Valsad

વલસાડ: ધરમપુરના હનમતમાળમાં ખેરના લાકડા ચોરીની અદાવતમાં બે મહિલા ફોરેસ્ટ અધિકારી પર કાર ચઢાવી મારી નાખવાનો પ્રયાસ

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
વલસાડના ધરમપુર તાલુકામાં ખેરના વૃક્ષોના ગેરકાયદે કટીંગ મામલે, ફરિયાદની અદાવત રાખી એક કારચાલકે હનમતમાળ રેન્જ ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે મહિલા રાઉન્ડ ફોરેસ્ટર રેણુકાબેન ભોયા અને ફોરેસ્ટર લતાબેન આહીર પર કાર ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ સમયસર પિલર પાછળ ખસી જઈ જીવ બચાવ્યો હતો. પોલીસે વીડિયોના આધારે આરોપી દિલીપ રાવલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ: ધરમપુરના હનમતમાળમાં ખેરના લાકડા ચોરીની અદાવતમાં બે મહિલા ફોરેસ્ટ અધિકારી પર કાર ચઢાવી મારી નાખવાનો પ્રયાસ

Forest Officer Attack In Valsad: વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના હનમતમાળ રેન્જ ફોરેસ્ટ ઓફિસના ગેટ નજીક ગેરકાયદે ખેરના વૃક્ષો કાપવાના મામલે નોંધાયેલી ફરિયાદની અદાવત રાખી એક કારચાલકે મહિલા રાઉન્ડ ફોરેસ્ટર સહિત બે કર્મચારીઓ પર કાર ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા અધિકારીઓએ સમયસૂચકતા વાપરી પિલર પાછળ ખસી જઈને આબાદ બચાવ સાધ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વનકર્મીઓએ વીડિયો ઉતારી લીધો હતો, જેના આધારે ધરમપુર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જાણો શું છે મામલો

મળતી વિગતો અનુસાર, હનમતમાળ રેન્જના મામાભાચા ગામે સરકારી જંગલમાંથી ખેરના વૃક્ષોનું ગેરકાયદે કટીંગ થયું હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગની તપાસમાં રાજપુરી જંગલ (હટવાડા ફળિયા)ના રહેવાસી દિલીપ રાવલે આ લાકડા કાપ્યા હોવાનું ખૂલતાં હનમતમાળ રાઉન્ડ ફોરેસ્ટર રેણુંકાબહેન ભોયાએ તેની સામે કાયદેસરનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીથી અદાવત રાખી આરોપી દિલીપ રાવલ મંગળવારે (ચોથી ઓગસ્ટ) પોતાની કાર લઈને હનમતમાળ રેન્જ ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે પહોંચ્યો હતો અને બૂમાબૂમ કરવા લાગ્યો હતો.

બંને મહિલા અધિકારીઓનો આબાદ બચાવ

અવાજ સાંભળી રાઉન્ડ ફોરેસ્ટર રેણુંકાબહેન ભોયા અને ફોરેસ્ટર લતાબહેન આહીર ક્વાર્ટસમાંથી બહાર આવી ગેટ પાસે ઊભા રહ્યા હતા. બંને મહિલા કર્મચારીઓને જોતાં જ ઉશ્કેરાયેલા દિલીપે તેમને જાનથી મારી નાખવાના ઈરાદાથી પૂરઝડપે કાર તેમની તરફ હંકારી મૂકી હતી. જોકે, બંને અધિકારીઓએ સમયસૂચકતા વાપરી ગેટના પિલર પાછળ ખસી જતાં તેમનો જીવ બચ્યો હતો.

આરોપીએ મારી નાખવાની ધમકી આપી

ઘટના બાદ પણ કારમાંથી જ ગંદી ગાળો આપી "તમે અહીં નોકરી કેવી રીતે કરો છો, તમને ઉડાવી દઈશ" તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આરોપીએ આપી હતી. બૂમાબૂમ થતાં ક્વાર્ટસમાંથી બીટગાર્ડ વંદનાબહેન અને RFO નિલેશ પટેલ દોડી આવ્યા હતા. વનકર્મીઓએ મોબાઈલ ફોનમાં આ સમગ્ર ઘટનાનું શૂટિંગ કરી લીધું હતું. RFOએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ કાફલો પહોંચે તે પહેલાં જ આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હતો. હાલ ધરમપુર પોલીસે વનકર્મીઓની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.