Zagmag

મેડમ ભિખાઇજી કામા

By GS Team
14 Aug 20269 mins read
મેડમ ભિખાઇજી કામા
  • 'ચાલવાની શરુઆત કરો… એકલા હો તો પણ!'
  • એ ત્રિરંગાના નીચેના રંગમાં એક ઝળહળતો સૂર્ય હતો
  • 'આ છે અમારા આઝાદ ભારતનો સ્વતંત્ર ધ્વજ. વિશ્વ મહાનુભાવો! આઝાદ ભારતનો જન્મ થઈ ચૂક્યો છે. ભારતની આઝાદી ઝંખતા શહીદોની શોણિતરંગી પવિત્રતાથી તે પાવન થયો છે. હું આપ સહુને નમ્રપણે વિનંતી કરું છું કે મારા દેશના આ ધ્વજના સન્માનમાં આપ સહુ ઊભા થાવ અને માનવીય સ્વતંત્રતાને સલામ કરો.'
  • હરીશ નાયક

'અમારા લોકો અહીંની કોંગ્રેસમાં પોતાના પ્રતિનિધિ મોકલી શકે તેમ નથી. કેમકે અમારો દેશ અત્યંત ગરીબ છે. પણ મને ખાતરી છે કે એક દિવસ મારો દેશ જરૂર જાગી ઊઠશે અને પોતાના દેશ માટે જી-જાનથી લડી રહેલા રશિયન કોમરેડ્સને અનુસરી, દેશની આઝાદી માટે મોતનો જંગ ખેલી બતાવશે. રશિયા દેશની આઝાદી માટે લડી રહેલા અને આઝાદીને જ એકમાત્ર પ્રાણપ્રશ્ન બનાવી જીવનાર રશિયાના લોકો માટે અમારા ખાસ ધન્યવાદ છે, અમે તેમને નતમસ્તક વંદન પાઠવીએ છીએ.'
આ શબ્દો છે ભારતીય વીરાંગના મેડમ ભિખાઈજી કામાના. ૧૯૦૭માં પેરિસ ખાતેની વિશ્વ-કોંગ્રેસમાં ભિખાઈજીએ વટ અને મગરૂબી સાથે પણ વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ લાચારીવશ ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. પેરિસમાં લાંબા સમયથી દેશનિકાલ ભોગવી રહેલ ભિખાઈજી આ આંતરરાષ્ટ્રીય સર્વદેશીય કોંગ્રેસમાં બીજા ભારતીય સાથી સરદાર એસ. આર. રાણા સાથે હાજર રહ્યાં હતાં. ભારતનું બે જ વ્યક્તિનું આ પ્રતિનિધિત્વ અનોખી રીતે મગરૂર હતું. કેમકે ભારત પર ત્યારે બ્રિટિશ હકૂમત હતી અને ગોરા હાકેમોએ ભારત પર પ્રતિબંધ ફરમાવ્યો હતો કે તેનું કોઈ માનવી આ વિશ્વસંઘમાં હાજર રહી શકે નહિ. ગોરી સરકારનું કહેવું હતું કે ભારતનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. ભારત બ્રિટિશ અમલમાં આવી જાય છે અને બ્રિટન જ આવી વિશ્વ કોંગ્રેસમાં હાજરી આપવી કે નહિ આપવી, તેનો નિર્ણય લઈ શકે છે.
ગોરાઓના ફરમાન મુજબ તો આવા વિશ્વમંચ ઉપર કોઈ ભારતીય પોતાની રીતે હાજર રહે, તે ગુનો બને છે અને તેની પર દેશદ્રોહનો ખટલો ચલાવી શકાય છે. ભારત એ જ બ્રિટન છે અને ભારત બ્રિટનને સંપૂર્ણપણે પરાધીન છે, એવું માનતું બ્રિટન અહીં પોતાની રીતે પોતાનો મત રજૂ કરી શકે છે. એવા સંજોગોમાં સરદાર રાણા અને ભિખાઈજી કામાએ અહીં હાજર રહી તરખાટ મચાવી દીધો તથા વિશ્વના તમામ દેશોનું ધ્યાન પોતાના તરફ આકષત કરી લીધું.
બ્રિટિશ નેતા રામસે મેકડોનાલ્ડને ખબર પડી ગઈ હતી અને તેણે ભિખાઈજીને કોંગ્રેસમાં જતી રોકવા કંઈક જાગતા પ્રયાસો કર્યા હતા. તેણે કેટલાક દેશોને વિનંતી-પત્રો, કેટલાક દેશોને મૈત્રીપત્રો તથા કેટલાક દેશોને ધમકીપત્રો લખી ચેતવણી આપી હતી કે - ભારત જેવો કોઈ દેશ નથી. ભારત બ્રિટિશ સામ્રાજ્યમાં સમાઈ ગયેલું એક બિંદુ છે. તેનો કોઈ પ્રતિનિધિ હોઈ શકે નહિ. જો તેવા કોઈ પ્રતિનિધિને હાજર રાખવામાં આવશે તો તમામ દેશો બ્રિટિશ સામ્રાજ્યના ગુનેગાર મનાશે.
સામ્રાજ્યવાદના પુરસ્કર્તા રૂપે રામસે મેકડોનાલ્ડની ત્યારે ભારે વગ હતી. ત્યારબાદ થોડા જ વખતમાં આ જ શ્રીમાન મેકડોનાલ્ડ બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. પણ આવા વગદાર હાકેમની ધમકીથી સો ટકા જોખમ સાથે અવગણના કરીને ભિખાઈજી તથા રાણા પેરિસ કોંગ્રેસમાં હાજર રહ્યાં હતાં. આવી રીતે હાજર રહેવામાં ભારતને રશિયન નેતાઓ તથા બીજા યુરોપના પ્રતિનિધિઓનો ભારે સાથ મળ્યો હતો. ફ્રાન્સમાં ત્યારે ગરીબોના બેલી મનાતા જીન જોર્સની લોકપ્રિયતા હતી. અને એ મહાનુભાવ જીન જોર્સે પણ ભિખાઈજી તથા રાણાને આ વિશ્વ-કોંગ્રેસમાં હાજર રહેવા જોરદાર મદદ કરી હતી. તેમણે કહ્યું હતું - તમારે જો આઝાદ થવું હોય તો તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ રહી. અને સંખ્યાને કદી મહત્વ ના આપો. તમે માત્ર બે છો તે પૂરતા છો.
ગુલામોના હમદર્દ જીન જોર્સે જ્યારે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે ટાગોરનું 'એકલો જાને રે' ગીત કદાચ પ્રસિદ્ધ ન હતું. 'તમે ભલે એકલા હો, ચાલવાની શરુઆત તમે જ કરો' કહેનાર જીન જોર્સે ભારતની આઝાદીના બે રણબંકા સ્વપ્નસેવીઓ મેડમ ભિખાઈજી તથા સરદાર રાણાને અનુપમ ટેકો આપી દીધો હતો.
ભારતને દુનિયાના તખ્તા પર ખડા કરી દેનાર જે ટેકેદારો હતા તેમાં એક નામ હાઈન્ડમેનનું હતું. શ્રીમાન હાઈન્ડમેન તો બ્રિટનના જ હતા. બ્રિટિશર જ હતા, પણ તેમને બ્રિટનનો સામ્રાજ્યવાદનો સિદ્ધાંત ગમતો ન હતો. સમાજવાદને વરેલા શ્રી હાઈન્ડમેન વ્યક્તિગત માનવીય સ્વતંત્રતાના હિમાયતી હતા. અમુક પ્રકારના સૂચિત માહિતી અને સંદેશાઓ મોકલી આપી તેમણે પણ મેડમ તથા રાણાને દુનિયાના દ્વારે ખડા કરી દીધાં હતાં, કે જેથી દુનિયા તેમને જુએ અને ભારતની વાત ભારતના મુખે સાંભળે. ભારતને મળેલી આ એક ઘણી મહત્વની સુવર્ણતક હતી.
૧૮૫૭નો બળવો નિષ્ફળ ગયા બાદ ભારતને મળેલો આ અણમોલ મોકો હતો. એ પચાસ વર્ષમાં બ્રિટન વધુ ને વધુ સમૃદ્ધ થતું ગયું હતું. ભારત વધુને વધુ ગરીન, લાચાર, વિવશ અને બિચારું બન્યું હતું. ગોરો પંજો ભારતીય પ્રજાજનોના લોહી માંસ શોષી લઈને ભારતને સાક્ષાત્ નર્કાગાર બનાવતો હતો. ભારતીય પ્રજાજનો પણ 'ગોરું શાસન અહનશ' છે માનીને તેની ચમચાગીરીમાં જ રાચવા લાગ્યા હતા. ગોરા ખિતાબો, ગોરા માન-ચાંદ ભારતના લોકોને માટે ગૌરવ મનાવા લાગ્યા હતા. ભારતીય શ્રીમાનો પણ સર, લોર્ડ અને મિસ્ટર બનીને ગુમાન અનુભવતા તથા ગોરા બની ગર્વ અનુભવતા.
ઇસ્ટ ઇઝ ઇસ્ટ વેસ્ટ ઇઝ વેસ્ટ
ધી ટ્વેઈન શેલ નેવર મીટ
પૂર્વ પૂર્વ છે, પશ્ચિમ પશ્ચિમ. બે છેડા કદી મળશે નહિ. તાત્પર્ય કે પૂર્વ ગુલામીને વરેલું છે. આશ્રિત રહેવા સર્જાયેલું છે અને પશ્ચિમ દુનિયાભર પર શાસન કરવા જ નિર્માણ પામ્યું છે. પૂર્વ પશ્ચિમને નમન, વંદન તથા સલામો કરીને જ જીવી શકે. એ સિવાય તેના જીવતા રહેવાનો કોઈ આરો નથી.
એવા પ્રચારગીતો એક બાજુથી બ્રિટિશ કવિ-લેખકો લખતા તો બીજી બાજુ ગોરા ગૌરવગીતો ભારતીય લેખકો-કવિઓ પણ લખવા લાગ્યા હતા. ગોરા હાકેમો તેમને નામ-ઠામ-દામ આપી એવા એવાં ગીતો લખાવી તેને રાષ્ટ્રીય ગીતોનું બિરુદ અર્પતા. એવા ગીતો લખનાર બ્રિટિશ હકૂમતના રાષ્ટ્ર-કવિઓ ગણાતા મનાતા.
બ્રિટિશરોના રાજ્યમાં ભારતીય લોકો કેટલા અનહદ સુખી છે, તેની ગીતગાથા ગુજરાતીમાં પણ શરૂ થઈ ચૂકી હતી. ગોરા ઉપકારનું આ ગીત ત્યારે બેહદ પ્રચાર પામ્યું હતું.
દેખ બિચારી બકરીનો પણ
કોઈ ન જાતાં પકડે કાન
એ ઉપકાર ગણી અંગ્રેજનો !
હરખે હવે તું હિન્દુસ્તાન.
જ્યારે ગોરી સલ્તનતે શામ દામ દંડ ભેદથી ભારતના માનસને સાવ ગુલામી-માનસ બનાવી દીધું હતું, ત્યારે પૃથ્વીના ગોળાની ઉપર ઊભા રહીને સહુને ભારત દર્શન કરાવવાનું માન ભિખાઈજી કામાને ફાળે જાય છે.
એ તારીખ હતી ૧૮ ઓગસ્ટ ૧૯૦૭. ૧૮૫૭ની નિષ્ફળ ક્રાંતિની બરાબર અડધી સદી પસાર થઈ ચૂકી હતી. ત્યારે એ ભડવીર ભારતીય મહિલા ભિખાઈજીએ દુનિયાના લોકો સાંભળે એવા બુલંદ અવાજે કહ્યું હતું - માનવીય આઝાદીને ચાહતા, પસંદ કરતા ઓ દુનિયાના લોકો ! સ્વતંત્રતાને સર્વોચ્ચ સદગુણ લેખતા ઓ સન્માનનીય સમજુ સાથી બિરાદરો ! મારા દેશ વતી, દેશવાસીઓ વતી, હું અત્યંત દર્દભર્યા સ્વરમાં વિનંતી કરું છું કે આપ તમામે તમામ દેશો ભેગા થઈ મારા દેશ ભારતને બ્રિટિશ હકૂમતની ચુંગાલમાંથી છોડાવવા માટે મદદ કરો. આ બ્રિટિશ સકંજો-સાણસો-ફાંસલો એવો જડબેસલાક છે કે અમે તેમાં શ્વાસ પણ લઈ શકતાં નથી. અલબત્ત અમે અમારી રીતે તો એ પ્રચંડ પોલાદી સાંકળને તોડી ફોડીને ફગાવી દેવા પ્રયત્ન કરીશું જ, પણ એ માટે માનવીય સ્વતંત્રતાના ચાહક આપ સહુના મદદ અને ટેકાની પણ અમને જરૂર રહેશે જ.
અનુષ્પુભ એવા અનુપમ શબ્દો સાથે જ મેડમ ભિખાઈજી કામાએ પોતાની સાડી હેઠળ છુપાવી લાવેલ એક બંડલ ઉઘાડયું. એ ભારતીય ત્રિરંગી ધ્વજ હતો. ભારતનો આ અગાઉ કોઈ ધ્વજ ન હતો. પોતપોતાની રીતના ધ્વજનો ભારતીય ક્રાંતિકારીઓ ઉપયોગ કરતા. એ સહુ પ્રથમ ત્રિરંગો મેડમ ભિખાઈજીએ આખી રાત જાગીને બનાવ્યો હતો. પોતાના સાડી બ્લાઉઝમાંથી તેનું સર્જન કર્યું હતું. એનો એકેએક ટાંકો તેણે જાતે લીધો હતો. એના એકએક ટેભામાં તેણે આઝાદીનો શ્વાસ સીવી લીધો હતો. વિશ્વમંચ સમક્ષ રજૂ થયેલા એ ભારતના ધ્વજમાં બરાબર વચ્ચે હિન્દીમાં લખાયેલા શબ્દો હતા - 'વન્દે માતરમ્.'
ત્રણ રંગમાં ઉપરનો કેસરી રંગ હિન્દુઓના પ્રતીક રૂપે હતો, નીચેનો લીલો મુસ્લિમોનો પ્રતીક હતો, વચ્ચેનો ધવલ રંગ શાંતિ-સુલેહ-એકતા માટેનો રંગ હતો. એ સફેદ રંગમાં જ પેલા 'વન્દે માતરમ્' બુલંદ અક્ષરો અંકિત થયા હતા. ત્યારે હિન્દુસ્તાન અખંડ હિન્દુસ્તાન હતું, હિન્દુ-મુસ્લિમ એક થઈને ભારતની આઝાદીનાં સ્વપ્ન જોતાં હતાં. ત્યારે પાકિસ્તાન જેવો શબ્દ જ ન હતો. ત્યારે શ્રીલંકા સિલોન હતું અને ભારતનું જળબિંદુ હતું. ત્યારે મ્યાનમાર ઉર્ફે બર્મા કે બ્રહ્મદેશ ભારતની પૂર્વ સીમા મનાતી, ત્યારે બાંગ્લાદેશ જેવી કોઈ કલ્પના ન હતી. હિન્દુસ્તાનનો નક્શો એટલો વિશાળ બનતો કે પૃથ્વીનો તે છઠ્ઠો ખંડ મનાઈ રહેતો. પણ અફસોસ ! તે ગુલામ હતો. પરાજિત હતો, પરવશ હતો, પરાધીન હતો.
એ ત્રિરંગાના નીચેના રંગમાં એક ઝળહળતો સૂર્ય હતો. બીજનો ચંદ્ર હતો અને ઉપરના ભાગમાં પૂર્ણપણે વિકસિત કમળ-ફૂલોની પેનલ હતી.
ભિખાઈજીએ એ ધ્વજ ભલે રાતોરાત બનાવ્યો હોય, કેમ કે એની વિશ્વમંચની હાજરીની નિશ્ચિતતા જ ન હતી. પણ એ ધ્વજનું સ્વપ્ન એણે વર્ષોથી જોયું હતું. આઝાદીનો ખ્યાલ કરનાર જે કોઈ મરજીવાઓ હતા તેની સાથે એ ધ્વજ વિષે ચર્ચાવિચારણા કરી હતી.
પેરિસ વિશ્વ-સંમેલનમાં જે દેશો હાજર હતા એ તમામ દેશોના ધ્વજો કોન્ફરસન્સ હોલની બહાર ઉપરની બાજુએ ફરફરતા હતા. આજે પણ વિશ્વસંઘની બહાર તમામ દેશોના ધ્વજ એ દેશની માન્યતાઓ સલામ અર્પતા ફરફરે છે. પણ ત્યારના એ સર્વદેશીય સંમેલનમાં ભારતનો કોઈ ધ્વજ ન હતો, કેમકે ભારતની સ્વતંત્ર દેશ તરીકે તો નહિ જ પણ એક અસ્તિત્વ ધરાવતા દેશરૂપે પણ ગણના ન હતી.
હા, તો મેડમ ભિખાઈજી કામાએ પોતાના પાલવ હેઠળથી એ અણમોલ રત્ન બહાર કાઢીને દુનિયા સાંભળે એવા બુલંદ ગર્જનાસ્વરૂપ સ્વરમાં કહ્યું - આ છે અમારા આઝાદ ભારતનો સ્વતંત્ર ધ્વજ. વિશ્વ મહાનુભાવો! આઝાદ ભારતનો જન્મ થઈ ચૂક્યો છે. ભારતની આઝાદી ઝંખતા શહીદોની શોણિતરંગી પવિત્રતાથી તે પાવન થયો છે. હું આપ સહુને નમ્રપણે વિનંતી કરું છું. કે મારા દેશના આ ધ્વજના સન્માનમાં આપ સહુ ઊભા થાવ અને માનવીય સ્વતંત્રતાને સલામ કરો. નમન વંદન કરો. મારા દેશની આઝાદીને માન્યતા બક્ષો. અમને સ્વમાનભેર જીવવાનો અધિકાર અર્પણ કરો.
મેડમ ભિખાઈજી કામાનું બહુ ટૂંકું પણ મુદ્દાસરનું પ્રવચન હતું. એટલા શબ્દો બોલતાં બીમાર ભિખાઈજીનો સ્વર ભરાઈ આવ્યો હતો. તેની આંખમાંથી સાચા અર્થમાં ઝરઝર આંસુ વહેવા લાગ્યાં હતાં.
પણ હજી ભિખાઈજી પોતાના છેલ્લા શબ્દો પૂરા કરે તે પહેલાં જ કોન્ફરન્સનો વિશ્વ સમુદાય ઊભો થઈ ગયો. એકસાથે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા તમામેતમામ દેશે જોરદાર સ્વરૂપે ભારતની આઝાદીના એ પહેલા ધ્વજને સલામ કરી. સલામી સ્વરૂપે કપાળ સુધી પહોંચેલા જમણા હાથની ટટ્ટાર આંગળીઓ ક્યાંય સુધી સ્વતંત્ર ભારતની માન્યતાને અપૂર્વ ગૌરવ સહિત બિરદાવી રહી.
વાચક મિત્રો ! સ્વતંત્ર ભારતને સલામ કરનાર આ મહાનુભાવોમાં એક હતા કોમરેડ લેનિન. શ્રી લેનિન ત્યારબાદ દશ વર્ષ પછી રશિયાના ગાંધી બની રહ્યા. પણ જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ તેમના દેશના એક પ્રતિનિધિ રૂપે હાજર હતા. તેમણે મેડમ ભિખાઈજીના આ સાહસને ભારોભાર બિરદાવ્યું હતું. રશિયાને ઝારશાહીની જુલમી ચુંગાલમાંથી છોડાવતાં લેનિન તથા તેમના સાથીઓને પણ પૂરો દાયકો લાગ્યો હતો. ત્યારબાદ લેનિને પોતાના પ્રસિદ્ધ લેખમાં ભારતના આ બંને પ્રતિનિધિઓને, ખાસ કરીને મેડમ ભિખાઈજી કામાની જવાંમર્દીને વિશેષરૂપે બિરદાવી હતી અને કહ્યું હતું - શું રશિયા કે શું ભારત કે શું આઝાદી ઝંખતા બીજા તમામ દેશો. જો તેમણે આઝાદ થવું હશે તો તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને જાગૃત કરવો પડશે. દુનિયા સમક્ષ પોતાની વાત રજુ કરવી પડશે. એકલી દેશની અંદરની ચળવળથી આઝાદી મેળવવાના પ્રયાસો નહિ ચાલે. દુનિયાના દેશોને આપણા ધ્યેયમાં સામેલ કરવાનું કામ અઘરું છે. સમય માગે તેવું છે, પણ જો એ દિશા સાધી શકાય તો આઝાદી ઘણી વહેલી આવશે. આપણે આંતરિક રીતે આપણી આઝાદી મેળવવા ઝુંબેશ ચલાવીશું તો બીજા દેશો એ આઝાદી આપવા માટે બીજાને ગુલામ રાખનાર દેશોને આઝાદી આપવા તરફ ધકેલશે. તેમને ફરજ પાડશે.
સમયને ઓળખવાથી જ આ બધી ઘટનાઓનું મહત્ત્વ સમજાશે.
કઈ ઘટનાઓ?
(વધુ આવતા અઠવાડિયે…)