સગા ભાઈ સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરતાં ફસાઈ હતી આ અભિનેત્રી: ગરીબીના કારણે 13 વર્ષની વયે શરૂ કર્યું હતું કામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meenu Mumtaz: હિન્દી સિનેમાના 50 અને 60ના દશકમાં ઘણી અદભુત અભિનેત્રીઓએ પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ દિગ્ગજ હસ્તીઓમાં એક નામ 'મીનૂ મુમતાઝ'નું પણ છે, જેઓ માત્ર એક ઉત્તમ અભિનેત્રી જ નહીં, પરંતુ એક શાનદાર ડાન્સર પણ હતા. બોલિવૂડમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવનાર મીનૂ મુમતાઝનું જીવન સંઘર્ષ, સફળતા અને વિવાદોથી ભરેલું રહ્યું છે.
13 વર્ષની નાની ઉંમરે શરૂ કરી કારકિર્દી
સિનેમા જગતમાં આવતા પહેલાં તેમનું સાચું નામ મલિકુનિસા અલી હતું, પરંતુ જ્યારે તેમણે અભિનયની દુનિયામાં પગ મૂક્યો, ત્યારે પ્રખ્યાત અભિનેત્રી મીના કુમારીએ તેમને 'મીનૂ' નામ આપ્યું હતું. મીનૂ મુમતાઝ પ્રખ્યાત કોમેડિયન મહમૂદ અલીની બહેન હતી. આઠ ભાઈ-બહેનોની જવાબદારી અને ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે મીનૂ અને મહમૂદ બંનેએ નાની ઉંમરે જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
જ્યારે મીનૂ મુમતાઝ માત્ર 13 વર્ષની હતી, ત્યારે તેમને 1955માં તેમની પહેલી ફિલ્મ 'સફી ખાતિમા' મળી. આ પછી તેમણે 'બારા-દારી', 'ઘર-ઘર મેં દીવાલી' અને 'સોસાયટી' જેવી ફિલ્મોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી. ગુરુદત્તના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'સી.આઈ.ડી.' તેમના જીવનમાં મોટો વળાંક સાબિત થઈ, જેમાં દેવ આનંદ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મની સફળતા બાદ તેમણે 'નયા દૌર', 'પૉકેટ માર', 'આશા' અને 'અદાલત' જેવી અનેક પ્રખ્યાત ફિલ્મોમાં કામ કર્યું.
જ્યારે સગા ભાઈ સાથે ઓનસ્ક્રીન રોમાન્સ પર મચ્યો હોબાળો
અભિનેત્રીની કારકિર્દી સારી ચાલી રહી હતી, પરંતુ તેમના જીવનમાં સૌથી મોટો વિવાદ ત્યારે આવ્યો જ્યારે તેમણે વર્ષ 1958માં અશોક કુમાર અને મધુબાલા સ્ટારર ફિલ્મ 'હાવડા બ્રિજ'માં પોતાના જ સગા ભાઈ મહમૂદ અલી સાથે રોમાન્સ કર્યો. આ ફિલ્મનું ગીત 'ગોરા રંગ ચુનરિયા કાલી' ખૂબ લોકપ્રિય થયું, પરંતુ ભાઈ-બહેનને સ્ક્રીન પર રોમાન્સ કરતા જોઈને દર્શકો રોષે ભરાયા હતા.
તે સમયના માધ્યમોમાં આ વાતને લઈને ભારે હોબાળો મચ્યો હતો. ગુસ્સે ભરાયેલા દર્શકોએ બંને કલાકારોને બાયકોટ કરવાની માંગ પણ કરી હતી. જો કે, મીનૂ મુમતાઝે કોઈની પણ પરવા કર્યા વગર ચૂપચાપ પોતાનું કામ ચાલુ રાખ્યું અને સમયની સાથે આ વિવાદ શમી ગયો.
ભારત છોડીને વિદેશમાં વસવાટ અને અંતિમ સમય
બોલિવૂડમાં સફળ કારકિર્દી બનાવ્યા બાદ મીનૂ મુમતાઝે 12 જૂન, 1963ના રોજ ફિલ્મ ડિરેક્ટર સૈયદ અલી અકબર સાથે લગ્ન કરી લીધા અને પતિ સાથે કેનેડામાં જઈને સ્થાયી થયા. લગ્ન બાદ પણ તેમણે કેટલાક સમય સુધી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમને ત્રણ સંતાનો છે. 23 ઓક્ટોબર, 2021ના રોજ કેનેડામાં જ મીનૂ મુમતાઝે 79 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.




