Zagmag

મેડમ ભિખાઈજી કામા

By GS Team
21 Aug 20268 mins read
TukuTouch Logo
પારસી મહિલા ભિખાઈજી કામાએ 1907માં જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાયેલા વિશ્વ અધિવેશનમાં ભારતનો પ્રથમ ત્રિરંગો ફરકાવ્યો હતો. તેમણે દુનિયાભરના ક્રાંતિવીરોને મળી ભારતની આઝાદીનો મુદ્દો ઉઠાવ્યો હતો. 36 વર્ષ દેશનિકાલ ભોગવી, 1936માં મુંબઈમાં અવસાન પામ્યા. આઝાદીના 12 વર્ષ પહેલાં તેમનું સ્વપ્ન અધૂરું રહ્યું, પણ તેમના પ્રયાસોથી જ ભારતને આઝાદી મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

મેડમ ભિખાઈજી કામા

ભારતની આ પ્રથમ ધ્વજ ફરકાવનાર મહિલાએ તૈયાર કરેલો ત્રિરંગો ઝંડો જ પછી તો કાયમ સુધી ભારતના ક્રાંતિકારીઓને પ્રેરણા આપતો રહ્યો છે. દસકા બાદ ગાંધીજીના ચરખાને ત્રિરંગામાં સ્થાન મળ્યું ત્યાં સુધી તો એ ભારતીય ત્રિરંગો 'ભિખાઈજી ત્રિરંગા' તરીકે જ ઓળખાતો રહ્યો.

  • હરીશ નાયક
    ભાગ ૨
    ૧૯૦૫ થી ૧૯૦૭ની રશિયન ક્રાંતિએ સારાય વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. મહાત્મા ગાંધી ત્યારે દક્ષિણ આફ્રિકામાં હતા. વિશ્વના રાજકારણના અભ્યાસી એવા મોહનદાસ ગાંધીનું એ તરફ ધ્યાન ગયું જ હતું. તેમણે ૧૯૦૫ ઓક્ટોબરની રશિયન રાજકીય હડતાળને 'ભારતે શીખવા જેવો બોધપાઠ' તરીકે ઉલ્લેખી હતી. શીખવાનો અર્થ 'અનુકરણ કરવા' જેવો પણ થઈ શકે. જુલમી ઝારશાહી સામે રશિયાના લોકો જે તાકાત બતાવી રહ્યા છે, એ સામૂહિક તાકાતની ભારતને પણ જરૂર પડશે - બ્રિટિશરો સામે, બ્રિટિશરોને ફગાવી દેવા માટે.
    તેમણે રશિયન ક્રાંતિ વિષે વધુમાં જણાવ્યું હતું - 'જો રશિયન પ્રજાજનો આ બળવામાં ફાવે છે, તો એ માનવીના સમયગાળાનો મોટામાં મોટો વિજય હશે. સદીની એ અભૂતપૂર્વ ઘટના બની રહેશે.'
    વીસમી સદીની શરૂઆતનાં એ વર્ષોમાં પારસી મહિલા ભિખાઈજી જાગી ઊઠી હતી. ખૂબ જ સુખી ઘરની ભિખી અથવા ભિખાઈ દેશની કારમી કરુણતા નિહાળી શકતી જ ન હતી. તેણે પોતાની રીતે ક્યારનીય ક્રાંતિ શરૂ કરી દીધી હતી.
    રશિયન ભાગ્યવિધાતા લેનિનને મળનાર તે પ્રથમ ભારતીય હતી, અને ત્યારે લેનિનનું એટલું નામ ન હતું. હા, તેઓ પહેલાં મજૂર નેતા તરીકે અને પછી રાજકીય નેતા તરીકે નામના મેળવવા લાગ્યા હતા. આક્રમક, જુલમી, દિશા વગરની ઝારશાહીને ફગાવી દેવાના સ્વપ્નને માર્ગે તેઓ પદાર્પણ કરી ચૂક્યા હતા.
    વ્યાપાર, ઉદ્યોગ, વિજ્ઞાાન, રાજકારણ જેવાં તમામ ક્ષેત્રમાં પહેલેથી જ પારસીઓ અગ્રેસર હતા. મુંબઈમાં જન્મેલી ભિખાઈજીનાં લગ્ન જાણીતા ઉદ્યોગપતિ અને વિશ્વનાગરિક શ્રી કે. આર. કામાના પુત્ર રૂસ્તમ કામા સાથે નવી રીતે એટલે કે અત્યંત સાદાઈથી થયાં. નાનપણથી જ સેવાકાર્યને વરેલી ભિખાઈને કામા કુટુંબમાં વધુ સેવાની તક મળી. તેનું મુખ્ય કામ તો ભારતની ગરીબી દૂર કરવાનું હતું. ભૂખે મરતાં બાળકો અને બેસુમાર ઝૂંપડાવાસીઓનું ડુક્કર ડેવું કરૂણ જીવન તે જોઈ જ શકતી નહિ. એ કામ કરવાના અભ્યાસમાં તેને લાગ્યું કે ભારતની ગરીબી મુખ્યત્વે તો ગુલામીને કારણે છે. જ્યાં સુધી બ્રિટિશરોની જોહુકમી સત્તા પરથી દૂર થશે નહિ, ત્યાં સુધી દેશની ગરીબીનો કોઈ ઉપાય નથી. એટલે ભિખાઈ પોતાની બીજી સમાજસેવાની સાથે દેશસેવાને રસ્તે વળી અને આઝાદી તેનું મુખ્ય જીવનસૂત્ર બની રહ્યું. તેણે એ દિશામાં પોતાના વિચારો પ્રદર્શિત કરવા અને દેશને જાગૃત કરવા એક સામાયિક પણ શરૂ કર્યું. કામા પતિ-પત્ની ગરીબી નિવારણ અને આઝાદી બાબતે એક હતા. પણ ભિખાઈજીની તબિયત સારી રહેતી ન હતી એટલે રૂસ્તમજી તેને ધમકાવીને કહેતા - 'પહેલાં તબિયતની કાળજી રાખ. તબિયત તંદુરસ્ત હશે તો દેશસેવા થતી રહેશે.' કામાજીનું કહેવું હતું કે - 'કાચા સ્વાસ્થ્ય સાથે આઝાદીની લડત પણ કાચી સાબિત થશે.'
    અંતમાં એ જ દિવસોમાં ભિખાઈજીએ સ્વાસ્થ્યના ઉપાય માટે ઇંગ્લેન્ડ જવાની જરૂર ઊભી થઈ. જોકે એની દેશસેવાની ધગશ તો એવી ને એવી જ રહી. દરમિયાનમાં લંડનની હોસ્પિટલમાં જ તેની મુલાકાત વિખ્યાત ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થઈ. શ્યામજી બ્રિટનની ભારત જેવા બીજા દેશો પરની હકૂમતને વખોડી કાઢતા. એ માટે બ્રિટનનાં જાણીતાં સામયિકો તથા નિરંતર જાહેર ભાષણો દ્વારા શ્યામજીને સફળતા પણ મળતી હતી. બ્રિટિશરો સામે ચાલીને વર્માજી દ્વારા ભારતનું દ્રષ્ટિબિંદુ જાણવા પ્રયાસ કરતા અને તે માટે ઉત્સુક રહેતાં.
    ભિખાઈજી કામા તથા શ્યામજી કૃષ્ણ વર્માની દોસ્તી થઈ તો બંનેની જોડી જામી ગઈ. બંને પોતાના વિચારો લખીને પ્રદર્શિત કરવામાં એક્કા હતાં તો ભાષણ કરવામાંય તેમની નેમ પ્રભાવશાળી હતી. ઉપરાંત માનવતાભરી સત્ય હકીકત તેઓ રજૂ કરતાં એ તરફ તો બધાંનું ધ્યાન જતું જ.
    એક વખત લંડનના જાહેર હાઈડ પાર્કના મેદાનમાં ભિખાઈજીનું ભાષણ હતું.
    એ ભાષણને એટલી ખ્યાતિ મળી હતી કે હજ્જારો બ્રિટિશરો અગાઉથી જ એ ભારતીય મહિલાને સાંભળવા હકડેઠઠ ભેગા થઈ ગયા હતા.
    હવે હદ થતી જોઈ અને મામલો કાબૂ બહાર જતો નિહાળી બ્રિટિશ સરકારે ભિખાઈજી કામાને લંડનમાં જ પકડી લેવાનું નક્કી કર્યું. એ દિવસો એવા હતા કે એક વખત જો કોઈ ભારતીયની ધરપકડ થઈ જાય તો છૂટવું મુશ્કેલ થઈ પડતું. આઝાદીનું સ્વપ્ન પછી જેલના તોતિંગ સળિયા સાથે સળવળીને સનેપાતમાં ફેરવાઈ જતું એટલે અસ્વસ્થ તબિયત સાથે પણ ભિખાઈજીએ છટકી જવું ઉચિત માન્યું અને એ બહાદુર વીરાંગના ફ્રાન્સ પહોંચી ગઈ. ત્યાં પેરિસને તેણે પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું અને પોતાના નાના સરખા બોર્ડિંગ હાઉસમાંથી જ આ રણચંડી મહિલાએ પૂરા ૩૫ વર્ષ સુધી આઝાદીની અહાલેક જગાવેલી રાખી. પોતાના એ પ્રયાસોમાં તે દુનિયાભરના માથાફરેલ ક્રાંતિવીરોને મળતી રહી અને ભારતનો પ્રશ્ન દુનિયાના છાપરેથી ચગાવતી રહી. ત્યાંથી ફરીથી તેણે 'વંદેમાતરમ્' નામની પત્રિકા શરૂ કરી દીધી અને દુનિયાભરની ક્રાંતિના સમાચારો તે ભારતને પહોંચાડતી રહી. રશિયા, ફ્રાન્સ તથા બીજા દેશોના ક્રાંતિકારીઓના સહયોગથી તે ભારતના ભૂગર્ભવાસી આઝાદવીરોને આર્થિક સહાય પણ પૂરી પાડતી રહી. ભારતમાં રહેવું જે સ્વાતંત્ર્ય યોદ્ધાને માટે મુશ્કેલ થઈ પડતું એ બધાંને તે ફ્રાન્સ બોલાવી લેતી અને પેરિસમાં રહીને એ બધાં ભારતની આઝાદીની ચળવળને વેગમાં મૂકી રહેતાં.
    તેના એ આઝાદીજંગમાં પછી તો વીર સાવરકર, હરદયાળ, શ્યામજી કૃષ્ણવર્મા, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, એમ.પી.ટી. આચાર્ય જેવા કંઈક આમરણ દેશસેવાને વરેલા ક્રાંતિકારીઓ સામેલ થયા. તેઓ મેડમ ભિખાઈજી કામાને તમામ ક્રાંતિની માતા તરીકે નવાજતા અને ભિખાઈજી સાથે વાત કરતી વખતે, 'જી માતાજી' કહીને સંબોધન કરતા.
    પેરિસના વિશ્વ-સંમેલનમાં ભિખાઈજીએ 'ભારતની પ્રથમ ધ્વજ ફરકાવનાર મહિલા'નું બિરૂદ મળ્યા બાદ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ભારત અને ખુદ બ્રિટનમાં તેને લોકો એ જ નામે ઓળખવા લાગ્યા - 'ભારતની પ્રથમ ધ્વજ ફરકાવનાર મહિલા ભિખાઈજીને રશિયાના લેનિન તથા ફ્રાન્સના જીન જોર્સ તો દરેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં હાજર રાખવાનો આગ્રહ રાખતા. મોન્સ્યૂર જીન જોર્સના પ્રયાસોથી જ ભિખાઈજીને ફ્રેન્ચ સોશિયાલિસ્ટ પાર્ટીમાં સ્થાન મળ્યું હતું અને જર્મનીના સ્ટુટગાર્ટ નગરમાં જ્યારે બીજું વિશ્વ અધિવેશન ભરાયું ત્યારે મેડમ ભિખાઈજીને ભારતીય-ફ્રેન્ચ જેવા બેવડા પ્રતિનિધિત્વ સાથે હાજર રહેવાનું સન્માન મળ્યું હતું. સ્ટુટગાર્ટમાં પણ ભિખાઈજી પોતાના સાથીદાર સરદાર રાણા સાથે જ હાજર રહી હતી.
    સ્ટુટગાર્ટમાં મોન્સ્યુર જીન જોર્સે ભિખાઈજીના આગવા ભાષણની વ્યવસ્થા રાખી હતી અને તેને ફ્રાન્સ દ્વારા ભારતીય પ્રતિનિધિત્વ કરનાર મહિલા તરીકે ઓળખાવી હતી. મેડમ ભિખાઈજીએ ત્યાં આગઝરતી ભાષામાં વિશ્વના લોકોને કહ્યું - 'ગુલામોની કેવી દશા થાય છે તે આપ સહુ જાણો છો. અમે અમારી જાતે આઝાદી માટે લડીએ છીએ અને પ્રાણાંત સુધી લડતાં રહીશું. પણ વિશ્વના દેશો જો અમારી સાથે હશે અને તેમની મદદ મળી રહેશે તો અમે જરૂર થોડાં વર્ષ વહેલાં આઝાદ થઈશું.'
    અગાઉના પેરિસ પ્રવચન અને ત્યારબાદના આ સ્ટુટગાર્ટ પ્રવચનથી વિશ્વસ્તરે ભારતીય આઝાદીનો મુદ્દો જોરદાર રીતે ચગ્યો હતો અને દુનિયાના તમામ દેશો બ્રિટિશરોને પ્રશ્ન પૂછવા લાગ્યા હતા કે, 'તમે ભારતમાંથી ખસવા વિશે શું વિચારો છો ?'
    ભારતની આ પ્રથમ ધ્વજ ફરકાવનાર મહિલાએ તૈયાર કરેલો ત્રિરંગો ઝંડો જ પછી તો કાયમ સુધી ભારતના ક્રાંતિકારીઓને પ્રેરણા આપતો રહ્યો છે. દસકા બાદ ગાંધીજીના ચરખાને ત્રિરંગામાં સ્થાન મળ્યું ત્યાં સુધી તો એ ભારતીય ત્રિરંગો 'ભિખાઈજી ત્રિરંગા' તરીકે જ ઓળખાતો રહ્યો.
    વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય તથા હરીન્દ્રનાથના મોઢે બહેન સરોજિનીએ મેડમ કામાની એટલી બધી વાતો સાંભળી હતી કે તે ભિખાઈજીને મળવા અધીરી બની રહી. સરોજિની નાયડુ જ નહિ. દેશના નાના મોટા તમામ નેતાઓ ભિખાઈજીને મળતા, તેમનું માર્ગદર્શન મેળવતા.
    પણ ભિખાઈજી પર બ્રિટિશ સરકારે દેશનિકાલનું જે ફરમાન ફટકાર્યું હરતું તે પૂરા ૩૬ વર્ષ સુધી લાગુ રહ્યું હતું. ચાહવા છતાં ભિખાઈજી કદી ભારત આવી શક્યાં ન હતાં. અંતમાં ભિખાઈજીનું સ્વાસ્થ્ય એટલું નાજુક બની ગયું કે ફરી બેઠાં થવાની કદાચ શક્યતા જ ન રહી. જોકે તેમનો જુસ્સો એવો ને એવો જ કાયમ હતો.
    અંતમાં મરવા માટે જ હશે, કદાચ, તેને ભારતમાં પગ મૂકવાની પરવાનગી મળી. પણ સ્ટ્રેચર પરથી હોસ્પિટલના પલંગ સુધીની જ એ સફર હતી. ધનાઢ્ય કામા કુટુંબ સાથે સંકળાયેલ હોવાથી તે ધારે તેવી સુશ્રૂષા-સવલત મેળળી શકે તેમ હતું. પણ ભિખાઈજીએ જિંદગી સંઘર્ષભરી પસાર કરી હતી. સામાન્ય ભારતીય જનને જે સેવા ન મળી શકે તે સ્વીકારવા આવી કટોકટીમાં પણ તે તૈયાર ન હતી. છેવટે તેના આગ્રહનો સ્વીકાર કરી તેને મુંબઈની બી.ડી.પિટિટ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અને ત્યાં જ ૧૯૩૬ના ઓગસ્ટની ૧૨ મી તારીખે મેડમ ભિખાઈજી કામાએ છેવટની આંખ મીંચી દીધી. તેની સૂચના મુજબ તેના મૃત્યુને કોઈ જાતની હો-હા થી નવાજવામાં આવ્યું ન હતું. હા, મૃત્યુ વખતે ભિખાઈજીની યાદદાસ્ત તૂટવા લાગી હતી. એ જતી યાદદાસ્તની વચમાં પણ પ્રથમ મહિલા હાજર પરિચારિકાઓને એક જ પ્રશ્ન પૂછતી હતી - આપણો દેશ આઝાદ થયો ?
    ડોક્ટરો લાગણીવશ પૂછતાં - 'મેડમ, કેમ છે હવે આપને?' ત્યારે મેડમ સામે પૂછતાં, 'આઝાદી હજી નથી મળી ? કેટલી દૂર છે?'
    મેડમ ભિખાઈજીને કદાચ આઝાદ ભારતમાં થોડીક ઘડી જીવી લેવું હતું. પણ તેનું એ સ્વપ્ન સાકાર ન થયું. જો કે મેડમના પ્રયાસો બાદ બાર વર્ષે ભારતને અચૂક આઝીદી મળીને રહી.
    પ્રથમ ધ્વજ ફરકાવનાર મહિલા ક્રાંતિ વીરાંગના મેડમ ભિખાઈજી કામાના મૃત્યુનો આઘાત વીર સાવરકરને સહુથી વધારે લાગ્યો હતો. તેમણે કહ્યું હતું. શહીદથી પણ જેની કક્ષા ઊંચી હોઈ શકે તેવાં મેડમ ભિખાઈજી કામાના મૃત્યુને જે જોરશોરથી બિરદાવવું જોઈએ તે જોમ અને જુસ્સો મેડમને શ્રદ્ધાંજલિ આપવામાં દેશે, દેશનેતાઓએ, દેશવાસીઓએ દાખવ્યો નથી. શેતાન સ્વરૂપ સલ્તનતના ઘાસને પોતાના દેશદાઝી તણખાથી બાળીને ભસ્મ કરવાની તાકાત ધરાવતી વિદ્યુતવેગી વનિતાને ઓળખવામાં-પારખવામાં તેને ન્યાય કરવામાં આપણે તમામે તમામ લોકો ઊણા ઊતર્યા છીએ.
    વીર સાવરકરે પોતાની રીતની અનોખી શ્રદ્ધાંજલિમાં કહ્યું હતું - પ્રથમ ધ્વજ ફરકાવનાર મહિલાના મૃત્યુને ગાજતું કરીને આપણે ભારતનો ધ્વજ ઘણો વહેલો ફરકાવી શક્યા હોત. આ જ ઘટનાઓ એવી હોય છે કે જે જનમાનસને હચમચાવી નાખી જાગૃત
    કરે છે.
    સાવરકરની વાતને સમર્થન એ રીતે આપી શકાય કે ભિખાઈજીની સંવેદનશીલ શહીદી બાદ તેની યાદમાં ભાગ્યે જ દેશ તરફથી કંઈ કરવામાં આવ્યું. કોઈ પૂતળું નહિ. કોઈ સંસ્થા નહિ, કોઈ યાદગાર ગ્રંથો નહિ, ભાવિ પેઢીને આ મહાન મહિલાનો પરિચય આપતા કોઈ પાઠો નહિ. હવે, પાછળથી મુંબઈ મંત્રાલયના માર્ગને મેડમ ભિખાઈજી કામા માર્ગનું નામાભિધાન થયું હતું.
    …અને ઠેઠ જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન થયા ત્યારે મેડમ ભિખાઈજીનું એ યાદગાર ધ્વજ સાથેનું ચિત્ર કે જે ચિત્રને દુૂનિયાભરમાં નામના મળી હતી, તે સંસદભવનમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું. તારીખ બીજી ઓગસ્ટ ૧૯૮૯ ના રોજ ત્યારના ઉપરાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાળ શર્માએ એ ઐતિહાસિક ચિત્રનું ઉદ્ધાટન કર્યું ત્યારે લોકસભાના અધ્યક્ષ શ્રી બલરામ જાખડ, વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી, માહિતી પ્રસારણ મંત્રી શ્રી હરિકૃષ્ણ ભગત વગેરે હાજર રહ્યા હતા. પણ પ્રથમ ધ્વજ ફરકાવનાર મહિલા વિષેની આટલી વિસ્તૃત માહિતી તો કદાચ તમને અહીં જ મળી રહી છે.
    ગરીબીમાંથી દેશસેવાનો સ્વાંગ રચી, સ્વાતંત્ર્ય-વીર કે વીરાંગના બનીને આઝાદીનું પેન્શન ખાઈ, આઝાદી બાદ અવનવા હોદ્દાઓ સ્વીકારી ધનવાન અને સુખી બનનાર કહેવાતા આઝાદવીરો ઘણા હશે ! પણ પોતાની પાસે જે કંઈ હતું એ તન, મન, ધન સંપૂર્ણપણે દેશને ચરણે ન્યોચ્છાવર કરી દઈ દેશની આઝાદીની જ્યારે કલ્પનાય ન હતી, ત્યારે દેશની ગુલામી તથા ગરીબીની જંજીરો તોડી નાખવાનો ભગીરથ પ્રયત્ન કરનાર આ ભાગીરથી ભિખાઈજીએ સ્વતંત્રતા શતશત યુગો સુધી સાષ્ટાંગ વંદના કરતી રહેશે.