Zagmag

લોભ લોભ ! થોભ થોભ !

By GS Team
11 Sep 20262 mins read
લોભ લોભ ! થોભ થોભ !

એક ભિખારી.
શેઠિયાના મોટા મોટા બંગલાઓ જોતો હતો. આગળ વધતો હતો. તેને કોઈએ પાઈ પૈસો આપ્યો નહિ. ત્યારે તે બબડવા લાગ્યો - 'આ શેઠિયાઓ કેટલા લોભી છે. લાલચનો પાર નહિ. પોતાની હવેલીઓ તો વધારે જ જાય છે, પણ ગરીબને એક પૈસોય આપતા નથી…'
હજી તે એવું વિચારતો હતો ત્યાં જ ખનખન ખનખન ખનખન…
તેને કાને રૂપિયાનો અવાજ સંભળાયો.
અને સાચે જ રૂપિયા રણકતા હતા.
એક પરી આવી પહોંચી હતી.
તે કહે - દોસ્ત ભિખારી ! બીજાની ઇર્ષ્યા ન કર. ચાલ તારે જોઇએ તેટલા રૂપિયા હું તને પણ આપું છું. ફેલાવ તારે ઝોળો.
ચાંદીના ચળકતાં ગોળગોળ વજનદાર મૂળાના પતીકા જેવા રૂપિયા.
ભિખારી તો ગાંડો અને ઘેલો બની ગયો. તેણે તો ઝટ કરતો ધર્યો થેલો.
પરી હસી, તે કહે - 'થેલો મજબૂત પકડજે રે માનવી ! અને સમાય તેટલું જ ધન લેજે. યાદ રાખજે કે એક પણ રૂપિયો ઉભરાઈનેે માટીમાં પડશે તો તારૃં બધું જ ધન માટી થઇ જશે.'
ભિખારીનો ઝોળો ભરાતાં વાર કેટલી ?
પરી કહે - 'હવે ભરાઈ ગયો તારો થેલો અલ્યા…'
'હજી થોડાક હ હ…'
પરીએ બીજા રૂપિયા આપ્યા.
'હવે નહિ માય હં ?'
'હેં-હેં, હજી થોડાક આવી જશે.'
છનનન ! પરીએ વધુ રૂપિયા આપ્યા. કહ્યું - 'હવે સંભાળ અલ્યા !'
'બસ થોડાક પરી રાણી, એકદમ થોડા…'
છનનન… ખનનન ! પરીએ તો ભિખારીનો ઝોળો છલકાવી જ દીધો.
'બે-એક રાણી ! બે એક જરૂર આવી જશે.' પરીએ તો રણકાવે રાખ્યા રૂપિયા.
પણ જે વધુ મલકે તે જરૂર છલકે.
રૂપિયા ઝોળામાં માયા નહિ અને ખનખનાટ કરતાં પડયા માટીમાં.
થોડા માટીમાં પડયા કે બધા જ રૂપિયા માટી
થઇ ગયા.
'ઓ પરી… ઓ પરી રાણી…'
ભિખારીએ ઘાંટો પાડયો. પણ ત્યાંન હતા રૂપિયા, ન હતી પરી. આકાશમાં એક રૂપેરી વાદળી દોડી જઇને કહેતી હતી - 'કહું તો હતું કે લોભ નહિ કરતો ! સમાય એટલા જ લેજે. નહિ તો બધા જ રૂપિયા માટી.'
ભિખારી કપાળ કૂટતો રહી ગયો.
તરત તેની નજર શેઠિયાઓના મોટા મોટા બંગલાઓ ઉપર પડી. તે બોલી ઉઠયો - 'આ શેઠિયાઓનો લોભ તો જુઓ…'
પણ પછી તરત જ પોતાની યાદ આવી જતાં તે કહે - 'હા ભાઈ ! લોભ કોને નથી હોતો ? કયો માનવી લોભ વગરનો હોય છે ? લાભ મળે તે લોભ કર્યા વગર રહે છે ખરો ?'
પોતાના એ વિચાર ઉપર હસી દઇને બૂમ પાડી - 'એ આપો આ ભિખારીને કોઈ પૈસો બે પૈસા માઈ બાપ…'