GPCBનો કડક આદેશ: કંપનીની અંદર ચોખ્ખાઈ અને બહાર ગંદકી નહીં ચાલે, ગેટ બહાર 100 મીટર સુધી સફાઈ કરવી પડશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GPCB Strict Order Vapi Industrial Units: સામાન્ય રીતે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પ્રદૂષણ સામે નોટિસ અને દંડકીય કાર્યવાહી કરવા માટે ઓળખાતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (GPCB)નવું અભિયાન શરૂ કર્યું છે. ઔદ્યોગિક વિસ્તારોમાં કંપનીઓના ગેટ બહાર ફેલાતી ગંદકી, કચરો અને પ્લાસ્ટિકના દૂષણ સામે GPCB દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ‘સેવા મેરા યોગદાન-2026’ અભિયાન અંતર્ગત પ્રાદેશિક કચેરીઓ અને ઔદ્યોગિક એકમોના સંયુક્ત પ્રયાસોથી સ્વચ્છતા, પ્લાસ્ટિક ઘટાડવા અને જવાબદારીપૂર્ણ કચરા વ્યવસ્થાપન માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે જીપીસીબી વડી કચેરી દ્વારા 11 સપ્ટેમ્બર 2026ના રોજ તમામ પ્રાદેશિક કચેરીઓને પરિપત્ર બહાર પાડી આદેશનું પાલન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે
ગેટ અંદર સ્વચ્છતા અને બહાર ગંદકીના વિરોધાભાસ પર પ્રહાર
વાપી ઔદ્યોગિક વિસ્તારની વાત કરીએ તો, અહીં GPCBની કચેરી દ્વારા 160થી વધુ ઔદ્યોગિક એકમોને સાંકળીને 5 જેટલા ક્લસ્ટર પસંદ કરવામાં આવ્યા છે. આ નીતિ હેઠળ હવે કંપનીએ પોતાના પરિસરની સાથે ગેટ બહારના 100 મીટરના વિસ્તારમાં પણ નિયમિત સફાઈ કરાવવી પડશે. અત્યાર સુધી કંપનીની હદ બહારનો વિસ્તાર ગણાવીને જે જવાબદારીમાંથી છટકબારી શોધવામાં આવતી હતી, તેના પર હવે પૂર્ણવિરામ મૂકાશે. સફાઈ કામગીરીનો રોજેરોજનો રિપોર્ટ તૈયાર કરી તેનું સતત મોનિટરિંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

નિયમ ભંગ કરનાર એકમો સામે કાર્યવાહી કરાશે
આ અભિયાન માત્ર કાગળ પર ન રહે તે માટે GPCB દ્વારા કડક દેખરેખ રાખવામાં આવશે. જો મોનિટરિંગ દરમિયાન કોઈ કંપનીના ગેટ બહાર 100 મીટરની ત્રિજ્યામાં કચરો, પ્લાસ્ટિક કે ગંદકી જોવા મળશે, તો તે એકમ સામે પ્રદૂષણ નિયંત્રણના કાયદા હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કડક પગલા લેવાઈ શકે છે.
પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ‘નો એન્ટ્રી’ અને જનજાગૃતિ
આ અભિયાન અંતર્ગત એકત્રિત થયેલા કચરાનું યોગ્ય સેગ્રિગેશન, સંગ્રહ અને પર્યાવરણીય નિયમો મુજબ નિકાલ કરાશે. આ સાથે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા માટે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવશે. વાપી GIDCમાં વિવિધ કંપનીઓના મુખ્ય ગેટ પર જાગૃતિ માટે પોસ્ટર-બેનરો લગાવવામાં આવ્યા છે, જ્યારે શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ પાસે પ્લાસ્ટિકમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
માત્ર ફોટોગ્રાફી કે કાયમી સ્વચ્છતા? GPCBની નવી ભૂમિકા સામે સવાલ
પ્રદૂષણ માત્ર ધુમાડા કે કેમિકલયુક્ત પાણી પૂરતું સીમિત નથી, પરંતુ રસ્તાઓ પર પડેલો કચરો અને પ્લાસ્ટિક પણ પર્યાવરણ માટે મોટો સવાલ છે. GPCBની આ પહેલ આવકારદાયક છે, પરંતુ જો આ અભિયાન માત્ર ફોટોગ્રાફી કે એકાદ દિવસની સફાઈ પૂરતું સીમિત ન રહેતાં 100 મીટરના વિસ્તારમાં કાયમી સફાઈ જળવાય તો જ તેનો વાસ્તવિક હેતુ સિદ્ધ થશે. હવે કંપનીઓ અને ઔદ્યોગિક સંગઠનો આમાં કેટલી જવાબદારીપૂર્વક સહભાગી બને છે તેના પર સૌની નજર રહેશે.




