હવે તો વરસાદ આવશે...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓ મહિમ્ન… તું જોજે ને હવે તો વરસાદ આવશે.
ધખધખતી ગરમીથી સહુ સજીવોને જરૂર રાહત મળશે.
ખેડૂતો બધાય ખેતરોમાં નાનાંમોટાં કામોય કરવા માંડશે,
તે પછીની વાવણીથી ખેતર બધાં, લીલાંછમ થઈને જ લહેરાશે
બરફીલા કરા, અળસિયાં, મખમલી લાલજીવડાં ઠેરઠેર જોવા મળશે,
લાલ છત્રી તારીને કાળી છત્રી મારી, ઓઢીને તે શેરીમાંયે રમાશે.
ખેતરમાં બાજરી, જુવાર, કઠોળ, તલ મગફળી, કંદમૂળ પણ પાકશે,
માનવી, પશુ,પક્ષી, જીવજંતુ, સહુને જરૂર ખોરાક તાજો જ મળશે.
શુદ્ધ હવા, ખોરાક, પાણીએ જ તો, મેઘરાજાના જ જળની છે કમાલ.
ભાઈ, વડીલ એટલે જ કહે - 'જળ એ જ જીવન, એને બગાડાય નહીં.
પાક પાકતા બધા વરસાદના જ પ્રતાપે કોઈથી ય એ તેનો જ ભૂલાય.
માટે સમજો પાણી બગાડનારા,
નહિ તો પોતે દુખી રહીને, બીજો ને દુખી કરશો.'
- પી.ડી.સુથાર
આવ્યો આવ્યો જંગલમાં વરસાદ
આવ્યો આવ્યો, જંગલમાં વરસાદ!
ગર્જ્યાં વાદળ સિંહે પાડી ત્રાડ,
આવ્યો આવ્યો જંગલમાં વરસાદ!
આભ વરસે ધીમી ધારે ન્હાતું આખું જંગલ,
ઘાસની લીલી ચાદર સોહે, જ્યાં જુઓ ત્યાં મંગલ.
દેડકા કરે ગાન, બગલા આપે દાદ,
આવ્યો આવ્યો જંગલમાં વરસાદ!
સિંહની પાછળ સસ્સા દોડે, હાથી પૂંઠે હરણાં,
વાયરા ભેળાં ઝાડ ધૂણતાં ખળ ખળ વહેતાં ઝરણાં.
ઘૂઘવતી નદીઓએ પાડયો સાદ
આવ્યો આવ્યો જંગલમાં વરસાદ!
ટપક ટપકતી ડાળ ઝૂલે, પાંદપાંદડે પાણી,
પંખી બેઠાં જઈ માળામાં, ટૌકે ટૌકે ઉજાણી.
વાદળજીએ આપ્યો કેવો ધરતીને પરસાદ!
આવ્યો આવ્યો જંગલમાં…વરસાદ!
- રમેશ ત્રિવેદી
આવી ઋતુ વરસાદની
રીમઝીમ વરસે ફોરાં-
કે આવી ઋતુ વરસાદની.
આવો બાલુડાં ઓરાં-
કે આવી ઋતુ વરસાદની.
આકાશેથી જાણે મોતીડાં વરસે,
ધરતી, ખેડુ, પશુપંખીડાં હરખે,
નાહે તળાવમાં ઢોરાં-
કે આવી ઋતુ વરસાદની.
મસ્તીમાં મ્હાલી છબછબિયાં કરજો,
ગરમી ભૂલીને ઉમંગો ધરજો,
જો જો ના રહેતાં કોરાં-
કે આવી ઋતુ વરસાદની.
તરસી ધરતીની તરસ છીપાવવા,
ધરતીનાં જીવોની તરસ મીટાવવા,
ઉમંગે વરસે ફોરાં-
કે આવી ઋતુ વરસાદની.
- મણિલાલ જગતમિત્ર
વર્ષાનું સ્વાગત
અમે નાનેરા બાળ, અમે નાનેરા બાળ,
અમે રમતા બાળ, અમે કુદતા બાળ.
અમે વર્ષામાં બા'ર દોડી આવીએ આજ,
અમે વર્ષાને હેતથી વધાવીએ આજ.
આજ વાદળનો ગડગડાટ ધૂમ ધૂમ,
એવો મેહુલિયો નાચે રે રૂમઝૂમ.
અમે નાનેરા….
આજ વિજલડી ચમકે રે ચમ્મ ચમ્મ,
જુઓ વૃક્ષનાં પાન લીલા છમ્મ છમ્મ.
અમે નાનેરા….
હાં રે ઓલ્યા ખેડૂત હસે જે ખડખડાટ.
મેઘાડમ્બર ગાજે રે ભાઈ ગડગડાટ…
અમે નાનેરા…
સાંભળો પશુ -પંખીનો કિલકિલાટ.
માનવ પુષ્પો ખીલ્યાં છે ખિલખિલાટ…
અમે નાનેરા…
-મણિલાલ શ્રીમાળી'મિલન'
વરસાદનું આગમન
નાના નાના છાંટા સાથે,
મોટાં મોટાં વાદળ સાથે,
કેવો પડયો વરસાદ રાત્રે!
કોઈ ના નીકળે ફરવા,
ત્યારે નાવ મૂકી મેં તરવા!
…અને બેઠી પછી હું તો ઘરમાં.
નદીઓ ભરાય, તળાવ ભરાય,
પણ મારું મન કદીય ન ભરાય,
વળી મમ્મી કહે ભીનાં ન થવાય!
પડ! પડ! પડ!
મારું મન કહે, વરસાદ તું પડ!
લીલાંછમ થઈ જાય ઝાડ ને થડ.
રમ! રમ! રમ!
જ્યારે વરસાદ પડે છમ… છમ… છમ!
- રિષ્વી શાહ ઓ રૂપાળાં વાદળાં…
ઓ રૂપાળાં વાદળાં,
કાળાં ડિબાંગ વાદળાં.
તમે ધોધમાર વરસો,
તળાવોને છલકાવો,
માટીની સુગંધ ફેલાવો,
સુંદર વૃક્ષોને નવડાવો,
ઓ રૂપાળાં વાદળાં,
કાળા ડિબાંગ વાદળાં.
તમે ધરતીને ભીંજાવો,
પંખીઓને ગવડાવો,
મોરલિયાને નચાવો,
બાળુડાંને હરખાવો,
ઓ રૂપાળા વાદળા,
કાળા ડિબાંગ વાદળા. - ડૉ. પ્રજ્ઞા કેયૂર પુરોહિત
'શિવપ્રિયા'









