વલસાડ: ઉમરગામમાં નિવૃત્ત રજિસ્ટ્રાર 'ડિજિટલ અરેસ્ટ'નો શિકાર, મની લોન્ડરિંગનો ડર બતાવી 30.76 લાખ ચોપટ કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Digital Arrest Fraud: વલસાડ કોર્ટના નિવૃત્ત રજિસ્ટ્રાર અને ઉમરગામમાં રહેતા વૃદ્ધ સાથે રૂ. 30.76 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી ટેલિકોમના અધિકારી હોવાની ઓળખ આપી વીડિયો કોલ દ્વારા ડરાવી, વૃદ્ધને ઘરમાં જ 'ડિજિટલ અરેસ્ટ' કરી મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આ ખેલ આચર્યો હતો.
મની લોન્ડરિંગ કેસમાં તેમની સંડોવણી હોવાનો ડર બતાવ્યો
વલસાડ જિલ્લાના ઉમરગામના સરોન્ડા ગામે રહેતા 62 વર્ષીય નિવૃત્ત રજિસ્ટ્રાર ઈશ્વરભાઈ ભગવાનજી પટેલના મોબાઈલ પર ગત તા. 09 જુલાઇ 2026ના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે દિલ્હી ટેલિકોમ વિભાગમાંથી બોલું છું તેમ કહી, તેમના નામે અન્ય સિમકાર્ડ ખરીદી ગેરકાયદે પ્રવૃત્તિ થઈ રહી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી, નરેશ ગોયલના રૂ. 5 લાખના મની લોન્ડરિંગ કેસમાં તેમની સંડોવણી હોવાનો ડર બતાવ્યો હતો.
બાદમાં વીડિયો કોલ પર રાખીને તેમને ડિજિટલ અરેસ્ટ કર્યા
સામે પક્ષેથી સુપ્રીમ કોર્ટ, CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સીલવાળા બોગસ ઓર્ડર મોકલી આપી, ઘરમાં જ રહેવા અને કોઈને જાણ ન કરવા દબાણ કર્યું હતું. ત્યારબાદ સતત ઓનલાઈન વીડિયો કોલ પર રાખીને તેમને ડિજિટલ અરેસ્ટ કરી લીધા હતા. કેસમાંથી બહાર નીકળવા માટે બેંક ટ્રાન્ઝેક્શન ચેક કરવાના બહાને ઈશ્વરભાઈ પાસે SBI અને મ્યુચ્યુઅલ ફંડમાંથી રોકાણ તોડાવી, સમયાંતરે કુલ રૂ. 30.76 લાખ DCB અને ICICI બેંકના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ગત તા. 31 જુલાઇના રોજ ઠગોએ ઈશ્વરભાઈ પાસે સોનું માંગતા, તેઓ બેંકમાં સોનું લેવા ગયા હતા. આ દરમિયાન તેમની પત્ની અને સંતાનોને શંકા જતાં તપાસ કરી હતી, જેમાં ફ્રોડ થયાનું સ્પષ્ટ થયું હતું. આખરે વલસાડ સાયબર ક્રાઈમને જાણ કરાતાં છેતરપિંડી અને ઠગાઈ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.









