એક અનેરા તીર્થધામનાં દર્શન

- ચર્મચક્ષુની અછતમાં પ્રજ્ઞાચક્ષુ બની રહેલા આ વિદ્યાર્થીઓની ધગશ એન ખંત જોઈ સહુને માન થયું હતું. તેમને માટે શારીરિક ખોડ જિંદગીને આગળ વધારવામાં જરાય અડચણરૂપ થતી ન હતી.
અમદાવાદના બેંતાળીસ અંધ વિદ્યાર્થીઓએ એક વખતે એસ.એસ.સી. પરીક્ષામાં સારું આકર્ષણ જમાવ્યું હતું.
ગુજરાત કોલેજના કોમ્યુનિટી હોલની જુદી જુદી જગાએ આ અંધ વિદ્યાર્થીઓની બેઠક હતી.
આ અંધ વિદ્યાર્થીઓને વર્ષભર સેન્ટર ઝેવિયર્સ કોલેજ તથા શાળાના વિદ્યાર્થીઓ તરફથી ભણવામાં સહકાર મળ્યો હતો. સેન્ટ ઝેવિયર્સ શાળાના અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓ નિયમિત અંધશાળામાં જઈ જોર જોરથી પોતાના પાઠનું વાંચન કરતા હતા. તેમના એ પાઠશ્રવણનો લાભ તેમના સહધ્યાયી વિદ્યાર્થીઓને પણ મળતો હતો.
આ અંધ વિદ્યાર્થીઓને પોતાના પાઠ યાદ રાખવા માટે આવા સહકારની જરૂર પડે જ છે. એ જમાનામાં બ્રેઈલ લિપિમાં એસ.એસ.સી.નાં તમામ પુસ્તકો મળી શકતાં નહોતાં. એટલે કોઈક વાંચી સંભળાવે તો જ તેઓ પાઠ યાદ રાખી શકે છે.
કોલેજના અમુક વિદ્યાર્થીઓ તેમને આવીને પાઠ તથા દાખલાઓ શીખવાડી પણ જતા હતા.
કેટલાક અમીર વિદ્યાર્થીઓએ એવી આદત કેળવી હતી કે તેઓ પોતાના પાઠ ટેપ પર ઉતારી લેતા અને પછી એ ટેપ, અંધ વિદ્યાર્થીઓને આપી આવતા. વખોતવખત આ ટેપ સાંભળવાથી અંધ વિદ્યાર્થીઓને પાઠ ગોખવામાં તથા યાદ રાખવામાં અનુકૂળતા થઈ રહેતી.
આ રીતે તૈયાર થયેલા અંધ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સહાય કરવાની તૈયારી સી.એન. તથા શારદાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ બતાવી હતી.
સારા અક્ષરના આ છોકરા-છોકરીઓ અંધ વિદ્યાર્થીને પ્રશ્નો વાંચી દેતાં અને તેઓ જે જવાબ લખાવે તે લખી દેતાં.
આ આખુંય દ્રશ્ય એક તીર્થધામ સમું હતું.
આ પ્રમાણે અંધજન વતી જવાબો લખતી વિદ્યાર્થિની ચેતનાને પૂછવામાં આવ્યું - 'અંધજનોને આ બાબતમાં કોઈ તકલીફ પડતી હતી કે કેમ ?'
ત્યારે ચેતનાએ જણાવ્યું - 'જરા પણ નહિ. પૂરા આત્મવિશ્વાસ સાથે તેઓ પ્રશ્ન સાંભળતા હતા અને તરત જ જવાબ લખાવતા હતા. જવાબ લખાઈ રહ્યા બાદ અંધભાઈ પૂછતા પણ ખરા કે - 'શું લખ્યું બહેન! જરા ફરી વાંચો જોઈએ ?' આમ તેઓ જવાબ ફરીથી તપાસી પણ જોતા અને એટલી ઝડપથી જવાબ લખાવતા કે સમયસર જ પ્રશ્નપત્રો પૂરા થઈ રહે.'
આ અંધ વિદ્યાર્થીઓએ બીજા દેખતા વિદ્યાર્થીઓની સરખામણીમાં કોઈ વધારે સગવડ માગી નથી. બીજાઓની જેમ જ ત્રણ કલાકમાં જ તેમણે તમામ પેપરો પતાવ્યાં છે.
ગુજરાત કોલેજનો હોલ આ પરીક્ષા વખતે આ અંધ વિદ્યાર્થીઓના બોલાતા શબ્દો વડે કોઈક પ્રાચીન વિદ્યાપીઠમાં ચાલતા પ્રાત : પાઠ જેવો લાગતો હતો.
ઉપરમાંથી ઘણાં તાજેતરમાં સિત્તેર કે તેથી વધુ ગુણાંકે પાસ થવાની આશા રાખતા હતા. અને હવે તાજેતરમાં જ બહાર પડેલું પરિણામ જણાવે છે કે ઉપરના તમામ અંધ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે અંધવિદ્યાર્થીઓનું પરિણામ સો એ સો ટકા આવ્યું છે. જેમાંથી બે પહેલાં વર્ગમાં પાસ થયા છે, જ્યારે બાકીના તમામ વિદ્યાર્થીનો બીજો વર્ગ આવ્યો છે.
ચર્મચક્ષુની અછતમાં પ્રજ્ઞાચક્ષુ બની રહેલા આ વિદ્યાર્થીઓની ધગશ એન ખંત જોઈ સહુને માન થયું હતું. તેમને માટે શારીરિક ખોડ જિંદગીને આગળ વધારવામાં જરાય અડચણરૂપ થતી ન હતી.
આ અંધ વિદ્યાર્થીઓને આખું વર્ષ ભણવામાં તથા પરીક્ષાના પ્રશ્નપત્રો લખવામાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ-શાળા તથા શારદા મંદિર ને સી.એન.ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ જે ધગશ - હોંશ દાખવી છે એ જોઈ તેમને અભિનંદન અને ધન્યવાદ આપવાનું મન થાય છે.









