વલસાડ: સ્વનિર્ભર શાળા ઍસોસિએશનનું સરકારને અલ્ટીમેટમ, 4 માંગણીઓ ન સંતોષાય તો મોટા આંદોલનની ચીમકી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Self Finance Schools Association Demands: વલસાડના સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ઍસોસિએશન દ્વારા સ્વનિર્ભર શાળાઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં FRC(ફી રેગ્યુલેટરી કમિટી)ની પ્રક્રિયા સરળ બનાવવા, RTE(રાઇટ ટુ એજ્યુકેશન)ની ફી ચૂકવણીનો પ્રશ્ન ઉકેલવા, શાળાઓની સ્વાયતત્તામાં બિનજરૂરી હસ્તક્ષેપ દૂર કરવા તેમજ રોજબરોજના સરકારી પરિપત્રોના ભારમાંથી મુક્તિ આપવાની ચાર મુખ્ય માગો રજૂ કરાઈ છે.
સ્વનિર્ભર શાળાઓની ચાર માંગણીઓ સાથે ઍસોસિએશનનું સરકારને અલ્ટીમેટમ
ગુજરાતમાં 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓમાં 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે 7 લાખથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ સેવાઓ આપી રહ્યા છે. સ્વનિર્ભર શાળાઓના વિવિધ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ઍસોસિએશન વલસાડ દ્વારા સરકાર તથા શિક્ષણ વિભાગ સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી છે. જેમાં સૌપ્રથમ FRCની પ્રક્રિયા સરળ બનાવવા માગ કરી છે.
આ સાથે શાળાની મંજૂરી ફીમાં 10 ટકા કે તેથી ઓછો વધારો થયો હોય તો તેવી શાળાઓને દરખાસ્ત અથવા એફિડેવિટની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી ફી મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત થઈ છે. આ ઉપરાંત, RTE હેઠળના વિદ્યાર્થીઓની ફી ચૂકવણીનો પ્રશ્ન ઉકેલવાની માગ કરાઈ છે.
પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી
હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ, પાત્ર સ્કૂલોને FRC દ્વારા મંજૂર ફી અથવા સંબંધિત વિસ્તારમાં વિદ્યાર્થી પાછળ સરકાર દ્વારા થતાં ખર્ચ પૈકી યોગ્ય રકમ ચૂકવવાની રજૂઆત કરાઈ છે. આ સિવાય સ્વનિર્ભર શાળાઓની સ્વાયતત્તા જાળવવા અને કર્મચારીઓની નિમણૂક તથા છૂટા કરવાની બાબતમાં બિનજરૂરી હસ્તક્ષેપ દૂર કરવા અને રોજબરોજના સરકારી પરિપત્રોના વહીવટી ભારમાંથી મુક્તિ આપવા તમામ જરૂરી માહિતી માટે કોમન પોર્ટલ બનાવવાની તથા સ્વનિર્ભર સ્કૂલોને લાગુ પડતાં પરિપત્રો અલગથી જાહેર કરવાની માગ કરાઈ છે.
સંગઠને જણાવ્યું કે, વારંવાર રજૂઆતો છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનાત્મક પગલાં ભરવાની ફરજ પડશે. જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને અસર ના થાય તે રીતે સરકાર સત્વરે નિર્ણય લે તેવી અપીલ કરવામાં આવી છે.




