જાદુઈ છત્રી

- 'ના ચિન્ટુ, હું પૃથ્વી પર નહીં વરસું! હું બાળકોથી બહુ જ રિસાયો છું. આજકાલના બાળકો પ્રકૃતિ સાથે રમતાં જ નથી, બગીચામાં દોડાદોડી નથી કરતાં કે ઝાડ-પાનની સંભાળ નથી રાખતાં. તેઓ તો બસ આખો દિવસ ઘરમાં પુરાઈને મોબાઈલ ફોન અને ટીવી જ જોયા રાખે છે!'
- મિતલ કંટારીયા
ચિન્ટુની આંગળી મોબાઈલની સ્ક્રીન પર પાણીના રેલાની જેમ ફરતી હતી. તે એક પછી એક વીડિયો જોવામાં મગ્ન હતો. અચાનક એક વરસાદનો વીડિયો આવ્યો અને તે જોર જોરથી ગાવા લાગ્યો, 'આવ રે વરસાદ… ઘેબરિયો પરસાદ… ઊની ઊની રોટલી ને કારેલાનું શાક…' તે પોતાના દાદાને પણ ઊભા કરીને નચાવવા લાગ્યો. ગીત પૂરું થતાં વળી મોબાઈલમાં વીડિયો જોવા વળગી ગયો. તેના દાદાને આ જોઈને ખૂબ જ જીવ બળતો કે ચિન્ટુ આખો દિવસ મોબાઈલમાં જ રચ્યો-પચ્યો
રહે છે.
દાદાજી તેને મોબાઈલ મુકાવી પોતાના રૂમમાં જૂની પેટીની સાફ-સફાઈ કરવા લઈ ગયા. પેટીમાંથી જૂની લખોટી, ગાડું, ભમરડો વગેરે રમકડાં નીકળતાં ચિન્ટુ તેમાં પરોવાઈ ગયો. અચાનક તેનું ધ્યાન એક છત્રી પર પડયું, જે ચિન્ટુના પપ્પાના બાળપણની યાદગીરી હતી. તે છત્રી ચિન્ટુને ખૂબ જ ગમી ગઈ. તે આખો દિવસ છત્રી લઈને વરસાદનું ગીત ગાવા લાગ્યો. ઘરના બધા લોકોને છત્રીને લીધે હાશકારો થયો કે ચાલો, છત્રીને લીધે ચિન્ટુએ મોબાઈલ છોડી દીધો.
રાત્રે પણ ચિન્ટુ છત્રી સાથે લઈને સૂતો. દાદા સાથે વરસાદની વાતો કરતાં કરતાં ચિન્ટુ મીઠી નીંદરમાં સપનાના દેશમાં પહોંચી ગયો.
સપનામાં તેણે જોયું કે તેના હાથમાં રહેલી એ જૂની છત્રી અચાનક ચમકવા લાગી. એ કોઈ સાધારણ છત્રી નહોતી, પણ એક જાદુઈ છત્રી હતી! ચિન્ટુએ જેવી છત્રી ખોલી, કે એ છત્રી સાથે ઉડવા લાગ્યો. ઉડતો ઉડતો એ સીધો આકાશમાં વાદળોની વચ્ચે પહોંચી ગયો. ચિન્ટુ તો રાજી-રાજી થઈ ગયો. ત્યાં જ આકાશમાં તેની સામે ગુસ્સે ભરાયેલા વાદળ દેવ પ્રગટ થયા.
ચિન્ટુએ પોતાની જાદુઈ છત્રી બંધ કરી અને વાદળ દેવને હાથ જોડીને પૂછયું, 'વાદળ દેવ, વાદળ દેવ, તમે પૃથ્વી પર કેમ વરસતા નથી? નીચે બહુ ગરમી છે, પ્લીઝ વરસી જાઓ ને!'
વાદળ દેવે મોં ફેરવીને ઘેઘૂર અવાજે કહ્યું, 'ના ચિન્ટુ, હું પૃથ્વી પર નહીં વરસું! હું તમારા બધા બાળકોથી બહુ જ રિસાયો છું. આજકાલના બાળકો પ્રકૃતિ સાથે રમતા જ નથી, બગીચામાં દોડાદોડી નથી કરતા કે ઝાડ-પાનની સંભાળ નથી રાખતા. તેઓ તો બસ આખો દિવસ ઘરમાં પુરાઈને મોબાઈલ ફોન અને ટીવી જ જોયા રાખે છે! જો તમને અમારી કોઈ પડી જ નથી, તો મારે શું કામ વરસવું જોઈએ?'
વાદળ દેવની વાત સાંભળીને ચિન્ટુ ખૂબ ઉદાસ થઈ ગયો. તેને પોતાની અને બીજા બધા બાળકોની ભૂલ સમજાઈ ગઈ. તેણે વાદળ દેવ સામે હાથ જોડીને માફ કરવા વિનંતી કરી-
'વાદળ દેવ, પ્લીઝ અમને માફ કરી દો! અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તમને વચન આપું છું કે હું અને મારા મિત્રો આજથી જ ફોન જોવાનું બંધ કરી દઈશું. અમે પ્રકૃતિ સાથે રમીશું, નવા છોડ વાવીશું અને બીજા બધા બાળકોને પણ મોબાઈલ મૂકીને પ્રકૃતિ સાથે સમય વિતાવવા કહીશું. પ્લીઝ વાદળ દેવ, માની જાઓ ને!'
નાનકડા ચિન્ટુને આટલી સાચી નિાથી વાદળને મનાવતો જોઈને વાદળ દેવનો ગુસ્સો શાંત થઈ ગયો. તેમનું દિલ પીગળ્યું અને તેઓ હસી પડયા. તેમણે કહ્યું, 'સારું ચિન્ટુ, તારા વચન પર ભરોસો રાખીને હું ચોક્કસ આવીશ!'
એ જ સમયે જોરદાર વીજળીના કડાકા સાથે ચિન્ટુની આંખ ખૂલી ગઈ. તે જાગી ગયો ત્યારે પણ તેનો હાથ એ જૂની છત્રી પર જ હતો.
ચિન્ટુએ બીજે દિવસે દાદાને આ જાદુઈ સપનાની વાત કહી. દાદાને કહ્યું, 'હવેથી હું મોબાઈલ ક્યારેય જોઈશ નહીં.' અને ઘરની બહાર દોડીને દાદાનો હાથ પકડીને પ્રકૃતિની વચ્ચે રમવા લાગ્યો તથા છોડવાઓને પાણી પાવા લાગ્યો. ચિન્ટુની સાથે તેના મિત્રો પણ જોડાઈ ગયા.
બાળકોને આ રીતે પ્રકૃતિ સાથે રમતા જોઈને વાદળ દેવ રાજી થઈ ગયા. જોતજોતામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. છોકરાઓ ગાવા લાગ્યા-
'આવ રે વરસાદ… ઘેબરિયો પરસાદ… ઊની ઊની રોટલી ને કારલાનું શાક…'




