પારડીના ડુમલાવ ગામે 3 દિવસ બાદ દીપડી પાંજરે પુરાઇ : દીપડીએ મરઘા અને કુતરાનો શિકાર કર્યા બાદ વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : પારડી તાલુકાના ડુમલાવ ગામે ભગત ફળિયામાં દીપડીએ મરઘા અને કુતરાનો શિકાર કરતા ગામલોકોમાં ભય ફેલાઇ ગયો હતો. વન વિભાગે પાંજરુ ગોઠવ્યા બાદ ગઇકાલે શુક્રવારે ત્રીજા દિવસે દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી છે. બે ત્રણ વર્ષ અગાઉ ગામમાંથી બે દીપડા પકડાયા હતા. અંબાચ અને ડુમલાવના સીમાડામાં બેથી ત્રણ દીપડા ફરતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર પારડી તાલુકાના ડુમલાવ ગામે પાંચ દિવસ અગાઉ રહેણાંક વિસ્તાર દીપડી શિકારની શોધમાં આવી ભગત ફળિયામાં મરઘા અને કુતરાનો શિકાર કર્યો હતા. આ વાત વાયુવેગે ફેલાઇ જતા લોકોમાં ભયનો માહોલ થઇ ગયો હતો. ગામના સરપંચ પ્રકાશ પટેલ અને લોકો પહોંચી ગયા હતા. પ્રકાશ પટેલે વન વિભાગને જાણ કરાતા ઘટના સ્થળ વિસ્તારમાં પાંજરુ ગોઠવ્યું હતું. ત્રણ દિવસ બાદ ગઇકાલે શુક્રવારે રાત્રે લગભગ 4 વર્ષિય દીપડી પાંજરે પુરાઇ હતી. લોકોનું ટોળુ એકત્રિત થઇ ગયું હતું.
વન વિભાગે દીપડીનો કબજો લઇ પશુ ચિકિત્સકની મદદથી મેડિકલ ચેક કરાવ્યું હતું. વન વિભાગ પ્રક્રિયા પૂર્ણ થતા દીપડીના સુરક્ષિત જંગલમાં છોડી દેશે. દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી છે. અંબાચ અને ડુમલાવના સીમાડામાં હજી પણ બેથી ત્રણ દીપડા આંટા મારતા હોવાનું લોકો જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે બેથી ત્રણ વર્ષ અગાઉ ગામમાંથી બે દીપડા પકડાયા બાદ દીપડી પકડાઇ છે.









