Zagmag

હાથથી છડેલી દેશી કમોદ

By GS Team
7 Aug 20263 mins read
હાથથી છડેલી દેશી કમોદ
  • ભગુ આમ તો આખા ગામમાં ભોળો, ઉદાર અને નિષ્કપટ માણસ તરીકે જાણીતો હતો. લોકો તો ત્યાં સુધી કહેતા કે ભગો દુશ્મનને પણ ક્યારેય છેતરે નહીં!
  • વાસુદેવ સોઢા

જગુ અને ભગુ બંને પાકા મિત્રો. જગુ વ્યવસાય અર્થે મોટા ભાગે હૈદરાબાદ જેવા મોટા શહેરમાં રહેતો, પણ વતનનો જીવ એટલે ક્યારેક ધંધુકા આંટો મારી જતો. જગુનું મૂળ ગામ ધંધુકા પાસેનું પીપળી હતું, જ્યાં તે ખેતી પણ કરતો. આ વખતે જ્યારે જગુ વતનમાં આવ્યો, ત્યારે બજારમાં જ એને પીપળીમાં રહેતો ભગુ ભટકાઈ ગયો. બંને મિત્રો ખૂબ હરખથી મળ્યા અને એકબીજાના હાલચાલ પૂછયા. વાતોવાતોમાં જગુએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે એને દેશી પદ્ધતિથી હાથથી છડેલા ચોખા ખાવા છે, જે ગુણવત્તામાં ઉત્તમ હોય અને એની કમોદ (ડાંગર) પણ એકદમ અસલ ભાલિયા ખેતરની હોય તો મજા આવી જાય.
ભગુ આમ તો આખા ગામમાં ભોળો, ઉદાર અને નિષ્કપટ માણસ તરીકે જાણીતો હતો. લોકો તો ત્યાં સુધી કહેતા કે ભગો દુશ્મનને પણ ક્યારેય છેતરે નહીં! જગુ પણ ભગુને આવો જ સીધો-સાદો માનતો હતો. જગુની વાત સાંભળીને ભગુ તરત જ બોલ્યો, 'અરે દોસ્ત! તું ચિંતા શેની કરે છે? મારા ભાલિયા ખેતરમાં પ્યોર કમોદ પાકી છે. હું કહું ત્યારે તું આવીને લઈ જજે અને જાતે જ એના ફોતરાં ઉતારજે. અસલ હાથથી છડેલા ચોખાનો સ્વાદ બજારમાં ક્યાંય નહીં મળે!'
થોડા દિવસો પછી ડાંગર પાકી ગઈ. એક દિવસ ભગુ બજારમાં મળ્યો એટલે જગુએ કમોદ વિશે પૂછયું. ભગુએ હસીને કહ્યું, 'તારા માટે કમોદ તૈયાર જ છે, તું સાંજે મારા ઘરે પીપળી આવીને લઈ જજે.' જગુએ સાથે જવાની ઈચ્છા બતાવી, પણ ભગુએ કોઈ બહાનું કાઢીને ના પાડી દીધી. સાંજ પડતાં જ જગુ હોંશેહોંશે ભગુના ઘરે પહોંચ્યો. ભગુએ પહેલાંથી જ એક કોથળી બાંધીને રાખી હતી, જે એણે જગુના હાથમાં પધરાવી દીધી.
જગુ એ કોથળી લઈને ધંધુકે પોતાના ઘરે આવ્યો. હરખભેર એણે કોથળીનું મોઢું ખોલ્યું, પણ અંદર જોતાં જ એના આશ્ચર્યનો પાર ન રહ્યો! કોથળીમાં ચોખાનો એક પણ દાણો નહોતો, એ તો ચોખા છડી લીધા પછી જે નકામા ફોતરાં વધે, એનાથી આખી ભરેલી હતી! ભગુની આ ચાલાકી જોઈને જગુ ગુસ્સે થવાને બદલે ખડખડાટ હસી પડયો. એ સમજી ગયો કે ભગુ એવું વિચારે છે કે આ તો શહેરમાં રહેનારો છે, એને ખેતીની ચીજમાં શું ભાન પડવાની! પણ જગુ પોતે ખેડૂતનો દીકરો હતો.
જગુ ધારત તો ઝઘડો કરી શકત, પણ એણે ભગુની આબરૂ જાળવવાનું નક્કી કર્યું જેથી એને દુખ પણ ન લાગે અને પોતાની ભૂલનો અહેસાસ પણ થાય. એણે તરત જ ભગુને ફોન લગાવ્યો અને ખૂબ જ સહજતાથી કહ્યું, 'યાર ભગુ! તેં મોકલેલી કમોદ તો એકદમ અદભુત છે હોં! એ હાથથી છડેલા ચોખા રંધાયા ને, એટલે આખા ઘરમાં એની સોડમ વછૂટી ગઈ છે!'
જે ભગાને આખું ગામ સોજ્જો, નિખાલસ અને ભલોભોળો સમજી બેઠું હતું, તે વાસ્તવમાં ભલભલાના કાન કાપી જાય તેવો કપટી નીકળ્યો. પણ જગુએ પોતાની શાણપણ ભરેલી ઉદારતાથી એ લુચ્ચાઈનો એવો મીઠો જવાબ આપ્યો કે ભગુને પોતાની જ નજરમાં નીચા જોવાનો વારો આવ્યો.