Zagmag

રોતડું બચ્ચું

By GS Team
4 Jul 20263 mins read
રોતડું બચ્ચું

ટીચરે હસીને કહ્યું, 'બાળકો, આજે આપણે ભણવાનાં નથી.' આ સાંભળીને બધાં ખુશ થઈ ગયાં. ટીચરે ઉમેર્યું, 'આજે આપણે એકબીજાના મિત્રો બનવાના છીએ.'
ડૉ. પારુલ અમિત 'પંખુડી'

વેકેશન પૂરું થયું. જંગલની મસ્તી શાળા ફરી શરૂ થઈ. વિન્ની વાંદરો, સિગ્ગી સસલો, પોપટ મીઠુ અને સતરંગી ખિસકોલી સવારે ખુશખુશાલ શાળાએ પહોંચ્યાં, કેમ કે તેમની પાસે નવું દફતર, નવી ચોપડીઓ અને નવો કંપાસ હતો. સતરંગી ખિસકોલીએ તો એની પાણીની બોટલ ગળામાં લટકાવી હતી. એને તરસ નહોતી લાગી છતાં એ વારંવાર પાણીની બોટલ ખોલી ટોટીથી પાણી ચૂસ્યા કરતી.
તેઓ શાળાએ પહોંચ્યાં, પરંતુ શાળાના દરવાજા પાસે કંઈક અલગ જ દ્રશ્ય હતું. કેટલાંક નવાં બચ્ચાં આવેલાં હતાં. કોઈ મમ્મીને પકડીને ઊભું હતું, કોઈ રડી રહ્યું હતું, તો કોઈ અંદર જવા તૈયાર નહોતું. એમાં એક નાનું હરણનું બચ્ચું હતું - ગૌરી, જે ભેંકડો તાણીને રડી રહ્યું હતું. 'મારે ઘરે જવું છે… મારે મમ્મી પાસે જવું છે…' તે રડતાં રડતાં બોલતી હતી. તેને જોઈને બીજાં બાળકો પણ રડી રહ્યાં હતાં. તેની મમ્મીએ ઘણું સમજાવ્યું, 'બેટા, થોડી વાર પછી તને અહીં મજા આવશે.' પણ ગૌરીનું રડવાનું બંધ થતું નહોતું.
ઘંટ વાગ્યો. બધાં બાળકો વર્ગમાં ગયાં. ગૌરી પણ ધીમે ધીમે અંદર ગઈ, પણ તેનું મન તો ઘરે જ હતું. થોડીવાર પછી શિક્ષિકા કોયલબેન વર્ગમાં આવ્યાં. તેમનો અવાજ ખૂબ મીઠો હતો. ટીચરે હસીને કહ્યું, 'બાળકો, આજે આપણે ભણવાનાં નથી.'
આ સાંભળીને બધાં ખુશ થઈ ગયાં. ટીચરે ઉમેર્યું, 'આજે આપણે એકબીજાના મિત્રો બનવાના છીએ.'
પછી તેમણે એક સરસ રમત રમાડી. દરેક બાળકને પોતાનું નામ અને પોતાની ગમતી વસ્તુ કહેવાની હતી.
વિન્ની બોલ્યો, 'મને કેરી ખાવી ગમે છે.'
સિગ્ગી બોલ્યો, 'મને દોડવું ગમે છે.'
સતરંગી બોલી, 'મને ઝાડ પર ચઢવું ગમે છે.'
હવે ગૌરીનો વારો આવ્યો. તે ધીમેથી ઊભી થઈ, 'મારું નામ ગૌરી છે…' એટલું બોલી તે ફરી રડવા લાગી. વિન્ની ટીખળ કરતાં બોલ્યો, 'રોતડું બચ્ચું ગૌરી!'
આ સાંભળી બધાં હસવા લાગ્યાં. ગૌરી કહે, 'હું રોતડું બચ્ચું નથી, હું ડાહ્યું બચ્ચું છું અને મને ફૂલો ગમે છે, એની માળા બનાવવી ગમે છે.'
બધાએ તાળીઓ પાડી. પહેલી વાર ગૌરીના ચહેરા પર નાનું સ્મિત આવ્યું.
રિસેસ પડી. વિન્ની અને સિગ્ગી ગૌરી પાસે આવ્યા, 'તું અમારી સાથે રમીશ?'
ગૌરીએ ના પાડવા માટે માથું હલાવ્યું, પણ સતરંગીએ તેનો હાથ પકડી લીધો અને તેની વોટર બેગમાંથી એને પાણી પીવડાવ્યું, 'ચાલ ને… બહુ મજા આવશે.'
થોડીવારમાં ગૌરી પણ તેમની સાથે દોડવા લાગી, હસવા લાગી, રમવા લાગી અને ધીમે ધીમે પોતાનું રડવાનું ભૂલી ગઈ.
બીજા દિવસે ગૌરી ફરી શાળાએ આવી. આ વખતે તે રડી નહોતી. ત્રીજા દિવસે તો તે સૌથી પહેલાં શાળાએ પહોંચી ગઈ. કોયલબેને પૂછયું, 'અરે! હવે તો તું રડતી નથી?'
ગૌરી હસીને બોલી, 'કારણ કે હવે અહીં મારા મિત્રો છે!'
થોડા દિવસો પછી શાળામાં એક નવો વિદ્યાર્થી આવ્યો. તે હતું નાનું રીંછ. તે પણ દરવાજા પાસે ઊભો ઊભો રડી રહ્યો હતો. હવે ગૌરી તેની પાસે ગઈ. તે બોલી, 'ડરતો નહીં, હું પણ પહેલા દિવસે બહુ રડતી હતી.'
રીંછે આંસુ લૂછયાં, 'ખરેખર?'
'હા, પણ હવે તો અહીં મારા ખૂબ બધા મિત્રો છે.'
પછી ગૌરી તેને અંદર લઈ ગઈ. બધાએ તેનું હસીને સ્વાગત કર્યું. થોડીવાર પછી રીંછ પણ સ્મિત કરતો હતો. કોયલબેન દૂરથી આ બધું જોઈ રહ્યાં હતાં. તેમણે કહ્યું, 'વાહ! આજે તમે ખૂબ મોટું કામ કર્યું - એક રડતા બચ્ચાના ચહેરા પર સ્મિત લાવવાનું કામ!'
આ સાંભળીને બધાં બચ્ચાં રાજી રાજી થઈ ગયાં…