ગજ્જુની જાદુઇ સફર

- સૂરજદાદા આથમી ગયા અને આકાશમાં તારલા ટમટમવા લાગ્યા. મીઠી દુનિયાની રોનક હવે ઝાંખી પડી અને ચારે તરફ ગાઢ અંધારું છવાઈ ગયું. અચાનક ગજ્જુને પોતાની વહાલી મમ્મી અને હાથીઓના વિશાળ પરિવારની યાદ સતાવવા લાગી.
- બિરેન પટેલ
એક હતો નાનકડો, ભોળો અને નટખટ બાળહાથી. એનું નામ હતું,ગજ્જુ. ગજ્જુની નાની નાની આંખોમાં હંમેશાં અજબનું કુતૂહલ છલકાતું. સૂંઢ વડે કશુંક નવું સૂંઘવાની અને જાણવાની ઉત્સુકતા તેનામાં સદા રહેતી.
એક દિવસ રમતાં રમતાં તે જંગલના છેવાડે પહોંચી ગયો અને અજાણતાં જ એક એવી અનોખી દુનિયામાં ભૂલો પડયો, જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી! આ એક અદ્ભુત જાદુઈ નગરી હતી. અહીં ચારે તરફ લાલ-પીળી જેલીના રસ્તા હતા, ચોકલેટી ટોફી અને મઘમઘતી પેપરમિન્ટના નાના-મોટા પર્વતો હતા. દૂર દૂર સુધી પોપકોર્નનાં દૂધ જેવાં સફેદ વાદળો હસતાં હસતાં ઊડતાં હતાં. વળી, ઠંડા ઠંડા આઇસક્રીમની તો જાણે મસ્તીભરી નદીઓ વહેતી હતી!
ગજ્જુની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને તે વિસ્મયથી બોલી ઊઠયો, 'અરે વાહ! આ વળી હું કઈ અજબ દુનિયામાં આવી પહોંચ્યો?' અને આનંદમાં આવીને મધુર ગીત ગાવા લાગ્યો-
'જેલી જેલી લાલ ને પીળી,
ખાવા લાગે મીઠી મીઠી!
પેપરમિન્ટની લૂમ ને પોપકોર્નના મેઘ,
આઇસક્રીમની નદીઓ વહે,
ક્યાંય નહીં ભેદ!'
ગજ્જુ તો ખુશીથી નાચવા લાગ્યો. તે કૂદીને જેલીના ગાદલા જેવા રસ્તા પર પછડાતો અને ગુલાંટિયાં ખાતો ખડખડાટ હસવા લાગ્યો. તેણે સૂંઢમાં ભરી ભરીને પોપકોર્ન આકાશમાં ઉડાડયાં, જે જાણે સફેદ ફૂલોની વર્ષા થઈ રહી હોય તેવાં લાગતાં હતાં! આઇસક્રીમની પહાડી પરથી લપસણી ખાવાની તો તેને એવી મજા પડી કે તે હરખાઈ ગયો. આખો દિવસ ગજ્જુએ આ મીઠી દુનિયામાં મન મૂકીને મોજ કરી, 'રાઈને ખાધું અને ગીત લલકારતો રહ્યો-
'આખો દિવસ કરીએ મોજ,
જેલી-પોપકોર્નની મસ્તી રોજ.
આઇસક્રીમ ખાઈએ ધરાઈ,
નાચીશું આપણે હરખાઈ!'
ધીમે ધીમે સૂરજદાદા આથમી ગયા અને આકાશમાં તારલા ટમટમવા લાગ્યા. મીઠી દુનિયાની રોનક હવે ઝાંખી પડી અને ચારે તરફ ગાઢ અંધારું છવાઈ ગયું. અચાનક ગજ્જુને પોતાની વહાલી મમ્મી અને હાથીઓના વિશાળ પરિવારની યાદ સતાવવા લાગી. અંધારું થતાં જ તેનો બાળસહજ ડર જાગી ઊઠયો અને તેની આંખોમાં દડદડ આંસુ વહી નીકળ્યાં. તેણે ધૂ્રજતા અવાજે પોકાર કર્યાે, 'મમ્મી… મને મારા ઘેર જવું છે!' અને રડતાં રડતાં તે ગાવા લાગ્યો-
'સાંજ પડી ને થાય અંધારું,
ઘરની યાદ આવે, મારે ઘેર જાવું!
મમ્મીની ગોદમાં જઈને સૂવું,
હવે મારે નથી બીજું કંઈ જોવું!'
ગજ્જુ રડતો રડતો પાછા ફરવાનો રસ્તો શોધવા લાગ્યો. એ જોઈને એક નાનકડી ચકલી ઝાડની ડાળ પરથી ઊડીને આવી અને વહાલથી બોલી, 'અરે ગજ્જુ ભાઈ, રડો છો કેમ? ચાલો, હું તમને રસ્તો બતાવું!'
થોડે આગળ જતાં એક રૂપાળો પોપટ મળ્યો. તેણે પોતાની પાંખો ફફડાવીને આકાશમાંથી સાચો રસ્તો ચીંધ્યો. માર્ગમાં એક ભોળી ભેંસ મળી, જેણે ગજ્જુને પ્રેમથી પોતાની પીઠ પર બેસાડી લીધો. જંગલમાંથી પસાર થતાં રાજા સિંહ અને ચતુર વાઘે પણ કોઈ પણ ડર રાખ્યા વિના હસીને આગળ જવાનો માર્ગ કરી આપ્યો. આ જોઈ ગજ્જુ ઉત્સાહથી ગાવા લાગ્યો-
'ચકલી અને પોપટ બોલ્યાં મીઠાં વેણ,
ભેંસબેન લાવ્યાં સાથે પ્રેમભર્યાં નેણ.
સિંહ ને વાઘે પણ આપી દીધો સાથ,
મળી ગયો પરિવાર ને આવી ગયો હાશ!'
ઝિરાફભાઈ ગજ્જુને નદીકાંઠે લઈ ગયા. ત્યાં એક જાદુઈ નાવડી ઊભી હતી, જેમાં ગજ્જુને પ્રેમપૂર્વક બેસાડવામાં આવ્યો. નાવિક સસલાભાઈએ જ્યાં જાદુઈ હલેસું માર્યું કે તરત જ નાવડી સરસર કરતી ગજ્જુના પરિચિત જંગલના કિનારે પહોંચી ગઈ!
આ તમામ પ્રાણીઓના નિ:સ્વાર્થ સહકારથી ગજ્જુ હસતો-રમતો સુરક્ષિત રીતે પોતાના પરિવાર પાસે પહોંચી ગયો. મમ્મી હાથીએ દોડીને પોતાના વહાલા ગજ્જુને સૂંઢમાં સજ્જડ વીંટાળી વહાલથી ભેટી લીધો. ગજ્જુ ભાવવિભોર થઈ ગયો અને હસીને બોલ્યો, 'દુનિયામાં ભલે ગમે તેટલી રંગીન અને મજાની ચીજો હોય, પણ મમ્મીના હેત અને ખોળા જેવું મીઠું આ જગતમાં બીજું કંઈ જ નથી!'
ગાઢ રાત્રિના અંધકારમાં પરિવારની સ્નેહભરી હૂંફ વચ્ચે ગજ્જુ નિરાંતે મીઠી નીંદરમાં પોઢી ગયો.




