સુઇગામ: ગુજ્જુ લવગુરુના બેસણામાં પહોંચ્યા ખજૂરભાઈ, પરિવારને નવું ઘર બનાવી આપશે, ₹2 કરોડનું ફંડ એકઠું કરવા લોકોને કરી અપીલ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nitin Jani Khajur Bhai on Gujju Love Guru: વાવ-થરાદના સુઈગામના વતની અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરુ'નું 17 સપ્ટેમ્બરે માર્ગ અકસ્માતમાં અકાળે નિધન થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ગુજરાતના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટરની આવી વસમી વિદાયથી તેમના ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. આજે સુઈગામ ખાતે યોજાયેલા તેમના બેસણામાં ચંદન રાઠોડના ઘરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હજારોની સંખ્યામાં ચાહકો અને સોશિયલ મીડિયા ક્રિએટરો પહોંચ્યા હતા. સ્વર્ગસ્થના પરિવાર અને બાળકોને આ કપરા સમયે મદદરૂપ થવા માટે લોકો ખુલ્લા દિલે આર્થિક સહયોગ આપી રહ્યા છે.
નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પણ પરિવારના દુખમાં સહભાગી થયા
આ દુઃખદ સમયે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પણ સુઈગામ પહોંચ્યા હતા અને ચંદન રાઠોડના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. તેમણે ગુજ્જુ લવગુરુના બે બાળકો, તેમની પત્ની અને 60 વર્ષના મનોદિવ્યાંગ માતા તેમજ કોઈ કામ ન કરી શકતા 60 વર્ષના પિતાની આર્થિક સ્થિતિ જોઈને ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ખજૂરભાઈએ જણાવ્યું કે, ઘરમાં એકમાત્ર કમાઉ દીકરો ગુજ્જુ હવે આપણી વચ્ચે રહ્યો નથી. લોકો એવું માનતા હોય છે કે મિલિયનમાં ફોલોઅર્સ ધરાવતો કલાકાર કરોડપતિ હશે, પરંતુ ગુજ્જુએ પોતાના જીવનમાં કંઈ ભેગું કર્યું ન હતું. તે જે પણ કમાતો તે પરિવાર અને આસપાસની સેવામાં જ વાપરી નાખતો હતો.
ઘરના નિર્માણ સમયે શ્રમદાન આપવા આવવા અપીલ
પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખજૂરભાઈએ મદદની જાહેરાત કરી છે. તેમણે પોતાના ખર્ચે ગુજ્જુના પરિવાર, પત્ની અને બાળકો માટે એક નવું ઘર બનાવી આપવાનો નિર્ણય લીધો છે. તેમણે તમામ નાના-મોટા કલાકારો, ઇન્ફ્લુએન્સરો અને સામાન્ય લોકોને આ ઘરના નિર્માણ સમયે શ્રમદાન આપવા આવવા અપીલ કરી છે, આ ઉપરાંત, તેમણે આહ્વાન કર્યું છે કે જેમ આપણે ગરબા કે ટ્રેન્ડિંગ વીડિયો બનાવીએ છીએ, તેમ ગુજ્જુના પરિવારની મદદ માટે પણ સોશિયલ મીડિયામાં એક-એક વીડિયો બનાવીને અપીલ કરવામાં આવે.
પરિવાર માટે 2 કરોડ રૂપિયાની ધનરાશિ એકઠી ન થાય ત્યાં સુધી સેવાકીય ઝુંબેશ
ખજૂરભાઈએ સોશિયલ મીડિયા પર ચાલતા ફ્રોડ અને ખોટા ક્યુઆર કોડથી સાવચેત રહેવાની સલાહ આપતા લોકોને વિનંતી કરી છે કે શક્ય હોય તો સીધા સુઈગામ આવીને પરિવારને રૂબરૂ મદદ પહોંચાડે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી ગુજ્જુ લવગુરુના પરિવાર માટે 2 કરોડ રૂપિયાની ધનરાશિ એકઠી ન થાય ત્યાં સુધી આ સેવાકીય ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે જ્યારે આ ઘર બની જશે અને તેની પૂજા થશે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાત અને આખા ગુજરાતના લોકોને તે પૂજામાં હાજર રહેવા આમંત્રણ અપાશે.
રાજકીય અગ્રણીઓએ પરિવારને પાઠવી સાંત્વના
બીજી તરફ બેસણામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચંદન રાઠોડને પુષ્પાંજલિ અર્પણ કરી મૃતકના પરિવારજનોને મળીને દિલસોજી પાઠવી હતી. અધ્યક્ષ શંકર ચૌધરીએ ચંદન રાઠોડને યાદ કરતાં જણાવ્યું હતું કે, 'સરહદી ગામમાં જન્મેલા ચંદને પોતાની અનોખી હાસ્યવૃત્તિ અને વીડિયો દ્વારા લાખો લોકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું.' આ ઉપરાંત તેમણે ચંદન રાઠોડના બાળકોને અભ્યાસ તેમજ લગ્ન પ્રસંગે મદદરૂપ થવાની આપી ખાતરી હતી. સાથે બાઈકચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા વિનંતી હતી.
ગેનીબેન ઠાકોરે બાળકોના શિક્ષણ અંગે વ્યક્ત કરી ચિંતા
આ અગાઉ બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે પણ ચંદન રાઠોડના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે પરિવારના વડીલો પાસેથી ચંદનના બે બાળકો વિશે વિગતો મેળવીને તેમના ભવિષ્ય અને અભ્યાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'ચંદન રાઠોડના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને તેમનું યોગ્ય ઘડતર થાય તે આખા સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ.'
યુવાનોના હ્રદયમાં આગવું સ્થાન બનાવ્યું હતું
ગુજ્જુ લવ ગુરુના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે. યુટ્યુબ પર 985K સબસ્ક્રાઈબર્સ છે. સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદન રાઠોડે હાસ્યની સાથે લોકો અને સમાજને સાચી દિશા મળે તેવા સંદેશ આપતા વીડિયો માટે જાણીતા હતા. ચંદન રાઠોડે લોકબોલી અને કોમેડી વીડિયોના જોરે યુવાનોના હ્રદયમાં આગવું સ્થાન બનાવ્યું હતું. સોશિયલ મીડિયા ઉપરાંત ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં પણ ચંદન રાઠોડે કામ કર્યું હતું.
'




