Zagmag

ગોળમટોળ લાડુ

By GS Team
11 Sep 20262 mins read
ગોળમટોળ લાડુ
  • ચીંકી કીડી બાજોઠ પાસે ગઈ અને પોતાની સાથી કીડીઓને બૂમ પાડીને બોલાવી લીધી. સૌ ભેગાં મળીને નીચેથી માર્ગ બનાવી લાડુને આગળ ધકેલવા લાગ્યાં. થોડી જ વારમાં લાડુ ખસી ગયો અને ફરી બહાર આવીને ગોળ ગોળ ફરવા લાગ્યો!
  • ડૉ. પારુલ અમિત 'પંખુડી'

સુંદરપુર જંગલની નજીક આવેલા નાનકડા ગામમાં ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારની ઉજવણી હતી. આખું ગામ રંગબેરંગી ફૂલોથી, તોરણોથી અને દીવડાઓથી સજાવવામાં આવ્યું હતું. દરેક ઘરમાંથી મોદક અને લાડુની મીઠી સુગંધ આવતી હતી.
ગામના ચોકમાં ગણેશજીની સુંદર મૂત સ્થાપિત કરવામાં આવી. બધાં બાળકો ખુશીથી બોલતાં હતાંથ 'ગણપતિ બાપ્પા મોરિયા!'
એ જ જંગલમાં એક નાનો ઉંદર રહેતો હતો. તેનું નામ હતું મોટુ. મોટુને લાડુ ખૂબ જ ભાવતા. જ્યાંથી લાડુની સુગંધ આવતી, ત્યાં તેનું નાક તરત જ ફફડવા લાગતું!
'અરે વાહ! આજે તો લાડુ ખાવાની મજા આવશે!' મોટુ ખુશ થઈને બોલ્યો.
મોટુ ગણેશજીના મંડપ પાસે પહોંચ્યો. ત્યાં એક મોટો, સુંદર અને ગોળમટોળ લાડુ પ્રસાદ તરીકે રાખવામાં આવ્યો હતો. મોટુએ લાડુ જોયો અને તેની આંખો ચમકી ઊઠી.
'આ લાડુ તો મારે એકલાએ જ ખાઈ જવો જોઈએ!' એમ વિચારીને તેણે લાડુને ધક્કો માર્યો. પણ લાડુ એટલો મોટો હતો કે મોટુ તેને હલાવી પણ ન શક્યો!
ત્યારે ત્યાંથી જંગલનો મોટો હાથી ગજરાજ પસાર થતો હતો. મોટુએ કહ્યું, 'ગજરાજભાઈ, ગજરાજભાઈ! મને આ લાડુ થોડો ખસેડવામાં મદદ કરશો?'
ગજરાજ હસ્યો અને બોલ્યો, 'હા, જરૂર!'
હાથીએ પોતાની સૂંઢથી લાડુને ધીમેથી ધક્કો માર્યો. લાડુ ગોળ ગોળ ગોળ ગોળ ફરવા લાગ્યો. પણ અચાનક લાડુ મૂત મૂકેલા બાજોઠ નીચે અટકી ગયો.
ત્યાં જ એક નાની કીડી આવી. તેનું નામ હતું ચીંકી.
ચીંકીએ કહ્યું, 'તમે બંને આટલા મોટા અને શક્તિશાળી છો, છતાં લાડુ બહાર નથી કાઢી શકતા?'
મોટુ હસીને બોલ્યો, 'તું નાનકડી કીડી! તું અમને શું મદદ કરવાની?'
ચીંકીએ કહ્યું, 'કેમ નહીં!'
ચીંકી કીડી બાજોઠ પાસે ગઈ અને પોતાની સાથી કીડીઓને બૂમ પાડીને બોલાવી લીધી. સૌ ભેગાં મળીને નીચેથી માર્ગ બનાવી લાડુને આગળ ધકેલવા લાગ્યાં. થોડી જ વારમાં લાડુ ખસી ગયો અને ફરી બહાર આવીને ગોળ ગોળ ફરવા લાગ્યો!
મોટુ આશ્ચર્યથી બોલ્યો, 'અરે વાહ ચીંકી, તું તો બહુ કામની નીકળી!'
ગજરાજ બોલ્યો, 'સંસારમાં કોઈ નાનું કે મોટું નથી હોતું, દરેકની પોતાની ખાસ શક્તિ હોય છે.'
એટલામાં ગણેશજીના પૂજારી ત્યાં આવ્યા. ત્રણેયને લાડુ પાસે જોઈને હસ્યા અને બોલ્યા, 'આ લાડુ એકલા ખાવાનો નથી. પ્રસાદ હંમેશાં સૌ સાથે વહેંચીને ખાવાનો હોય!'
મોટુને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે કહ્યું, 'હા, હવે આપણે બધાં સાથે મળીને જ ખાઈશું.'
ગજરાજ, મોટુ, ચીંકી અને તેના સાથીઓએ સાથે મળીને લાડુના નાના નાના ટુકડા કર્યા અને જંગલનાં બીજાં પ્રાણીઓ વચ્ચે વહેંચ્યા.
બધાં ખુશીથી એકસૂરે બોલી ઊઠયાં-
'એક, બે, ત્રણ, ચાર…
ગણપતિ છે સુપરસ્ટાર!'