સરકારના વિકાસની વાતો પોકળ સાબિત : વલસાડના કેળવણી ગામે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ જતું ટ્રેક્ટર નદીમાં ફસાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કેળવણી ગામમાં છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના સરકારી દાવાની હકીકત સામે આવી છે. ગામમાં સ્મશાનની સુવિધા નથી અને ખુલ્લી જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ સ્થળ સુધી પહોંચવા માટે પાકો માર્ગ પણ ઉપલબ્ધ નથી. ગત વર્ષે ભારે ધોવાણનો ભોગ બનેલા લાવરી નદીના કોઝવેની સ્થિતિમાં આજદિન સુધી સુધારો થયો નથી. સરકાર આદિવાસી વિસ્તારમાં વિકાસના બણંગા ફૂકી રહ્યું છે પરંતુ વાસ્તવિક ચિત્ર અલગ જોવા મળી રહ્યું છે.
ધરમપુર તાલુકાના કેળવણી ગામના ખોરી ફળિયામાં રહેતા રમીલાબેન (ઉ.વ.52) બે દીકરા અને એક દીકરી એમ ત્રણ સંતાનોની માતા હતા. તા.9 સપ્ટેમબરના રોજ તેમનું અવસાન થયું હતું. રમીલાબેનના અવસાન બાદ અંતિમ સંસ્કાર માટે મૃતદેહને શિવ ફળિયા નજીક લાવરી નદી પાસેની ખુલ્લી જગ્યા સુધી લઈ જવાનો હતો. પરંતુ યોગ્ય માર્ગના અભાવે પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવો પડયો હતો. નદીના કોઝવે પરથી પસાર થતી વખતે વાહન ફસાઈ જતાં અંતિમવિધિ માટે નીકળેલા પરિવારને પણ મુશ્કેલી વેઠવી પડી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગામની વાસ્તવિક સ્થિતિ લોકો સામે આવી છે. શિવ ફળિયા અને પાડવી ફળિયાને જોડતો કોઝવે ગત વર્ષે ધોવાયા બાદ હજુ સુધી યોગ્ય રીતે રિપેર કરવામાં આવ્યો નથી. મુખ્ય માર્ગથી કોઝવે સુધીનો રસ્તો પણ અત્યંત ખરાબ છે. બીજી તરફ કોઝવેથી આગળ અંતિમ સંસ્કાર કરવામાં આવતી જગ્યાએ પહોંચવા માટે કોઈ વ્યવસ્થિત રસ્તો જ નથી.
સરકાર વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ કેળવણીના આ દ્રશ્યોમાં મૂળભૂત સુવિધાની સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. જીવતા લોકોની અવરજવર માટે બિસ્માર માર્ગ અને મૃત્યુ બાદ અંતિમવિધિ માટે પણ સુવિધાનો અભાવ હોવા છતાં વર્ષો સુધી સમસ્યાનું નિરાકરણ ન આવતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
જગ્યાના અભાવે સ્માશાન બનાવી શકાયું નથી : સરપંચ
કેળવણી ગામના સરપંચ નરેશભાઈ જયેશ પવારે જણાવ્યું હતું કે, સ્મશાન માટેની જગ્યા ખાનગી માલિકીની હોવાથી માર્ગ માટે જમીન ઉપલબ્ધ થતી નથી. જગ્યાના અભાવે સ્મશાન બનાવી શકાયું નથી અને ખુલ્લી જગ્યામાં અંતિમવિધિ કરવામાં આવે છે.




