Zagmag

મોન્ટુનું ઘરકામ

By GS Team
25 Jul 20263 mins read
મોન્ટુનું ઘરકામ
  • તારીકાબેને મોન્ટુને ચા બનાવતાં શીખવાડી દીધી. ખાસ તો ગેસ-બર્નર ચાલુ કેવી રીતે કરવાનો અને બંધ કેવી રીતે કરવાનો એ સમજાવ્યું. પછી કચરો કેવી રીતે વાળવાનો, પોતું કેવી રીતે મારવાનું… બધી જ ટ્રેનિંગ આપી દીધી.
  • જતિન ભટ્ટ 'નિજ'

એક વખત મોન્ટુ, એના પપ્પા તરુણભાઈ અને મમ્મી તારીકાબેન ડ્રોઈંગરૂમમાં બેઠાં બેઠાં વાતો કરતાં હતાં.
'મોન્ટુ, હવે તું થોડો સમજણો થયો છે તો થોડું થોડું ઘરકામ શીખી જા, બેટા.'
'હા મમ્મી. તમે જેવું શીખવાડશો એ પ્રમાણે હું શીખી જઈશ.'
તારીકાબેને મોન્ટુની ઘરકામની ટ્રેનિંગ આપવી શરૂ કરી.
'તો બેટા, સૌ પ્રથમ ચા કેવી રીતે બનાવવી ત્યાંથી શરૂઆત કરીએ?'
'હા મમ્મી.'
એટલે તારીકાબેને મોન્ટુને ચા બનાવતાં શીખવાડી દીધી. ખાસ તો ગેસ-બર્નર ચાલુ કેવી રીતે કરવાનો અને બંધ કેવી રીતે કરવાનો એ સમજાવ્યું. પછી કચરો કેવી રીતે વાળવાનો, પોતું કેવી રીતે મારવાનું… બધી જ ટ્રેનિંગ આપી દીધી.
'મોન્ટુ બેટા, તારી બધી જ ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે. હવે કોઈ પણ ટ્રેનિંગ પછી પ્રેક્ટિકલ એક્ઝામ તો આવે જ ને?'
'હા મમ્મી.'
'તો કાલે રવિવાર છે. પપ્પા પણ ઘરે જ છે. તો તારી પ્રેક્ટિકલ એક્ઝામ કાલે… બરાબર બેટા?'
'હા મમ્મી, હું તૈયાર છું પ્રેક્ટિકલ એક્ઝામ માટે.'
સવાર પડી. મોન્ટુની પ્રેક્ટિકલ એક્ઝામ શરૂ થઈ. સૌ પ્રથમ મોન્ટુએ હાથમાં સાવરણી પકડી. મોઢા પર માસ્ક પહેર્યું. બરાબર કચરો વાળવા માંડયો. ભીંતો પરથી જાળાં પણ પાડવા માંડયા. એટલામાં ગરોળી જોઈ. મમ્મી…મમ્મી કરતાં એ ભાગ્યો. પપ્પા-મમ્મી તો પુષ્કળ હસ્યાં.
ત્યાર બાદ વારો આવ્યો પોતું મારવાનો. હાથમાં પોતું લીધું. પાણી ભરેલી ડોલમાં પોતું ઝબોળ્યું, નીચોવ્યું ને પોતું મારવાનું ચાલુ કર્યું.
બાળમિત્રો, મોન્ટુએ લોચો કેવો માર્યો તે હું જણાવું. એ લાદી પર પોતું મારતાં મારતાં આગળ વધ્યો. ખરેખર તો પોતું મારતાં મારતાં પાછળ જવાનું હોય એને બદલે એ આગળ વધ્યો. એટલે થયું શું કે પાછળ એનાં જ પગલાં પડયાં.
આ દૃશ્ય જોઈને પપ્પા-મમ્મી ખડખડાટ હસવા માંડયાં. મોન્ટુને કીધું કે પોતું મારતાં મારતાં આગળથી પાછળ જવાનું હોય!
પછી તો મોન્ટુને પોતું મારતાં પણ આવડી ગયું.
'ચાલો મોન્ટુબેટા, હવે ચા કેવી રીતે બનાવવી એની પ્રેક્ટિકલ એક્ઝામ થઈ જાય?'
'હા, મમ્મી.'
મોન્ટુએ ચા તો બનાવી પણ એકદમ મીઠી. મમ્મીએ કહ્યું, પાછી બનાવ… આ તો કડવી બની ગઈ. કોઈ વખત દૂધ વધારે તો કોઈ વખત પાણી વધારે… એક વખત તો આદુ એટલું બધું નાખ્યું કે ચા તીખી થઈ ગઈ.
'મમ્મી, આ તો આપણું કેટલું બધું દૂધ વપરાઈ ગયું?'
'કશો વાંધો નહીં બેટા, ભલે દૂધ વપરાઈ જાય બેટા, તને આવડી જ જશે… '
એમ કરતાં કરતાં મોન્ટુ સરસ ચા બનાવતાં શીખી ગયો. પછી તો બોર્નવિટા, કૉફી બનાવતાં પણ શીખી ગયો.
'મમ્મી, મારે ચા તો પીવાની નથી તો તમે મને ચા બનાવતાં કેમ શીખવાડી?'
'જો બેટા, એક વસ્તુ યાદ રાખવાની કે શીખેલું કોઈ દિવસ નકામું જાય નહીં.'
'તો મમ્મી, હું હવે ઘરકામની એક્ઝામમાં પાસ ને?'
'હા બેટા.'
આમ મોન્ટુએ ઘરકામની બધી જ પ્રેક્ટિકલ એક્ઝામ પાસ કરી લીધી…