વાપીના છીરીમાં 12 કિલો ગાંજા અને દેશી તમંચા સાથે બે આરોપી પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi News : વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાપીના છીરી ખાતે આવેલી ચાલીની રૂમમાં છાપો મારી 12.259 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો, દેશી તમંચો, મોબાઇલ સહિત રૂ.6.28 લાખનો જપ્ત કર્યો હતો. જ્યારે બે આરોપીની ધરપકડ કરી ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ટીમે વાપીના છીરી વડીયાવાડમાં કેયુર પટેલની ચાલીની રૂમમાં છાપો માર્યો હતો. છાપા દરમિયાન બે શખ્સો હાજર મળી આવ્યા હતા. પોલીસે રૂમમાં તપાસ કરતા લીલાસ પડતા વનસ્પતિજન્ય પાવડર ભરેલી કોથળીઓ મળી આવી હતી. પોલીસે એફએસએલની મદદથી હાથ ધરેલા પરિક્ષણમાં ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. રૂમમાં સઘન તપાસ કરતા દેશી બનાવટનો તમંચો પણ મળી આવ્યો હતો.
પોલીસે રૂ.6.12 લાખની કિંમતનો 12.259 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો, તમંચો, બે મોબાઇલ, વજનકાંટો સહિત કુલ રૂ.6.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બે આરોપી પિન્ટુ સત્યનારાયણ ભગત જયસ્વાલ (ઉં.વ. 31, રહે. છીરી, વાપી) અને ત્રિપુરારીકુમાર હ્રદય નારાયણ યાદવ (ઉં.વ.28, રહે. છીરી, વાપી)ની ધરપકડ કરી હતી. બન્ને આરોપીની પુછપરછમાં કેયુર નવનીતભાઇ પટેલ (રહે. છીરી વડીયાવાડ, વાપી), કલીમ ઉર્ફે હકલા અલીમુદીન સૈયદ (રહે. ગાયત્રીનગર, કોપરલી રોડ, છીરી, વાપી) અને લલનકુમાર સત્યનારાયણ ભગત (રહે. છીરી, વાપી) અને વિશાલ (રહે. છીરી વડીયાવાડ, વાપી)ની સંડોવણી બહાર આવી છે. ડુંગરા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કલીમ, લલનકુમાર અને વિશાલને વોન્ટેડ જાહેર કર્યા છે.
અત્રે નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા છ મહિના ગાંજાના એનડીપીએસના 40 કેસો કરી રૂ.2 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરી 70 આરોપીની ધરપકડ કરી હતી. જિલ્લામાં પોલીસે એનડીપીએસના કેસો કરી રહી છે પણ હજી સુધી આ દુષણ નસ્તેનાબુદ નહી થતા ચિંતાનો વિષય બન્યો છે.
વોન્ટેડ સહિત ત્રણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ
વલસાડ એલસીબીએ વાપીના છીરી વિસ્તારમાંથી ગાજાના નેટવર્કનો પર્દાફાશ કરી બે આરોપીને દબોચી લીધા હતા. જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. પુછપરછમાં પકડાયેલા બે પૈકી પિન્ટુ ભગત સામે ડુંગરામાં જુગારધારાનો એક ગુનો, વોન્ટેડ કેયુર પટેલ સામે ડુંગરા અને નાનાપોંઢામાં દારૂ અને એનડીપીએસના ગુના તથા કલીમ સામે વાપી ટાઉન, ભિલાડ, નાની દમણ, ડુંગરા, વાપી જીઆઇડીસી, નાનાપોંઢા પોલીસમાં મારામારી, ચોરી, અપહરણ, લૂંટ, જુગાર, હત્યા, આર્મ્સ એક્ટ અને એનડીપીએસ મળી કુલ 18 ગુનાઓ અગાઉ નોંધાયા હતા.









