વાપીના સુલપડમાં પાનના ગલ્લા પરથી 10.400 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi: વાપીના સુલપડ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા પરપોલીસે બાતમીના આધારે છાપો મારી રૂ.5.19 લાખની કિંમતનો 10.400 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો જપ્ત કરી સંચાલકની ધરપકડ કરી હતી. જ્યારે જથ્થો આપનાર એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ અજય ચૌધરીને મળેલી બાતમીના આધારે ટીમે વાપીના સૂલપડ આવેલા મામા પાન સેન્ટર નામક પાનના ગલ્લા પર છાપો માર્યો હતો. પાન સેન્ટરમાં પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન સફેદ કલરના પાવડર ભરેલી કોથળીઓ મળી આવી હતી. પોલીસે એફએસએલની મદદથી પરિક્ષણ કર્યા બાદ ગાંજો હોવાનું તારણ બહાર આવ્યું હતું.
પોલીસે રૂ.5.19 લાખની કિંમતનો 10.400 કિ.ગ્રા. જથ્થો જપ્ત કરી સંચાલક નવીનકુમાર રામકમલેશ્ર્વર ઝા (ઉ.વ.42, રહે દ્વારકાધીશ એપાર્ટમેન્ટ, ચણોદ, વાપી)ની ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછમાં જથ્થો ટાંકી ફળિયામાં રહેતો ગુપ્તાજી ગોલીવાલા નામનો શખ્સ સપ્લાય કરતો હતો. આરોપી પાનના ગલ્લા પરથી ગ્રાહકોને છુટકમાં વેચાણ કરતો હતો. વાપી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ગુપ્તાજી ગોલીવાલાને વોન્ટેડ જાહેર કર્યો છે.
વાપીના સુલપડ વિસ્તારમાં આવેલા મામા પાન સેન્ટરમાં પોલીસે છાપો મારી 10.400 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો જપ્ત કરી સંચાલકની ધરપકડ કરી હતી.
પારડીમાં માતા-પુત્ર સહિત ત્રણ ગાંજાની ગોળીના જથ્થા સાથે પકડાયા
પારડી બસ સ્ટેન્ડ નજીક આવેલી નાસ્તાની લારી પર પોલીસે છાપો માર્યો હતો. તે દરમિયાન પોલીસે લારીમાં તપાસ કરતા કેનાબીસ ગોળી (ગાંજો) નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1.28 લાખની કિંમતની 2.348 કિ.ગ્રા. ગાંજાની ગોળીનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે માતા-પુત્ર સીમાબેન રાજુભાઇ જેઠાણી, પિયુષ જેઠાણીની અટક કરી હતી. જથ્થો વલસાડ ખાતે રહેતા વિજય નામના શખ્સ પાસેથી લીધો હોવાનું જણાવતા તેની પણ ધરપકડ કરી હતી. લારી પરથી માદક પદાર્થનું આરોપી વેચાણ કરતા હતા. ત્રણ પૈકી પિયુષ અગાઉ પણ ગાંજાના ગુનામાં પકડાયો હતો. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
વલસાડના પારનેરામાં યુવાન ગાંજા સાથે પકડાયો
વલસાડના પારનેરા ગામે ડુંગરની તળેટીમાં આવેલી ખુલ્લી જગ્યામાં પોલીસે છાપો માર્યો હતો. તે દરમિયાન હાજર યુવાનની પુછપરછ કરી અંગઝડતી લેતા ખિસ્સામાંથી પાવડર ભરેલી કોથળી મળી આવી હતી. તપાસમાં ગાંજો હોવાનું બહાર આવતા પોલીસે 24 ગ્રામ જથ્થો જપ્ત કરી સંતોષ રમેશભાઇ પવાર (ઉ.વ.23, રહે. અકોલા, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. આરોપીએ વલસાડ રેલવે સ્ટેશન બહારથી એક શખ્સ પાસેથી પીવા માટે ગાંજો લીધો હોવાની કબુલાત કરી હતી.
પોલીસની ડ્રાઈવ નિયમિત રહે તે જરૂરી
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હાલમાં માદક પદાર્થની હેરાફેરીના નેટવર્કને પકડવા ડ્રાઈવ શરૂ કરી છે. જિલ્લના જુદા જુદા પોલીસ મથકની ટીમ, એલસીબી, એસઓજી દ્વારા માદક પદાર્થની હેરાફેરી અને વેચાણનો પર્દાફાશ કરી ગુના નોંધી આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લામાં યુવાધનને બરબાદીની ખાયમાં ધકેલવા નશીલા પદાર્થનું મોટાપાયે વેચાણ થતું હોવાનું જગજાહેર છે. પોલીસે હાલ મોટા ઉપાડે ડ્રાઈવ ચાલું કરી છે. પણ આ અભિયાન નિયમિત રીતે ચલાવવામાં આવે તો જ જિલ્લમાંથી આ દુષણ નસ્તેનાબુદ થઈ શકશે. નહીતર જે ચાલે છે તે ચાલતું જ રહેશે એમાં બે મત નથી.




