નંદનવનમાં ગણેશ મહોત્સવ

- 'પીઓપીની મૂર્તિઓ પાણીમાં ઓગળતી જ નથી, તેથી તેના અવશેષો નદી, તળાવ કે દરિયાકાંઠે રઝળતા રહી જાય છે, જે આપણી ધાર્મિક શ્રદ્ધાને ઠેસ પહોંચાડે છે. આવા ખંડિત અવશેષો જોઈ ઊંડા દુખની લાગણી થાય છે… માટે મહારાજ, પીઓપીની મૂર્તિ આપણે ન જ લાવીએ તો સારું.'
- જતિન ભટ્ટ 'નિજ'
નંદનવનમાં સમ્રાટ સિંહે તાત્કાલિક સભા બોલાવી-
'નંદનવનનાં સમગ્ર પશુ-પંખીઓ… મેં આ સભા તાત્કાલિક એટલા માટે બોલાવી કે ગણેશ ચતુર્થીથી લઈ અનંતચૌદશ સુધી મનુષ્યજાતિ ગણેશ મહોત્સવ મનાવે છે. મારી ઈચ્છા એવી છે કે આપણે બધાં પણ ભેગાં થઈ ગણેશ મહોત્સવ મનાવીએ… તમારા બધાંની શું ઈચ્છા છે?'
બધાં પશુ-પંખીઓ એકસૂરે બોલી ઊઠયાં- 'મહારાજ, અમને બધાંને પણ આ ગણેશ મહોત્સવ ઉજવવાની બહુ જ મજા આવશે… અમારી પૂર્ણ સંમતિ છે, મહારાજ!'
'બસ તો, કામકાજ શરૂ કરી દો!'
બધાં જ પશુ-પંખીઓ ઉત્સાહભેર કામે લાગ્યાં. એક મોટું મેદાન નક્કી કર્યું. વાંસનું સ્ટેજ બનાવ્યું. સ્ટેજ પર જંગલી વેલનાં તોરણ લટકાવ્યાં. બીજાં બધાં તોરણ મેદાનની આજુબાજુનાં ઝાડ પર સામસામે બાંધી દીધાં. ખાખરાનાં પાન લઈ ધ્વજા બનાવી અને વાંસની લાકડીમાં એ ધ્વજા ભેરવી દીધી.
આટલી તૈયારી થઈ ગયા પછી હવે મૂત કેવી લાવવી એના વિશે ફરી સભા ભરાઈ.
સમ્રાટ સિંહ બોલ્યા- 'મારા નંદનવનનાં પ્રિય પશુ-પંખીઓ… તમે આટલું સરસ કામ કરી રહ્યાં છો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન…'
'આભાર મહારાજ!' બધાં પશુ-પંખીઓ એકસાથે બોલી ઊઠયાં.
'હવે મુખ્ય વાત એ આવે છે કે આપણે આપણા લાડકા દૂંદાળા શ્રી ગણેશજીની મૂત કેવી લેવી? બધાં એક પછી એક સૂચનો આપો. પછી મારો નિર્ણય હું છેલ્લે જણાવીશ.'
ગરબડ ગધેડો બોલ્યો- 'મહારાજ, મનુષ્યો દસથી માંડી ત્રીસ-ચાલીસ ફૂટ સુધીની પ્લાસ્ટર ઓફ પેરિસની એટલે કે પીઓપીની મૂતઓ લાવી એની સ્થાપના કરે છે… તો આપણે પચાસ ફૂટની પીઓપીની મૂત લઈ આવીએ!'
પિમ્પો પોપટ કહે- 'મહારાજ, મેં પણ ઊડતાં ઊડતાં આવી મૂતઓ જોઈ છે. થોડી નાની લઈએ તો પણ ચાલે.'
આમ ઘણાં બધાં પશુ-પંખીઓએ પીઓપીની મૂતની તરફેણ કરી. સભામાં કોલાહલ વધવા માંડયો. સમ્રાટ સિંહે હાથ ઊંચો કરી કોલાહલ શાંત પાડયો.
'હજુ કોઈને કાંઈ કહેવું છે?'
'હા મહારાજ,' કહી હક્કા હાથી અને હકી હાથણીનો પુત્ર લડ્ડુ મદનિયું ઊભું થયું.
'પૂજ્ય મહારાજ, હું ભલે તમારા બધાં કરતાં નાનો છું, પણ હું તમને પીઓપીની મૂતથી થતા નુકસાન વિશે વિગતવાર વાત કરવા માગું છું.'
'ભલે લડ્ડુ, તું તારી વાત કર.'
'પૂજ્ય મહારાજ, મનુષ્યો ભલે દેખાદેખીમાં અને સસ્તું પડે એટલે પીઓપીની મૂત લાવે, પણ એનાથી પર્ચાવરણને પારાવાર નુકસાન થાય છે. હું આપ સૌને મુદ્દાસર જણાવું છું.'
થોડું પાણી પીને લડ્ડુ આગળ વાત ચલાવી-
'પહેલો મુદ્દો એ કે પીઓપીનું પાણીમાં સરળતાથી વિઘટન થતું નથી, તેથી તળાવ, નદી કે દરિયામાં તેના અવશેષો જમા થાય છે, જે જળચર પ્રાણીઓ માટે અત્યંત નુકસાનકારક છે. બીજો મુદ્દો એ કે મૂતના અવશેષો અને રંગોમાં રહેલાં રસાયણો પાણીની ગુણવત્તા બગાડે છે. કેટલીક મૂતઓ પરના કૃત્રિમ રંગોમાં ભારે ધાતુઓ અથવા અન્ય ઝેરી રસાયણો હોઈ શકે છે. ત્રીજો મુદ્દો એ છે મહારાજ કે પીઓપીના અવશેષો જળાશયના તળિયે જમા થઈને કુદરતી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. વિસર્જન બાદ પાણીમાં ગંદકી વધે છે, જે પાણીના વપરાશને જોખમી બનાવે છે. ચોથો અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે પીઓપીની મૂતઓ પાણીમાં ઓગળતી જ નથી, તેથી તેના અવશેષો નદી, તળાવ કે દરિયાકાંઠે રઝળતા રહી જાય છે, જે આપણી ધામક શ્રદ્ધાને ઠેસ પહોંચાડે છે. આવા ખંડિત અવશેષો જોઈ ઊંડા દુખની લાગણી થાય છે… માટે મહારાજ, પીઓપીની મૂત આપણે ન જ લાવીએ તો સારું.'
લડ્ડુનું આટલું વિચારપ્રેરક વક્તવ્ય સાંભળી સમ્રાટ સિંહની સાથે બાકીનાં પશુ-પંખીઓ પણ અભિભૂત થઈ ગયાં. સૌએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.
સમ્રાટ સિંહ બોલ્યા- 'લડ્ડુ, તેં ખૂબ જ સરસ સમજાવ્યું! હક્કા અને હકીને અભિનંદન કે તમે લડ્ડુને આટલા સરસ સંસ્કાર આપ્યા. પણ લડ્ડુ, મુદ્દાની વાત એ કે ગણેશજીની મૂત શાની બનાવવી? તારી પાસે કોઈ આઈડિયા છે?'
લડ્ડુએ પોતાની સૂંઢ ઊંચી કરી હર્ષભરી ચિચિયારી પાડી અને બોલ્યોથ 'છે પૂજ્ય મહારાજ, ઉપાય છે… માટીની સુંદર અને નાની મૂત!'
સભામાં ફરી ગણગણાટ થવા માંડયો. સમ્રાટ સિંહે હાથ ઊંચો કરી બધાંને શાંત પાડયાં અને લડ્ડુને આગળ બોલવા ઈશારો કર્યાે.
'પૂજ્ય મહારાજ અને વડીલો! માટીની મૂતનો મોટો ફાયદો એ છે કે કુદરતી માટીની બનેલી હોવાથી પર્યાવરણ પર કોઈ બોજ પડતો નથી. પીઓપીની સરખામણીએ જળપ્રદૂષણનું કોઈ જોખમ રહેતું નથી. વિસર્જન થતાં જ માટી ફરી માટીમાં ભળીને જમીનનો ભાગ બની જાય છે. આ રીતે ધામક શ્રદ્ધા જાળવીને પર્યાવરણનું રક્ષણ પણ થાય છે. મહારાજ અને વડીલો, ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે માટીની મૂત માત્ર પરંપરા નથી, પરંતુ પ્રકૃતિ સાથેનું આપણું પવિત્ર જોડાણ છે.'
સમ્રાટ સિંહ અને અન્ય સૌ પશુ-પંખીઓએ ફરી તાળીઓના ગડગડાટથી લડ્ડુને વધાવી લીધો.
'બસ તો હવે હું, સમ્રાટ સિંહ, આદેશ આપું છું કે ભગવાન શ્રી ગણેશની મૂત શુદ્ધ માટીમાંથી જ બનાવવામાં આવે અને પૂજ્યભાવ સાથે તેની સ્થાપના થાય!'
બસ, પછી તો ભગવાન ગણેશની માટીની સુંદર મૂત બનાવીને તેની સ્થાપના કરવામાં આવી. સવાર-સાંજની સ્તુતિ અને આરતીમાં બધાં જ પશુ-પંખીઓ સાથે સમ્રાટ સિંહ અને શિરી સિંહણ પણ ઉપસ્થિત રહ્યાં.
દસ દિવસ ભક્તિભાવપૂર્વક વીતી ગયા. અનંતચૌદશના દિવસે હાથીઓની આનંદદાયક ચિચિયારી, કુહૂ કોયલની મધુર સીટી, કલબલ કાબરના સ્નેહભર્યા અવાજો તથા સમ્રાટ સિંહ અને શિરી સિંહણની હળવી ગર્જનાઓ વચ્ચે ભગવાન ગણેશની માટીની મૂત સાથે 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નારા લગાવતાં ભવ્ય સરઘસ નીકળ્યું. સૌ નંદિની નામની પવિત્ર નદીના કિનારે પહોંચ્યાં અને અત્યંત ભાવપૂર્વક મૂતનું વિસર્જન કર્યું.
પાછાં વળતી વખતે સમ્રાટ સિંહ અને શિરી સિંહણ સહિત તમામ પશુ-પંખીઓ અત્યંત ભાવુક થઈ ગયાં હતાં અને સૌની આંખોમાં વિદાયનાં આંસુ છલકાઈ રહ્યાં હતાં.




