પારકી આશ સદા નિરાશ

- 'ટીટુ બેટા, બીજાની આશા રાખીએ તો હંમેશાં નિરાશ થવું પડે છે. જો સમયસર તેં તારો માળો બનાવ્યો હોત, તો તારે આ મુશ્કેલી ન પડી હોત.'
- કિરણબેન પુરોહિત
સુંદરવન જંગલમાં ટીટુ નામની એક ચકલી રહેતી હતી. ટીટુ ખૂબ મસ્તીખોર અને આળસુ હતી. તેને કંઈ પણ મહેનત કરવી ગમતી નહીં. આખો દિવસ બીજાની પંચાતમાં ટાઈમપાસ કર્યા કરતી.
એક દિવસ કાગડો સૂકાં તણખલાં ભેગાં કરીને એક ઝાડ ઉપર માળો બનાવતો હતો. ટીટુ ચકલી તરત જ પૂછવા ગઈ. ટીટુ કહે, 'કાગડાભાઈ, નવો માળો કેમ બનાવો છો?'
કલ્લુ કાગડાએ કહ્યું, 'હવે થોડા સમયમાં વરસાદ આવશે, એટલે માળો મજબૂત બનાવું છું. તારે પણ તારો માળો મજબૂત બનાવી નાખવો જોઈએ.'
બીજા ઝાડ ઉપર કબૂતર અને બીજાં પક્ષીઓ પણ પોતાનો માળો વ્યવસ્થિત કરી રહ્યાં હતાં. ટીટુ ચકલીએ વિચાર્યું, 'હું શા માટે ખોટી મહેનત કરું? હું તો એકલી જ છું, એટલે વરસાદ આવશે ત્યારે કોઈના પણ માળામાં રહી જઈશ!' તે તો પોતાની મસ્તીમાં ઊડાઊડ કરવા લાગી.
થોડા દિવસ પછી જોરદાર વરસાદ શરૂ થયો. ટીટુનો માળો જૂનો હતો અને જરા પણ મજબૂત નહોતો, આથી તરત જ નીચે પડી ગયો. ટીટુ વરસાદમાં પલળી ગઈ અને
ધૂ્રજવા લાગી.
ટીટુ સૌથી પહેલાં કાગડા પાસે ગઈ. તેણે કાગડાને કહ્યું, 'કાગડાભાઈ, એક રાત માટે મને તમારા માળામાં રહેવા દેશો?'
કાગડો બોલ્યો, 'મારા માળામાં જરા પણ જગ્યા નથી. હું ને મારો પરિવાર જ સમાઈ શકે તેવડો જ આ માળો છે. ટીટુ, મેં તને પહેલાં ચેતવી દીધી હતી કે વરસાદ આવે તે પહેલાં માળો મજબૂત બનાવી લેજે, પણ તેં આળસ કરી.'
ટીટુએ કબૂતરની મદદ માંગી, પણ કબૂતરે પણ ના પાડી દીધી. કોઈએ ટીટુની મદદ ન કરી. ટીટુને ખૂબ ઠંડી લાગવા માંડી. ઝાડની ડાળી ઉપર પાંદડાં નીચે રહેવાનો ટીટુ પ્રયત્ન કરવા લાગી, છતાં પણ બહુ વરસાદ હોવાથી ટીટુ પલળતી હતી. બધાના માળા જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયાં.
એક વૃદ્ધ મીઠ્ઠું પોપટ તેના માળામાંથી ક્યારનોય ટીટુને જોઈ રહ્યો હતો. તે એકલો જ હતો, આથી તેના માળામાં જગ્યા હતી. તેણે ટીટુને તેના માળામાં આશરો આપ્યો.
મીઠ્ઠું પોપટે સલાહ આપતાં કહ્યું, 'ટીટુ બેટા, બીજાની આશા રાખીએ તો હંમેશાં નિરાશ થવું પડે છે. જો સમયસર તેં તારો માળો બનાવ્યો હોત, તો તારે આ મુશ્કેલી ન પડી હોત.'
ટીટુને પોતાની ભૂલ સમજાઈ. તેણે મીઠ્ઠું પોપટનો આભાર માન્યો.
બીજા દિવસે વરસાદ બંધ થતાં જ ટીટુએ મહેનત શરૂ કરી. નાના નાના તણખલાં ભેગાં કર્યાં, પાંદડાં ગોઠવ્યાં અને બે-ત્રણ દિવસમાં સુંદર માળો તૈયાર થઈ ગયો!
ત્યાર પછી તો સુંદરવનમાં જો કોઈ આળસ કરતું, ત્યારે ટીટુ ચકલી તરત જ હસીને બોલતી, 'બીજાની ક્યારેય આશા રાખવી નહીં. આળસ છોડીને આપણે જાતે મહેનત કરવી જોઈએ. યાદ રાખજો, પારકી આશ સદા નિરાશ!'
ટીટુની આ સમજણ જોઈને મીઠ્ઠું પોપટ ખૂબ ખુશ થઈ ગયો.









