Zagmag

ગણેશજી અને મોદક

By GS Team
11 Sep 20263 mins read
ગણેશજી અને મોદક
  • અર્જુનસિંહ કે. રાઉલજી

કૈલાશ પર્વત ઉપર હજુ તો હમણાં જ સૂર્યનારાયણની સવારી આવી હતી. મંદ મંદ કૂમળો તડકો આખા પર્વતને શ્વેત બનાવી રહ્યો હતો. નાનકડા ગણેશજી પોતાના વાહન એવા પ્રિય ઉંદરડા સાથે બગીચામાં રમી રહ્યા હતા. સાથે મોટાભાઈ કાતકેયજી પણ મસ્તીએ ચડયા હતા. બંને સંતાકૂકડી રમતા હતા અને આનંદથી ગાતા હતા-
નાની મારી સૂંઢાળી કાય
મોદક જોઈ એ તો હરખાય
ઉંદર મારો દોસ્ત રૂપાળો
હું તો છું સૌનો વહાલો.
ગણેશજી ગોળમટોળ, હસમુખા અને સદાય ખુશમિજાજ રહેતા! ગણેશજીને મોદક ખૂબ ભાવતા. તેમના વાહન ઉંદરને પણ મોદક અતિ પ્રિય હતા. એક દિવસ દેવષ નારદ કૈલાશ પર્વત પર આવ્યા અને માતા પાર્વતીને એક દિવ્ય, અુત સુગંધીદાર મોદક ભેટ આપ્યો. આ દિવ્ય મોદક જોઈ કાતકેય અને ગણેશજી બંને તેને મેળવવા હઠ કરવા લાગ્યા. કાતકેયે કહ્યું, 'હું મોટો છું એટલે આ મોદક પર પહેલો અધિકાર મારો છે!'
'ના ભાઈ ના, એમાં મોટા-નાનાનો કોઈ સવાલ જ નથી. હું નાનો છું એટલે દિવ્ય મોદક તો મને જ મળવો જોઈએ!' ગણેશજીએ પણ હસીને પોતાનો દાવો આગળ ધર્યો.
માતા પાર્વતી અને મહાદેવજી બંને ભાઈઓને મોદક માટે આમ મીઠો વિવાદ કરતા જોઈ વિચારમાં પડયાં. પછી એકબીજા સામે સ્મિત કરી તેમણે એક ઉપાય શોધી કાઢયો. શિવજીએ કહ્યું, 'નાના કે મોટાનો કોઈ પ્રશ્ન નથી. તમારા બે ભાઈઓમાંથી જે આખી પૃથ્વીની ત્રણ વાર પ્રદક્ષિણા કરીને પહેલાં કૈલાશ પર્વત પર પાછો ફરશે, તે જ આ દિવ્ય મોદકનો અસલી હકદાર ગણાશે. મોદક તેને જ મળશે અને તેમાં બીજા કોઈનો ભાગ નહીં રહે.'
કાતકેય તો આ સાંભળતાં જ પોતાના હવામાં ઊડનારા વાહન મયૂર પર સવાર થઈ સડસડાટ નીકળી પડયા અને પવનવેગે આકાશમાં ઊડી ગયા. મહાદેવજી અને માતા પાર્વતી તેમને આકાશમાં ઊડતા જોઈ રહ્યાં. ગણેશજીએ પણ મોટાભાઈને પવનવેગે ઊડતાં જોયા. પછી પોતાના વાહન ઉંદરડા તરફ નજર કરી. એક તો પોતાનું આ ભારેખમ શરીર અને પાછું નાનકડું વાહન ઉંદરડું! ત્રણ વાર તો શું, એક વાર પણ પૃથ્વીની પરિક્રમા કરવી
મુશ્કેલ હતી.
ગણેશજી થોડી વાર ગહન વિચારમાં પડયા. તેઓ પોતે કુશાગ્ર બુદ્ધિના સ્વામી હતા. તેમણે પોતાની બુદ્ધિથી તરત જ આ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ શોધી કાઢયો. તેમણે પિતા મહાદેવજી અને માતા પાર્વતીને એક આસન ઉપર સાથે બિરાજવા વિનંતી કરી. પછી થાળીમાં કંકુ-ચોખા અને કરેણનાં સુંદર પુષ્પો લઈ માતા-પિતાની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી. ત્યારબાદ માતા-પિતાને પ્રણામ કરી તેમની ફરતે ત્રણ વાર પરિક્રમા કરી.
પરિક્રમા પૂર્ણ કરી તેઓ ફરી ચરણસ્પર્શ કરી પિતાને ઉદ્દેશીને બોલ્યા, 'આપે જ એક વખત કહ્યું હતું કે સમગ્ર સંસારમાં માતા-પિતાની પરિક્રમા એ પૃથ્વીની પરિક્રમા કરતાં પણ અધિક શ્રે છે. જે સંતાન માતા-પિતાની પરિક્રમા કરી તેમની પૂજા અને સેવા કરે છે, તેને ચાર ધામની યાત્રા કરતાં પણ મોટું પુણ્યફળ મળે છે. માટે મારી પૃથ્વીની પરિક્રમા સંપન્ન થઈ ગઈ!'
મહાદેવજી હસતાં હસતાં બોલ્યા, 'તારી વાત સાવ સાચી છે, ગણેશ! તને આ પરિક્રમાનું ઉત્તમ ફળ અવશ્ય મળશે.'
ગણેશજી મલકાતાં બોલ્યા, 'તો હવે લાવો પેલો મોટો સુગંધીદાર દિવ્ય મોદક!'
માતા પાર્વતીએ દિવ્ય મોદક આપતાં વહાલથી કહ્યું, 'આ મોદક ખરેખર દિવ્ય છે. જે તેને આરોગશે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે.' ગણેશજી અને ઉંદર બંનેએ પ્રેમપૂર્વક મોદક આરોગ્યો, જેના પ્રતાપે આગળ જતાં ગણેશજીનાં રિદ્ધિ-સિદ્ધિ સાથે મંગલ લગ્ન થયાં અને ઉંદરને જીવનભર ગણેશજીની સેવા કરવાનો પરમ અવસર મળ્યો. મોટાભાઈ કાતકેય પૃથ્વીની પરિક્રમા કરીને થાકીને પાછા આવ્યા, ત્યારે તેમણે ગણેશજીના અજોડ બુદ્ધિચાતુર્યની વાત જાણી. તેઓ પણ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે ગણેશજીને ભાવપૂર્વક આશીર્વાદ આપ્યા. સમગ્ર કૈલાશમાં આનંદોત્સવ છવાઈ ગયો અને સૌ સાથે મળીને ગાવા લાગ્યાં-
'માતપિતાને તૃપ્ત કીધા
મોટો દિવ્ય મોદક લીધો
જય ગણેશ , જય ગણેશ
દુર કરે સૌના કલેશ !
જોયું બાળદોસ્તો! દુનિયામાં સૌથી મોટું તીર્થ મા-બાપનાં ચરણો છે. બુદ્ધિ અને બળના સંગ્રામમાં હંમેશાં વિવેકપૂર્ણ બુદ્ધિનો જ વિજય થાય છે. જીવનની એવી કોઈ સમસ્યા નથી, જેનો ઉકેલ બુદ્ધિચાતુર્યથી ન મેળવી શકાય!