NH 48 હાઈવે આસપાસ અડીને કરાયેલા અતિક્રમણ સામે બુલડોઝર કાર્યવાહી પર હાઈકોર્ટનો સ્ટે, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતાની રાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court on NH 48 Encroachment: દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ને અડીને આવેલા બાંધકામોનું અતિક્રમણ દૂર કરવાની કામગીરી સામે સુપ્રીમ કોર્ટ તરફથી સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી યથાસ્થિતિ (Status Quo) જાળવી રાખવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ હુકમના પગલે હાલ દબાણ હટાવવાની ઝુંબેશ સ્થગિત કરવામાં આવી છે. હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તાને અડીને આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ તેમજ કમર્શિયલ કોમ્પ્લેક્સને અતિક્રમણ ગણાવી તેને દૂર કરવા માટે ક્લિયરન્સ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી.
જુલાઈ મહિનામાં મોટા પાયે નોટિસો ફટકારવામાં આવી
સુપ્રીમ કોર્ટે નેશનલ હાઈવે પરના જોખમી અતિક્રમણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટીને દિશાનિર્દેશો આપ્યા હતા. જેને પગલે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા NH 48ને અડીને આવેલી જમીનો, હોટલો, રેસ્ટોરન્ટ્સ અને કમર્શિયલ કોમ્પ્લેક્સના દબાણો દૂર કરવા માટે જુલાઈ મહિનામાં મોટા પાયે નોટિસો ફટકારવામાં આવી હતી. ત્યારબાદ હાઈવે ઓથોરિટી દ્વારા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ક્લિયરન્સ ડ્રાઈવ શરૂ કરાઈ હતી, જેને કારણે વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મિલકતધારકોનો દાવો છે કે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવ્યા બાદ જ મિલકતોનું બાંધકામ કરવામાં આવ્યું છે અને તેમના બાંધકામો નિર્ધારિત રોડલાઈનથી જરૂરી અંતર જાળવીને જ ઊભા કરવામાં આવ્યા છે.
વેપારીઓએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા
જો કે, હાઈવે ઓથોરિટી આ બાંધકામોને દબાણની શ્રેણીમાં ગણાવીને સુપ્રીમ કોર્ટના રોડ સેફ્ટી સંબંધિત આદેશોના ભાગરૂપે કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવે છે. મામલો ગંભીર બનતાં અસરગ્રસ્ત વેપારીઓએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. અરજીની સુનાવણી ચાલુ હોવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા તોડફોડની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશના આધારે શરૂ કરાયેલી કાર્યવાહી અંગે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાંથી સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટે હાઈવે ઓથોરિટીને યથાસ્થિતિ જાળવવાનો હુકમ કર્યો છે.
આ આદેશને કારણે કામચલાઉ ધોરણે તોડફોડની કાર્યવાહી અટકી તો ગઈ છે, પરંતુ હવે મુખ્ય સવાલ એ ઊભો થયો છે કે હાઈવેની સુરક્ષા માટે અતિક્રમણ દૂર કરવાની કામગીરી અને સરકારી મંજૂરીથી વર્ષોથી ઊભેલી મિલકતોના કાયદેસરના હક્કો વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું? હાલ તો દક્ષિણ ગુજરાતના વેપારીઓ માટે આગામી કોર્ટના નિર્દેશો જ આશાનું કિરણ અને નિર્ણયબિંદુ બન્યા છે.




