Zagmag

ચબરાક જય

By GS Team
28 Aug 20265 mins read
ચબરાક જય
  • લાખો રૂપિયા એકઠા થઈ જતાં ધંધો સમેટી બીજે દિવસે વહેલી સવારે નાસી જવાની બંને ભાગીદારોએ પેરવી કરી હતી.
  • પેલી વ્યક્તિઓની વાતચીત તરફ તેણે કાન ખુલ્લા રાખ્યા. વાતચીત સાંભળી જય ચોંક્યો - તમિલ ભાષામાં વાતચીત થતી હતી!
  • ભૂપેન્દ્ર ત્રિવેદી 'સ્વયંભૂ'

જ ય શહેરની પ્રખ્યાત શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતો તરવરિયો અને હોશિયાર કિશોર હતો. અભ્યાસની સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં તે રસ લેતો. તે તેના મિત્રો સાથે સાયકલ લઈ શાળાએ જતો-આવતો. શાળાનો સવારનો સમય હોવાથી શાળાએ જતાં રસ્તે ઓછી ભીડ અને વાહનવ્યવહાર જરાતરા જોવા મળતો, પરંતુ બપોરે શાળાએથી પરત ઘર તરફ આવતાં બજારો ખૂલી ગઈ હોવાથી રસ્તા ઉપર ખૂબ ભીડ જોવા મળતી અને વાહનવ્યવહાર પણ વિશેષ રહેતો. તેથી તે કાળજીપૂર્વક ધીમી સાયકલ ચલાવતો. તેની નિરીક્ષણ શક્તિ અુત હતી, તેથી કંઈક નવું જોવા મળે તો તેના મગજમાં તેની નોંધ લેવાતી. શાળાની નજીક ચાર રસ્તા પાસે ખુલ્લા મેદાનમાં અવારનવાર મેળાઓ, પ્રદર્શનો તથા તરેહ-તરેહની વસ્તુઓના વેચાણના સ્ટોલ લાગતા. સમય મેળવી તે ત્યાં જઈ બધું જોઈ આવતો અને ઘરે જઈ તેની મમ્મીને તેના વિશે વિગતે જણાવતો.
શિયાળાની શરૂઆતમાં તે મેદાનમાં સ્ટીલનાં વાસણોનું એક પ્રદર્શન અને વેચાણનો મોટો સ્ટોલ ઊભો કરાયો હતો. બાજુમાં બાળકો માટે રમતગમત અને મનોરંજનનો મેળો પણ શરૂ થયો હતો. આથી સાંજના સમયે નાનાં બાળકો સાથે વાલીઓની હાજરી ખૂબ રહેતી હતી. શાળાએ જતાં-આવતાં જયના ધ્યાને તે બાબત આવી હતી, પરંતુ શાળામાં પરીક્ષા ચાલુ હોવાથી ત્યાં રૂબરૂ જઈ શકાયું નહોતું.
પરીક્ષા પૂરી થયા બાદના દિવસે શાળામાં એક નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જે અગિયાર વાગ્યે પૂરો થતાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી. તેથી ઘરે પરત જતાં સમયે મળેલા સમયનો લાભ ઉઠાવી જય મેદાનમાં પ્રદર્શન અને બાળમેળો જોવા ગયો. બાળમેળો બહારથી જ નિહાળી તેણે રવિવારે રજાના દિવસે મમ્મી-પપ્પા સાથે ત્યાં આવવાનું વિચાર્યું. ત્યારબાદ તે પ્રદર્શન જોવા ગયો. ત્યાં અનેક પ્રકારનાં સ્ટીલનાં વાસણો સુંદર રીતે ગોઠવાયેલાં હતાં. એક કાઉન્ટર પર વાસણોની ખરીદીના પૈસા જમા કરાવવા લોકોની ભીડ હતી, તો બીજા કાઉન્ટર પરથી અગાઉ જમા કરાવેલી રકમ સામે પોતાનાં મનપસંદ વાસણો લઈ જતા લોકો નજરે પડતા હતા. વિશેષ કશું જોવાનું ન મળતાં જય ઘરે જવા પ્રદર્શનના ગેટ બહાર નીકળ્યો. ત્યાં બહાર બે વ્યક્તિઓ ગુજરાતી સિવાય અન્ય ભાષામાં વાતચીત કરતી નજરે પડી. ભાષા થોડી જાણીતી લાગી, તેથી પેલી બંને વ્યક્તિઓને જાણ ન થાય તે રીતે બહાર મૂકેલું બોર્ડ વાંચતો હોય તેમ તે ઊભો રહ્યો. પેલી વ્યક્તિઓની વાતચીત તરફ તેણે કાન ખુલ્લા રાખ્યા. વાતચીત સાંભળી તે ચોંક્યો - તમિલ ભાષામાં વાતચીત થતી હતી!
જયના પિતા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ પદે નોકરી કરતા હતા, તેથી સમયાંતરે તેમની બદલી અલગ-અલગ શહેરોમાં થતી રહેતી. બે વર્ષ અગાઉ તેઓ ચેન્નાઈ ખાતે ફરજ બજાવતા હતા. જયે ત્યાં ધોરણ-૫ અને ૬નો અભ્યાસ કર્યાે હતો. ત્યાં શાળામાં અભ્યાસ કરતા અન્ય પ્રદેશના વિદ્યાર્થીઓ, જેમની માતૃભાષા તમિલ ન હોય, તેમને માટે તમિલ ભાષા એક વૈકલ્પિક વિષય તરીકે ભણાવવામાં આવતી હતી. તેથી તેને તે ભાષાનું થોડું જ્ઞાાન હતું. પરિણામે બંને વ્યક્તિઓ વચ્ચે થયેલી વાતચીતના અમુક શબ્દો સાંભળતાં જ તે વાતચીતનો સારાંશ સમજી ગયો. તે ઘરે ગયો. સાંજે તેના પિતાજી ઓફિસેથી પરત આવ્યા ત્યારે તેણે પેલી બે વ્યક્તિઓ વચ્ચે થયેલી વાતચીતની વિગતો જણાવી. તેના પિતા પણ આ સાંભળી ચોંકી ઊઠયા. તેમના એક પરિચિત પોલીસ ઓફિસર શહેરની ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. ઇન્કમટેક્સ ખાતાની નોકરીને લીધે ઘણીવાર તેમના સંપર્કમાં આવવાનું થતું. તેમને ફોન જોડી બધી વિગતો જણાવી. તેમણે સામેથી સારો પ્રતિભાવ આપ્યો અને 'યોજનાબદ્ધ કાર્યવાહી કરીશું' તેવો પ્રત્યુત્તર આપ્યો.
વાત એમ હતી કે એ બંને વ્યક્તિઓ મેદાનમાં તંબુ તાણી સ્ટીલનાં વાસણોનો ઊભો કરાયેલા સ્ટોલના માલિક-ભાગીદાર હતા. સ્કીમ એવી હતી કે આજે રૂપિયા એક હજાર જમા કરાવો અને પંદર દિવસ બાદ રૂપિયા બે હજારનાં મનપસંદ વાસણો મફત લઈ જાઓ! એકના બમણાંવાળી એ સ્કીમ હતી. શહેરમાં આ યોજનાને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. યોજનાકારોએ આ રીતે પચીસ દિવસમાં લાખો રૂપિયા એકઠા કરી લીધા હતા. સ્કીમની શરત મુજબ પંદર દિવસ બાદ રૂપિયા બે હજારનાં વાસણો પણ આપવામાં આવતાં હતાં. તેથી નાગરિકોમાં એકના બમણાંનું પ્રલોભન જાગ્યું હતું અને કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર લોકો આ યોજનામાં રોકાણ કરતા હતા. આ 'એકના બમણાં' આપવાની યોજનામાં ટૂંક સમયમાં જ લાખો રૂપિયા એકઠા થઈ જતાં ધંધો સમેટી બીજે દિવસે વહેલી સવારે નાસી જવાની બંને ભાગીદારોએ પેરવી કરી હતી. ગુજરાતના આ શહેરમાં તમિલ ભાષા કોઈ જાણતું નહીં હોય તેમ માની તે ભાષામાં વાતચીત કરવામાં આવી હતી.
બીજે દિવસે વહેલી સવારે ત્રણ વાગ્યે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું ત્યારે નિયત પ્લાન મુજબ મેદાનમાં એક ટ્રક આવી પહોંચી. બીજી બાજુ તે સમય પહેલાં યોજનાબદ્ધ રીતે સાદા ડ્રેસમાં પોલીસ ઓફિસર પોતાના સ્ટાફ અને જરૂરી હથિયારો સાથે પહોંચી ગયા હતા અને રસ્તાની એક બાજુ કાર ઊભી રાખી નિગરાની રાખતા હતા. મેદાનમાં સ્ટોલ ખાતે રહેલા બે કર્મચારીઓએ મજૂરો મારફત બધાં વાસણો ટ્રકમાં ભરાવ્યાં. મજૂરોને યોગ્ય મજૂરી આપી રવાના કર્યા, ત્યારબાદ ટ્રકને શહેરની બહાર હાઈવે તરફ હંકારી ગયા. તેની પાછળ પોલીસની કાર પણ રવાના થઈ. પેલા બંને ભાગીદારો પ્લાન મુજબ હોટેલમાંથી કાર મારફત નીકળી હાઈવે ઉપર ટ્રકની રાહ જોઈને ઊભા હતા. ટ્રક હાઈવે પર પહોંચીને ઊભી રહી. એક ભાગીદાર ટ્રક પાસે જઈ આગળ ક્યાં જવું તેની સૂચના ટ્રકના ડ્રાઈવરને આપતો હતો અને બીજો કારની બહાર નીકળી સિગારેટ પીતો હતો. તે જ સમયે પોલીસ ઓફિસરે તેમના પોલીસ જવાનો સાથે આવી બંને વ્યક્તિઓ, ટ્રક અને કારને ઘેરી લીધાં. આ જોઈ બંને ભાગીદારો નાસી જવા હાઈવેથી રસ્તાની બાજુના ખેતરાઉ રસ્તે દોડયા, પણ પોલીસ ઓફિસરની સતર્કતાથી તેમનો પ્લાન નિષ્ફળ બન્યો. બંને ભાગીદારો સહિત કર્મચારીઓ અને ડ્રાઈવરને પકડી લેવાયા. બધાને પોલીસ સ્ટેશન લઈ જવાયા, જ્યાં તેમની કડક પૂછપરછ થઈ. કડક પૂછપરછને અંતે બંને ભાગીદારોએ પોતાનો ગુનો કબૂલી લીધો.
સાંજે ચાર વાગ્યે કમિશનર કચેરીમાં બધા આરોપીઓને સાથે રાખી પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં જય અને તેના પિતાજીને પણ હાજર રખાયા. પોલીસ કમિશનરશ્રીએ ગુનાની વિગતો રજૂ કરી તેમજ આ ઠગાઈ કેસમાં એકના બમણાંનું પ્રલોભન આપી શહેરના પ્રજાજનોની લાખો રૂપિયાની મૂડીનું રોકાણ એકઠું કરી નાસી જવાની પેરવી કરનારાઓને પોતાની નિરીક્ષણ શક્તિ, સતર્કતા અને હિંમત થકી જેલભેગા કરવા બદલ કિશોરવયના જયના સાહસની તેમજ તેના પિતાજીની પણ સરાહના કરી. જયને ઇનામ આપવામાં આવ્યું. પોલીસ કમિશનરશ્રીએ પ્રજાજનોને પણ આવી લોભામણી સ્કીમોથી દૂર રહેવા અને આવા ઠગ લોકોની છેતરપિંડી બાબતે તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરવા અપીલ કરી.
બીજા દિવસનાં તમામ અખબારોમાં જયના ફોટા સાથે તેના સાહસનો અહેવાલ પ્રગટ થયો. તે વાંચી તેની શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જયને અઢળક અભિનંદન આપ્યાં. શાળામાં પણ તેનું બહુમાન કરવામાં આવ્યું.
રાત્રે જયની મમ્મીએ જય માટે ભાવતાં ભોજન બનાવ્યાં અને તે આરોગીને જય બહુ ખુશ થયો. શાળાનું લેસન પૂર્ણ કરી, સૂતાં પહેલાં નિત્યક્રમ મુજબ પરમાત્માને પ્રાર્થના કરી, તેમનો આભાર માની તે નિદ્રાદેવીને શરણે થયો.