Get The App

તરતા બાપુ ડૂબતા બાપુ

એક વખત શીખેલી વાત શું જિંદગીભર યાદ રહે ખરી ? બાળકોએ બાપુની કસોટી કરી. બાપુ જીત્યા કે હાર્યા ?

Updated: Aug 9th, 2019

GS TEAM

Google News
Google News
તરતા બાપુ  ડૂબતા બાપુ 1 - image


'બાપુ ! તમને તરતાં આવડે છે ? બાળકોએ બાપુને પ્રશ્ન પૂછયો. 'નાનપણમાં તરતો હતો,' બાપુએ કહ્યું: પણ પછી વર્ષોથી તર્યો જ નથી. મોકો જ મળ્યો નથી.

'એનો અર્થ કે તમને તરવાનું ભૂલી ગયા છો..' બાળકોએ કહ્યું: ગાંધીજી ચૂપ રહ્યા. બાળકો શોરબકોર કરતા રહ્યા કે, 'બાપુ તરવાનું ભૂલી ગયા છે, તરવાનું ભૂલી ગયા છે.' આગળ ઉપર તો છોકરાં એવું કહેવા લાગ્યા.'બાપુને તરતાં નથી આવડતું, નથી આવડતું.'

બાપુ થોડી વાર ચૂપ રહ્યા. જાણે એ વાત સાચી હોય. હોઠ ઉપર ગંભીર હાસ્ય.

પછી લાકડીને ટેકે એકાએક ઉભા થઈ તેઓ કહે:' ચાલો બતાવું. બાપુ એક વખત જે શીખે છે તે પછી કદી ભૂલતા નથી !

બાળકો કહે:'લાકડી નહિ'

'અરે ગાંડાઓ ! કંઈ લાકડી લઈને હું તરવાનો હતો ? લો' તેમણે કહ્યું: અને લાકડી મૂકી દીધી. ૧૯૨૬ની વાત. બાપુનો સાબરમતીમાં મૂકામ હતો.  સાથે રહેતાં બાળકો સાથે રોજ જ ગોષ્ઠી ગંમત થતી. ત્યારે સાબરમતી બંને કાંઠે ભરપૂર વહેતી. તરવૈયાઓનું જૂથ આવ્યું કિનારે.

નાના મોટા ટાબરિયાઓએ તો ઝંપલાવી દીધું. પાણીમાં કોઈ આમ તરે ને કોઈ તેમ તરે. કોઈ ઉપર આવે ને કોઈ નીચે જાય. કોઈ આડું અટવાયને કોઈ તેડું ફંટાય.

બાપુ તમાશો જુએ. બાપુને મઝા પડે.

પાણીમાંથી છોકરાંઓ કહે:' બાપુ ચાલો, બાપુ બતાવી આવો કે તમને તરતાં આવડે છે. બાપુ હસતા રહ્યા. તો નાનકડાઓએ પાણીમાંથી દાવ પોકાર્યો. 'બાપુ હારી ગયા.

બાપુને તરતાં નથી આવડતું. બાપુ તરવાનું ભૂલી ગયા.

બાપુ કહે:' એમ જોવું છે ?' કહીને તેમણે તો કછોટો માર્યો. પહેલાં પાણીમાં ધીમે ધીમે ઊતર્યા. જાણે તરતાં નથી આવડતું. ડરવાનો દેખાવ કર્યો.

છોકરાઓ કહે:' બાપુ ! તરતા નહિ આવડતું હોય તો પાછા જાવ. નાહક જોખમ ના ઉઠાવશો.'

'જોખમ નહિ ઉઠાવું ? બાપુ કહે: 'એવું મને કહો છો ? ઉભા રહો. લો કરીને બાપુએ ઝંપલાવ્યું પાણીમાં એ તરતા જાય ઓ તરતા જાય. ઘડીમાં હાથ વીંઝે, ઘડીમાં પગ. ઘડીમાં ડાબે તરે, ઘડીમાં જમણે.

છોકરાંઓને મઝા પડી. સ્પર્ધા જ ઝામી ગઈ. પણ બાપુને કોઈ આંબી શક્યું નહિ. બાપુએ એક વખત ઉપર જોયું. આંખ મીંચકારી પછી મોટ્ટો હાથ મારી આગળ નીકળી ગયા.

અને ગયા નીચે પાણીની નીચે,

ઉપરના પાણી ઉપર ફરી વળ્યા,

છોકરાંઓ ડરી ગયા. બૂમો પાડવા લાગ્યા:' બાપુ ગયા, બાપુ ડૂબ્યા ! બચાવો બાપુને કોઈ સાંભળો છો ?'

થોડી જ વારમાં બાપુ બહાર આવ્યા. બીજી જ જગાએથી હસતા હતા. તેઓ કહે ઃ પાણી એક જગાએ ડૂબી, બીજી જગાએ નીકળતાં પણ આવડવું જોઈએ. અને બાપુ વળી ડૂબે શાના ? જે તરે તે તારે. બાળવીરો ! યાદ રાખો, બાપુ એક વખત જે કંઈ શીખે છે. તે કદી ભૂલતાં નથી.'

છોકરાંઓ બહુ રાજી થયા. ખરેખર ! ખુશ થઈ ગયા. બાપુ કહે:' છતાં ધન્યવાદ તમને ભૂલકાંઓ ! મને ખાત્રી થઈ કે હજીય મને તરતાં આવડે છે. ઘણીવાર આપણે એવી ભ્રમણામાં રહીએ છીએ અને ડૂબીએ છીએ, ડૂબાડીએ છીએ. તમે પરીક્ષા લઈ ખાત્રી કરી, કરાવી એ બદલ આભાર. ચાલો મોજથી તરીએ, ફરીથી, જોઈએ કોણ આગળ જાય છે ?'

અને છપ છપ છપાકા તરવાની મોજભરી રમતમાં બાપુ તથા બાળકો ગયા હસતા હસતા !

- હરીશ નાયક

Tags :