વાવ-થરાદ: સુઇગામ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો વિવાદ, આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદની માગ સાથે પરિવારનો હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Suigam Police Station Custodial Death: વાવ-થરાદના સુઇગામ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં એક દલિત યુવકના અકાળે થયેલા મોતને પગલે ગંભીર વિવાદ અને ચકચાર જાગી છે. ગત 9 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ઘટેલી આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ભારે હંગામો મચાવ્યો હતો અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
સુઇગામ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના
મળતી માહિતી મુજબ, મૃતક રતાભાઈ રૂપશીભાઈ અને તેમના સાસરી પક્ષ વચ્ચે ચાલતા વાદ-વિવાદ અંગે સુઇગામ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ સંદર્ભે પોલીસે 9 સપ્ટેમ્બરના રોજ રતાભાઈની અટકાયત કરી સુઇગામ પોલીસ મથકની કસ્ટડીમાં રાખ્યા હતા. મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાના સુમારે રતાભાઈએ પોલીસ સ્ટેશનમાં પંખા સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાય છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો મોટી સંખ્યામાં સુઇગામ પોલીસ મથકે દોડી આવ્યા હતા.

પરિવારજનોના ગંભીર આરોપ
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, પોલીસે યુવકને ઢોર માર મારી માનસિક તથા શારીરિક ટોર્ચર કર્યો હતો, જેના કારણે કંટાળીને તેને આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના પરિવારે આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ દોષિતો સામે ગુનો નોંધવાની પ્રબળ માગ કરી છે
ઘટનાને પગલે ઊભા થતા ગંભીર સવાલો
ઘટના અંગે પરિવારજનોએ સવાલો કર્યા છે કે, યુવક પર એવો કયો ગંભીર ગુનો હતો કે તેની તાત્કાલિક અટકાયત કરી કસ્ટડીમાં રાખવો પડ્યો? યુવકનું મોત પોલીસ કસ્ટડીમાં થયું છે કે વાયરલેસ રૂમમાં, પરિવારજનોની હાજરી કે જાણ વગર મૃતદેહને પંખા પરથી નીચે કેમ ઉતારી લેવાયો? ઘટના સમયે ફરજ પરના પી.એસ.ઓ. અને પી.આઇ. શું કરી રહ્યા હતા? સુઇગામ પી.આઇ. મામલે મૌન કેમ સેવી રહ્યા છે?
સમગ્ર કેસ મામલે પરિવારે અટકાયતના સમયથી લઈને ઘટના સુધીના તમામ સીસીટીવી ફૂટેજની તાત્કાલિક અને નિષ્પક્ષ ચકાસણી કરવાની માગ કરી છે. દલિત યુવકના કસ્ટોડિયલ ડેથના આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. સત્ય બહાર લાવવા અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરી પીડિત પરિવારને ન્યાય અપાવવાની માગ બુલંદ બની છે.




