Zagmag

આળસુ ચિન્ટુ

By GS Team
3 Jul 20262 mins read
આળસુ ચિન્ટુ

બીના એન. પીઠડીયા 'વૈદેહી'
ચિન્ટુ એક મસ્તીખોર, આળસુ અને તોફાની છોકરો હતો. તે પોતાના માતા-પિતાનું એકનું એક સંતાન હોવાથી તેમના લાડ-પ્યારમાં થોડો બગડી ગયો હતો.
મમ્મી ઘરેથી કોઈપણ કામ સોંપે તો તે ભૂલી જતો. પાછું તેની મમ્મીએ નવેસરથી એનું એ જ કામ તેને શીખવવું પડતું. એની મમ્મી કહેતી કે, 'છોકરાઓને ભણવાની સાથે સાથે ઘરનાં નાના-મોટાં કામ પણ શીખવવાં જોઈએ, જેથી કરીને ઘરકામમાં થોડી મદદ મળી રહે.'
પરંતુ ચિન્ટુ બહુ આળસુ હતો. તે કોઈ પણ કામ સમયસર અને સરખી રીતે કરતો નહોતો. ચિન્ટુને દરેક વખતે સમજાવ્યા પછી પણ તે ભૂલ જ કરતો. બજારમાંથી કોઈ વસ્તુ લેવા મોકલે તો કઈ વસ્તુ અઢીસો ગ્રામ કે પાંચસો ગ્રામ લાવવાની છે, સાબુ કયો લેવાનો છે-એ બધી યાદી સાથે હોવા છતાં પણ તે ભૂલો કરતો હતો. આથી એની મમ્મી કંટાળી ગઈ હતી. તે ચિન્ટુ પર બહુ જ ખીજાતી.
ચિન્ટુની મમ્મી કહેતી, 'તું કેમ આમ કરે છે? તું ખરેખર ભૂલી જાય છે કે હાથે કરીને આવી ભૂલો કરે છે, એ જ કંઈ સમજાતું નથી! ઘરમાં વસ્તુઓ વ્યવસ્થિત મૂકવાની શિસ્ત, કચરો કચરાપેટીમાં જ નાખવો, વસ્તુઓ એની સાચી જગ્યાએ જ મૂકવી, નાહીને કપડાં ધોવા નાખવાં, દરરોજનાં રોજિંદા કામ જાતે કરવાં વગેરે વગેરે… આ બધું તને કઈ રીતે શીખવાડું? એનો કોઈ ઉપાય જડતો નથી.'
દરમિયાન બાજુના ઘરમાં તેની જ ઉંમરનો પીન્ટુ રહેવા આવ્યો. પીન્ટુ ભણવામાં ખૂબ હોશિયાર, ડાહ્યો અને કહ્યાગરો છોકરો હતો. પીન્ટુ અને ચિન્ટુ રોજ મળતા હોવાથી બંને વચ્ચે પાકી મિત્રતા થઈ ગઈ. પીન્ટુ બહુ જ સ્માર્ટ અને સ્ફૂર્તિલો છોકરો. બધું કામ સમયસર કરે. ભૂલ થઈ જાય તો તેમાંથી શીખે અને ફરી તે ભૂલ ક્યારેય ન થાય તેની ખાતરી રાખે. પીન્ટુની સાથે રહીને હવે ચિન્ટુ પણ હોશિયાર થવા લાગ્યો. હવે તેનાથી ભૂલો થવાનું સાવ બંધ થઈ ગયું હતું.
આ જોઈને ચિન્ટુની મમ્મીને ભારે અચરજ અને આનંદ થયાં. તેમનો આળસુ ચિન્ટુ હવે એકદમ મહેનતુ, ડાહ્યો અને હોશિયાર થઈ ગયો હતો!
આને કહેવાય સોબત તેવી અસર. હંમેશા સારા ફ્રેન્ડ્ઝ જ પસંદ કરવા જોઈએ!