Valsad

વલસાડના 63 વર્ષના ડૉક્ટરનું સાહસ: શ્રીનગરથી ખારદુંગલા સુધી 502 KM સાયકલ ચલાવી, 7 દિવસમાં ચઢાણ પાર કર્યું!

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
વલસાડના 63 વર્ષીય ડૉ. સુધીર જોશીએ શ્રીનગરથી 17,982 ફૂટ ઊંચા ખારદુંગલા સુધી 502 કિલોમીટરનું પડકારજનક હિમાલયન સાયકલિંગ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. 0°C તાપમાન, હિમવર્ષા અને ઓક્સિજનની અછત જેવા વિકટ પડકારો છતાં, તેમણે 7 દિવસમાં આ સિદ્ધિ મેળવી વલસાડનું ગૌરવ વધાર્યું છે. આ સાહસિક યાત્રા 10 ઓગસ્ટથી 16 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડના 63 વર્ષના ડૉક્ટરનું સાહસ: શ્રીનગરથી ખારદુંગલા સુધી 502 KM સાયકલ ચલાવી, 7 દિવસમાં ચઢાણ પાર કર્યું!

Himalayan Cycling Expedition: 'મન હોય તો માળવે જવાય' આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે વલસાડના 63 વર્ષીય હોમિયોપેથિક ફિઝિશિયન અને 'વલસાડ રેસર્સ ગ્રૂપ'ના સક્રિય સભ્ય ડૉ. સુધીર જોશીએ. તેમણે શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકથી શરૂ કરીને 17,582 ફૂટની ઊંચાઈએ આવેલા ખારદુંગલા સુધીનું 502 કિલોમીટરનું અત્યંત પડકારજનક સાયકલિંગ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરી વલસાડનું ગૌરવ વધાર્યું છે. અંતિમ તબક્કામાં 0°C તાપમાન, હિમવર્ષા અને ઓક્સિજનની કમી જેવા વિકટ પડકારો છતાં પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ અને નિયમિત ફિટનેસના બળે તેમણે આ સિદ્ધિ મેળવી સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક નંબર છે.

63 વર્ષની ઉંમરે પહાડોમાં કુલ 502 કિલોમીટરનું સાયકલિંગ

ડૉ. સુધીર જોશીએ 10 ઓગસ્ટથી 16 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાયેલા સાત દિવસના આ અભિયાનમાં કુલ 502 કિલોમીટરનું સાયકલિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે કુલ 10,486 ફૂટની ઊંચાઈ પર ચઢાણ પૂર્ણ કર્યું હતું. ખાસ વાત એ છે કે તેમણે આ અત્યંત કઠિન હિમાલયન સાયકલિંગ અભિયાન 63 વર્ષની ઉંમરે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ઐતિહાસિક લાલ ચોક, શ્રીનગરથી શરૂ થયેલી આ સાહસિક યાત્રા ઝોજિલા, દ્રાસ, કારગિલ, નામકીલા, ફોતુલા, લામાયુરુ, પથ્થર સાહિબ અને મેગ્નેટિક હિલ જેવા મહત્વપૂર્ણ અને ઊંચાઈવાળા માર્ગોમાંથી પસાર થઈ હતી. જે બાદ તે લેહ પહોંચ્યા હતા અને ત્યાંથી અંતિમ તબક્કામાં અત્યંત પડકારજનક ખારદુંગલા તરફનું ચઢાણ પૂર્ણ કર્યું હતું.

vapi-dr.jpg

ખારદુંગલા પહોંચતી વખતે હવામાન વધુ વિકટ બન્યું

સમગ્ર યાત્રા દરમિયાન ઊંચાઈમાં સતત વધારો, ઓક્સિજનની ઓછી માત્રા, કડકડતી ઠંડી, તેજ પવન તેમજ લાંબા અને કઠિન ચઢાણ જેવા અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઊંચાઈવાળા હિમાલયન માર્ગો પર સતત સાયકલિંગ કરવું શારીરિક સાથે માનસિક રીતે પણ અત્યંત પડકારજનક રહ્યું હતું. અભિયાનના અંતિમ તબક્કામાં ખારદુંગલા પહોંચતી વખતે હવામાન વધુ વિકટ બન્યું હતું. હિમવર્ષા વચ્ચે તાપમાન આશરે 0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આવી કઠિન પરિસ્થિતિ છતાં ડૉ. સુધીર જોશીએ 17,982 ફૂટની ઊંચાઈએ આવેલા ખારદુંગલા સુધી સાયકલિંગ કરીને અભિયાનની સફળ પૂર્ણાહુતિ કરી હતી.

નિયમિત તાલીમ, સાતત્યપૂર્ણ ફિટનેસ, યોગ્ય આયોજન અને મજબૂત મનોબળના કારણે ડૉ. જોશી આ સાહસિક અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા હતા. ડૉ. સુધીર જોશીએ જણાવ્યું હતું કે, 'ઉંમર નવા લક્ષ્યો હાંસલ કરવામાં અવરોધ નથી. યોગ્ય તાલીમ, શિસ્ત અને મજબૂત ઇચ્છાશક્તિ સાથે જીવનના કોઈપણ તબક્કે નવા પડકારો સ્વીકારી શકાય છે.' આ સાહસિક અભિયાન માત્ર વ્યક્તિગત સિદ્ધિ પૂરતું સીમિત નથી, પરંતુ સક્રિય અને તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રેરણાદાયી સંદેશ પણ આપે છે. વલસાડ માટે ગૌરવરૂપ આ સિદ્ધિ સાયકલિંગ અને ફિટનેસપ્રેમીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે.