફરી સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. જીમીએ ખુશખુશાલ રીતે એ હાસ્યરચનાની પાછી રજૂઆત શરૂ કરી.
એ પૂરી થતાં જ જીમી કહે - 'મારા વહાલા સૈનિકો, મિત્રો! મારી એક ખાસ જોક તો મેં તમને કહી જ નથી…'
સૈનિકો ઉત્સાહમાં આવી જઈને કહે - 'કહો કહો…'
સુલિવાન કહે - 'જીમી આ તું શું કરે છે? આપણે સામે કિનારે છીએ. સ્ટેપી ટાપુ પર છીએ. અખાત ઓળંગી સામે ન્યૂયોર્ક જવાનું છે. સમય થઈ ગયો છે. જો હોડી ઊપડી જશે તો બીજું વાહન નહિ મળે. ટીવીવાળા રાહ જોતા હશે…!' જીમીએ પોતાનું નાક લાંબી રીતે હલાવી દીધું.
અને સૈનિકોને પોતાની તદ્દન નવી હાસ્યકથા કહી.
સૈનિકો તો એવા ખુશ કે ઊછળી ઊછળીને તાળીઓ પાડે!
એ હસવાની કથા પૂરી થઈ તો સૈનિકોએ સિરાફશ કરી - 'દુબારા… દુબારા… વન્સ-મોર' એટલે કે - 'એ જ આઈટેમ ફરી રજૂ કરો.'
જીમી કંઈ તેમને નિરાશ કરે?
તેનું લાંબુ નાક ફરી હાલવા લાગ્યું.
હવે તો સુલિવાનની ધીરજ જરાય રહી નહિ. તેણે જીમીને કહ્યું - 'આપણે સમયની બહાર જઈ રહ્યા છીએ. જો હોડી ઊપડી જશે…'
જીમી કહે - 'દોસ્ત સુલિ! તારી વાત સ્વીકારું છું, પણ જરા પ્રેક્ષકોમાં તો જો…'
પ્રેક્ષકો તાળીઓ પર તાળીઓ પાડતા હતા. કોઈ પગ ઠોકતા, પગે તાલ આપતા, કોઈ માથું હલાવતા, કોઈ જીમીની જેમ જ નાક હલાવી અભિવાદન કરતા.
સુલિવાન કહે - 'આપણો ત્યાંનો કાર્યક્રમ જીવંત છે…'
જીમી કહે - 'આ જીવંત દ્રશ્ય તો તું જો. કેવા એક હાથે તાળી પાડી રહ્યા છે સૈનિકો.'
'એક હાથે તાળી?' સુલિને પણ નવાઈ લાગી.
જીમીએ તેને પ્રેક્ષકો બતાવ્યા. કંઈક સૈનિકો એક હાથવાળા હતા. તેઓ એક હાથ જાંઘ પર કે ખભા પર ઠોકીને અભિવાદન આપતા હતા. પણ બે સૈનિકોની તો વાત જ ન પૂછો.
બંનેના એક એક હાથ ન હતા. દેશને ખાતર એક એક હાથ તેમણે દેશને સમર્પિત કરી દીધો હતો. પણ ખુશીના આવેશમાં જાણે તેમના બંને હાથ સલામત છે. એમ જ તેઓ એક એક હાથે તાળી પાડતા હતા. એક હાથ એક સૈનિકનો, બીજો હાથ બીજા સૈનિકનો. બંને એકબીજા સાથે એકએક હાથ હાથમાં લઈ લઈને તાળીઓ પાડતા હતા.
જીમી કહે - 'દોસ્ત! બે હાથની તાળીના ધન્યવાદ ઘણી વખત સ્વીકાર્યા છે. પણ આ એક હાથની તાળી…! તેમાંય ઘવાયેલા સૈનિકોની …! દેશને એકએક હાથ સમર્પિત કરી ચૂક્યા છે. તેમની…! મારે માટે એ અદ્ભુત દ્રશ્ય છે!'
સુલિવાન શો જવાબ આપે?
તે પણ એક હાથે તાળી પાડવા લાગ્યો.
સૈનિકો તો એક હાથે તાળી પાડતા જ હતા.
અને… જીમીનું એક નાક પણ જાણે કે તાળી પાડતું હતું.
એક હાથે તાળી નથી પડતી, એવું હવે તમે કહી શકશો?
પણ એ તાળી કદાચ દેશને એક એક હાથ આપી દેનારા વીર સૈનિકો જ પાડી શકતા હશે!!




