Zagmag

બંટી, માનીમાસી, ચૂંચૂં અને મોબાઈલ

By GS Team
3 Oct 20263 mins read
બંટી, માનીમાસી, ચૂંચૂં અને મોબાઈલ
  • 'ચૂંચૂં, આ મોબાઈલ તો મનોરંજન માટેનું સાધન છે, પણ બંટી આના ચક્કરમાં પોતાનું ભણતર બગાડી રહ્યો છે. આપણે એને સાચો રસ્તો બતાવવો જ પડશે.'
  • કિરીટ ગોસ્વામી

એક સરસ મજાનું નાનું ગામ હતું. આ ગામમાં એક મીનીમાસી અને ચૂંચૂં ઉંદર બંને પાકા મિત્રો બનીને રહેતાં હતાં. આ મીનીમાસી અને ચૂંચૂં બંને ખૂબ જ હોશિયાર અને હેતાળ હતાં. એ જ ગામમાં બંટી નામનો એક નાનો અને તોફાની છોકરો પણ રહેતો હતો.
એક દિવસ મીનીમાસી અને ચૂંચૂંને રસ્તામાંથી એક ચમકતો, નવોનક્કોર મોબાઈલ ફોન મળ્યો! મોબાઈલ જોઈને બંને તો ખૂબ નવાઈ પામ્યાં. ચૂંચૂંએ સ્ક્રીન પર ટચ કર્યું તો રંગબેરંગી લાઈટો થઈ! મીનીમાસીએ પણ મોબાઈલ હાથમાં લઈને જોયો.
એવામાં ત્યાંથી બંટી પસાર થયો. બંટીએ જ્યારે મીનીમાસી અને ચૂંચૂંના હાથમાં મોબાઈલ જોયો, ત્યારે તેના મનમાં લાલચ જાગી. તરત જ તેણે મીનીમાસી અને ચૂંચૂંને કહ્યું, 'અરે! આ મોબાઈલ તમારા બંને પાસે ક્યાંથી?'
ચૂંચૂં કહે, 'અમને તો હમણાં જ આ રસ્તા પરથી મળ્યો છે.'
મીનીમાસી બોલ્યાં, 'હા, આ અમારો મોબાઈલ નથી.'
આ સાંભળીને બંટીએ તરત કહ્યું, 'તમારા માટે એ કંઈ કામનો પણ નથી! લાવો મને આપી દો, મને આ મોબાઈલ ખૂબ કામ લાગશે!'
મીનીમાસી અને ચૂંચૂંએ બંટીનું કહેવું માનીને તેને મોબાઈલ આપી દીધો.
મોબાઈલ મળતાં જ બંટી તો ખૂબ ખુશ થઈ ગયો! મમ્મી-પપ્પાને કહ્યા વગર એ તો મોબાઈલ સંતાડીને રાખવા લાગ્યો અને મનફાવે તેમ વાપરવા લાગ્યો.
આ મોબાઈલના રવાડે ચડીને ધીમે ધીમે તે પોતાનો અભ્યાસ, ઘરકામ અને મેદાનમાં રમવાનું બધું જ ભૂલી ગયો. બસ, આખો દિવસ મોબાઈલ, મોબાઈલ અને મોબાઈલ! મોબાઈલના ચક્કરમાં બંટી ભણવામાં સાવ પાછળ પડી ગયો. શાળાની કસોટીમાં તેના માર્ક્સ પણ ખૂબ ઓછા આવ્યા અને શિક્ષકે તેને બરાબરનો ઠપકો આપ્યો. બંટી સાવ ઉદાસ થઈ ગયો.
આ વાતના સમાચાર મીનીમાસી અને ચૂંચૂંને મળ્યા. બંને તરત જ બંટીની પાસે પહોંચી ગયાં.
બંટી હાથમાં મોબાઈલ પકડી નીચું જોઈને બેઠો હતો. એને જોઈને સમજદાર મીનીમાસીએ ધીમેથી ચૂંચૂંને કહ્યું, 'ચૂંચૂં, આ મોબાઈલ તો મનોરંજન માટેનું સાધન છે, પણ બંટી આના ચક્કરમાં પોતાનું ભણતર બગાડી રહ્યો છે. આપણે એને સાચો રસ્તો બતાવવો જ પડશે.'
'હા માસી, બિલકુલ સાચી વાત છે. ચાલો, આપણે બંટીની આંખો ખોલીએ!' ચૂંચૂંએ કહ્યું.
બંનેએ બંટીની સામે એક નાનકડું નાટક શરૂ કર્યું.
મીનીમાસી આંખો પટપટાવતાં બોલ્યાં, 'ઓહોહો ચૂંચૂંભાઈ! આખો દિવસ મોબાઈલ જોવાથી મારી આંખો તો બહુ દુખવા લાગી છે અને મને ચક્કર પણ આવે છે!'
ચૂંચૂં પણ માથું પકડીને બોલ્યો, 'હા માસી, મારું મગજ પણ થાકી ગયું છે. હું તો આખો દિવસ સ્ક્રીન સામે જોઈ જોઈને સાવ આળસુ થઈ ગયો છું. મને તો ભણવાનું અને નવી વાતો શીખવાનું બહુ યાદ આવે છે!'
બંટી આ સાંભળીને ચોંકી ગયો. તે તરત ઊભો થઈને બંને પાસે આવ્યો અને બોલ્યો, 'મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે! હું મોબાઈલ પાછળ ભણવાનું અને રમવાનું બધું જ ભૂલી ગયો છું. પરીક્ષામાં પણ બહુ ઓછા માર્ક્સ આવ્યા છે અને હવે તો પપ્પાનો પણ બહુ ડર લાગે છે!'
મીનીમાસીએ બંટી સામે જોયું અને પ્રેમથી સમજાવતાં કહ્યું, 'જો બંટી, મોબાઈલ એક ઉપયોગી સાધન છે, પણ તેનો વપરાશ મર્યાદિત હોવો જોઈએ. તારી ખરી ઉંમર અત્યારે ભણવાની, નવું જ્ઞાાન મેળવવાની અને મેદાનમાં દોડાદોડી કરવાની છે. જો તું આ નાનકડી સ્ક્રીનમાં જ ખોવાયેલો રહીશ, તો તારું ભવિષ્ય બગડી જશે. તારે મોબાઈલમાં નહીં, પણ ભણવામાં ધ્યાન પરોવવું જોઈએ.'
ચૂંચૂંએ પણ કૂદકો મારીને ઉમેર્યું, 'હા બંટી, જે ભણશે એ જ જીવનમાં આગળ વધશે. મોબાઈલ તો કાલે નવો આવી જશે, પણ વીતી ગયેલો સમય ક્યારેય પાછો નહીં આવે!'
બંટીને મીનીમાસી અને ચૂંચૂંની વાત બરાબર સમજાઈ ગઈ. તેને પોતાની ભૂલનો સાચો પશ્ચાત્તાપ થયો. તેણે વચન આપતાં કહ્યું, 'હવેથી હું પહેલાં મારો અભ્યાસ પૂરો કરીશ અને મોબાઈલનો ઉપયોગ માત્ર જરૂર પૂરતો જ કરીશ!'
મીનીમાસી અને ચૂંચૂં ઉંદરે ખુશ થઈને એ મોબાઈલ બંટીના મમ્મી-પપ્પાને સોંપી દીધો. તે દિવસ પછી બંટી નિયમિત રીતે ભણવા લાગ્યો અને થોડા જ સમયમાં વર્ગમાં સૌથી તેજસ્વી વિદ્યાર્થી બની ગયો.