ચંગુ મંગુ બરફ બનો

ચંગુ-મંગુને બરફની વાત કાયમ માટે યાદ રહી ગઈ
બન્ને એકથઈ જાવ, વાતને ભૂલી જાવ
હરીશ નાયક
બંને ભાઈ છતાં બંને આખો વખત લડયા જ કરે. તેમાંય રજા પડી એટલે તો આવી જ બન્યું. જે એકને જોઈએ તે જ બીજાને જોઈએ. એક બેટ લે તો બીજો બેટ માગે, એક વાંચવા બેસે તો બીજાને એ જ ચોપડી જોઈએ. એક જે ખમીસ પહેરે તે જ બીજો માગે.
બસ એવી જ વાતની લડાઈ, અને લડે એટલે 'બા જોને…'ની બૂમો શરૂ થઈ જાય.
તેમાં એક ગંગુ કરીને છોકરો હતો. તે વળી નારદ મુનિ હતો. બંને ભાઈઓને લડાવી મૂકે. ટેસથી એ બંનેની લડાઈ જોઈ મજા માણે.
જ્યારે બંને લડીને બા પાસે જાય ત્યારે બા એક જ વાત કહે - 'બરફ જેવા બનો.'
જેટલી વાર તેઓ બા પાસે જાય ત્યારે બા આટલી જ વાત કહે, 'બરફ જેવા બનો.'
ચંગુ-મંગુને બાની વાતની ભારે નવાઈ લાગે. આખો દિવસ બા આ બરફ જેવા બનવાનું શું
કહે છે?
એક દિવસ બંને બરફનો ગોળો ચૂસતા આવતા હતા. ચંગુ કહે, 'આપણો લાલ મસ્ત છે.'
મંગુ કહે - 'લાલ રંગ તો માટી જેવા સ્વાદનો છે. ખરો રંગ તો પીળો જ છે. એવો મીઠો છે કે બસ વાત નહિ પૂછવાની.'
આદત મુજબ જામી લડાઈ.
ચંગુ કહે - 'લાલ.'
મંગુ કહે - 'પીળો', અને ગંગુ તો ત્યાં હતો જ.
લીધી સલાહ તેમણે ગંગુની - 'ગંગુ, ક્યો રંગ સારો ?'
ગંગુએ એક પણ રંગ ચાખ્યો ન હતો, છતાં બંનેને લડાવી મારવા કહી દીધું - 'લાલ.'
થઈ રહ્યું. બંને ભાઈઓ લાલપીળા થઈ ગયા. લડી પડયા. લડાઈ પહોંચી બા પાસે.
બા પાસે તો એક જ જવાબ હતો - 'બરફ
જેવા બનો.'
આ વખતે બંને ભાઈઓ રહી શક્યા નહિ. તેમણે પૂછ્યું - 'બા! તું આખો વખત અમને બરફ જેવા બનવાની સલાહ શું આપ્યા કરે છે ?'
વીસ પૈસા આપીને બા કહે, 'જાવ, લઈ આવો દશ પૈસાનો બરફ પણ ચોસલું લાવજો.'
ચંગુ-મંગુ લઈ આવ્યા બરફનું ચોસલું.
પડી રહેલી ફિરકીમાંથી બાએ કાઢ્યો પાક્કો માંજો, બાંધ્યો વચમાંથી બરફને, પછી કહ્યું - 'બોલશો નહિ, જોયા જ કરો.'
વચમાંથી રસ્તો કરતો કરતો માંજો બરફની બહાર નીકળી ગયો. પણ કપાવા છતાં બરફ કપાયો ન હતો.
બા કહે - 'સમજ્યા કંઈ ?'
ચંગુ-મંગુ કહે - 'ના, સમજાવ.'
બા કહે - 'જો આ દોરાને લઈને બરફ કપાતો હતો. પણ જેવો દોરો આગળ વધતો કે પાછળથી બરફ પાછો એક બની જતો અને દોરો બરફને કાપીને નીકળી ગયો છતાં બરફ તો એકનો એક જ રહ્યો. એ રીતે તમેય બરફ બનો. કોઈ ત્રીજો લડાવવા માગે તો લડો નહિ, જુદા પાડવા માગે તો જુદા પડો નહિ અને કોઈ વાર કોઈ વિવાદ ઊભો થાય પણ ખરો. છતાં એક થઈ જાવ. વાતને ભૂલી જાવ. બરફ જેમ બરફ રહે છે તેમ જ ભાઈ હંમેશાં ભાઈ જ રહે છે. બંને એક છે, બંનેએ એક થઈ જવાનું છે.'
બાએ બરફ ચૂસવા માટે ચંગુ-મંગુને આપી
દેતાં કહ્યું -
'બરફ ખાવ અને બરફ જેવા બનો.'
ચંગુ-મંગુને લાગ્યું કે બાએ તો જિંદગીભરની શિખામણ આપી દીધી છે. આખું વર્ષ જે પાઠ શાળામાં ભણ્યા નથી તે રજામાં બાએ શીખવી દીધો અને તેય બરફ ખાતાં ખાતાં









